બાર્સેલોના આતંકી હુમલામાં બહાદુરી બદલ ભારતીયને એવોર્ડ

Saturday 10th March 2018 05:24 EST
 
 

લંડનઃ બાર્સેલોનામાં ગયા વર્ષે થયેલા આંતકી હુમલામાં ગંભીર રીતે ઘાયલ બાળકને બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકનારા ભારતીય મૂળના બર્મિંગહામના ૪૫ વર્ષીય હેરી અઠવાલની આ વર્ષના ‘પ્રાઇડ ઓફ બર્મિંગહામ’ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

હેરી અઠવાલ નોર્થ-વેસ્ટ બર્મિંગહામના ગ્રેટબાર વિસ્તારમાં પ્રોજેક્ટ મેનેજર છે. એક વ્યક્તિએ બાર્સેલોનોના પ્રખ્યાત લાસ રામભેસ પર્યટન સ્થળે પ્રવાસીઓ પર વાહન ચઢાવી દીધું ત્યારે અઠવાલ પણ ત્યાં જ હતા. તેઓ તેમના મિત્રો, પરિવાર અને બહેન કિન્ડે દેહર સાથે રજાઓ માણવા ત્યાં ગયા હતા.

આ હુમલામાં ૧૩ લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. આ વિસ્તાર ખાલી કરવાના પોલીસના આદેશની અવગણના કરીને અઠવાલ એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી સાત વર્ષના ગંભીર ઘાયલ જુલિયન કેટમેનને હાથમાં લઈને ઊભા જ રહ્યા હતા. જોકે, બ્રિટિશ અને ઓસ્ટ્રેલિયન એમ બેવડું નાગરિકત્વ ધરાવતા જુલિયનનું ઘટના સ્થળે જ મોત થયું હતું, પરંતુ એના પરિવારે પોતાના બાળકને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવા બદલ અઠવાલનો આભાર માન્યો હતો.

અઠવાલે જણાવ્યું હતું, ‘હું એક શીખ છું અને મારા ધર્મમાં ઘાયલની અથવા તો જે વ્યક્તિ મુશ્કેલીમાં હોય તેની મદદ કરવી ફરજ મનાય છે. અમારા ધર્મની આ વાતે મારા મન પર ઉંડી અસર કરી હતી. મેં વધુ વિચાર કર્યા વગર બાળકને બચાવવાનો નિર્ણય કર્યો હતો. આવા સમયે તમારી પાસે સેકંડના સોમા ભાગ જેટલો પણ સમય હોતો નથી. પરંતુ, મને લાગ્યું કે મારે કંઇક કરવું જ પડશે. કોઇની મદદ કરવી એ તો મારા લોહીમાં છે’. આ ઘટના પછી પણ ૪૫ વર્ષના અઠવાલે બાળકના વાલીઓ સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો.


comments powered by Disqus