લંડનઃ હિમવર્ષાને લીધે સતત ચાર દિવસ ખોરવાયેલું જનજીવન સોમવારથી ધબકતું થયું હતું. છેલ્લાં પાંચ વર્ષમાં આ વર્ષે સાઈબીરીયા તરફથી આવેલા ઠંડા પવનો અને ‘બિસ્ટ ફ્રોમ ધ ઈસ્ટ’ને લીધે સ્પ્રીંગ સિઝનની શરૂઆત હાડ થીજાવી નાખે તેવી ઠંડી સાથે થઈ હતી. સાઇબીરિયાના કાતિલ ઠંડા પવનોને લીધે યુરોપના ઉત્તરથી માંડીને દક્ષિણમાં ભૂમધ્ય સમુદ્ર સુધીના દેશોને થીજવી દીધા હતા.
ઠંડા પવન સાથે ભારે હિમવર્ષાને લીધે યુરોપના ૧૫ દેશોમાં જનજીવન ઠપ થઈ ગયું હતું. ગયા શુક્રવારથી યુરોપમાં ફરી વળેલા કાતિલ ઠંડીનાં મોજામાં લગભગ ૪૮લોકોનાં મોત થયાં છે. જેમાં પોલેન્ડમાં ૧૮, ચેક રિપબ્લિકમાં ૬, લિથુઆનિયામાં પાંચ, ફ્રાન્સ અને સ્લોવાકિયામાં ચાર-ચાર, ઇટાલી, સર્બિયા, રોમાનિયા અને સ્લોવેનિયામાં બે-બે અને સ્પેનમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
જોકે, હવે તાપમાનમાં અચાનક થયેલા વધારાને લીધે થીજી ગયેલી પાઈપો ફાટી જતાં યુકેના કેટલાંક વિસ્તારોમાં આજે ત્રીજા દિવસે મંગળવારે આ લખાય છે ત્યાં સુધી પણ હજારો ઘરોનો પાણી પુરવઠો ઠપ રહ્યો હતો. આયર્લેન્ડમાં પણ હજારો ઘરોનો પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો.
હિમવર્ષા દરમિયાન ગ્રેટર માન્ચેસ્ટર, લિંકનશાયર,એડિનબરા, શ્રોપશાયર અને ડેવનમાં બરફથી ઢંકાઈ ગયેલા રસ્તા સફાઈની કરવા માટે આર્મી, RAF કર્મીઓ અને મરીન્સની મદદ લેવાઈ હતી.
બરફ વચ્ચે અટવાયેલી ટ્રેનોમાં પેસેન્જરોને આખી રાત રહેવું પડ્યું હતું. નેટવર્ક રેલના જણાવ્યા મુજબ લંડન અને વેમથ વચ્ચેના ટ્રેક પર પાંચ ટ્રેન ફસાઈ હતી.
બ્રિટનની ઠંડી આ વર્ષે ૨,૦૦૦ કરતા વધુ લોકોનો ભોગ લે તેવી શક્યતા છે. ઠંડા ઘરોમાં રહેતા લગભગ ૧૦૦ લોકો દરરોજ મૃત્યુ પામશે તેવી ચેતવણી એક ચેરિટીએ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ ફિગર્સના વિશ્લેષણમાં આપી હતી. બ્રિટનમાં બે વખત રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું હોય તેવી આ પ્રથમ ઘટના હતી.
પાણી પુરવઠો ઠપ થયા પછી લંડન, કેન્ટ, સસેક્સ અને વેલ્સમાં ગ્રાહકો સાથે સંપર્ક થતાં કંપનીઓ તેમને પાણીની બોટલો પહોંચાડી રહી છે.
સાઇબીરિયા પરથી ફૂંકાયેલા ઉત્તર ધ્રુવીય પવનોએ સમગ્ર યુરોપને કાતિલ સકંજામાં ઘેરી લીધું હતું. આખા યુરોપમાં શાળા-કોલેજો બંધ કરી દેવાઈ હતી. સાઇબીરિયાથી આવેલાં આ બરફનાં તોફાનને બ્રિટનમાં બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ, હોલેન્ડમાં સાઇબીરિયન બેર, સ્વિડનમાં સ્નો કેનનનાં નામ અપાયાં હતા. બરફનાં આ તોફાનને કારણે યુરોપના મોટાભાગના દેશોમાં રેડ એલર્ટ જારી કરાયું હતું. જ્યારે બ્રિટનમાં સૈન્યને સાબદું કરી દેવાયું હતું. બ્રિટનના ઇતિહાસમાં આ સૌથી વધુ તીવ્રતાનો એલર્ટ અપાયો હતો.
યુકેમાં બરફમાં ફસાઈ ગયેલા સેંકડો કારચાલકોને બચાવવા માટે લશ્કરની મદદ લેવી પડી હતી. માન્ચેસ્ટર નજીકનો M62 મોટર વે બંધ કરી દેવાયો હતો. સાઉથ-વેસ્ટ ઈંગ્લેન્ડમાં બરફવર્ષા માટેની રેડ વેધર વોર્નિંગ જારી કરાઈ હતી
પાણી પુરવઠો ઠપ
સાઉથ ઈસ્ટ વોટર દ્વારા જણાવાયું હતું કે લગભગ ૭,૦૦૦ ઘરો અને ઓફિસોનો પુરવઠો ઠપ છે. વેલ્સની ૧,૫૦૦ પ્રોપર્ટી અને લંડનના લગભગ ૫,૦૦૦ ગ્રાહકોને પાણી પહોંચતું નથી. વધુમાં, હેસ્ટિંગ્સ, ઈસ્ટ સસેક્સ અને તેની આસપાસના વિસ્તારોમાં૧,૨૦૦ ઘરોને પાણી મળતું નથી. લંડન, કેન્ટ, સસેક્સ અને વેલ્સમાં ગ્રાહકો સાથે સંપર્ક થતાં કંપનીઓ પાણીની બોટલો પહોંચાડી રહી છે.
બ્રિટનમાં ટ્રાન્સપોર્ટેશનને અસર
બ્રિટનમાં રેલસેવા ખોરવાઈ ગઈ હતી. સાઉથ બ્રિટનમાં વરસાદ અને નોર્થ બ્રિટનમાં સ્નોફોલની ચેતવણી અપાઈ હતી. બરફ ઓગળી રહ્યો હોવાથી કેટલાક વિસ્તારોમાં પૂરની ચેતવણી અપાઈ હતી. ૩,૫૦૦ મકાનોનો વીજપુરવઠો હજુ ખોરવાયેલો છે. કેટલાક સ્થળોએ હજુ પણ બરફ વચ્ચે ટ્રેનો અટવાયેલી છે.
ગ્રીનલેન્ડમાં માઇનસ ૪૩ અને સ્વિટ્ઝરલેન્ડમાં માઇનસ ૩૬ ડિગ્રી ઠંડી
યુરોપના મોટાભાગના દેશોમાં તાપમાનનો પારો ખૂબ નીચે પહોંચી ગયો હતો. મોટાભાગના દેશોમાં માઇનસ ૨૦ ડિગ્રી સુધી પારો ગગડી ગયો હતો. બ્રિટનમાં માઇનસ ૨૩ ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું જે છેલ્લાં ૫૫ વર્ષનું સૌથી ઓછું તાપમાન હતું. ઇટાલીના નેપલ્સમાં હિમવર્ષાએ ૫૦ વર્ષનો રેકોર્ડ તોડયો હતો. રાજધાની રોમમાં ૩૨ વર્ષમાં બીજી વાર હિમવર્ષા થઈ હતી. રશિયાના મોસ્કોમાં માઇનસ ૨૧ ડિગ્રી જ્યારે ઉત્તર ગ્રીનલેન્ડમાં ઠંડીનો પારો માઇનસ ૪૩ ડિગ્રી પર પહોંચી ગયો હતો. સ્વિટ્ઝરલેન્ડના ગ્લેત્તાપમાં માઇનસ ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગ્લાસગો એરપોર્ટ બંધ કરાયું
સ્કોટલેન્ડમાં આવેલું ગ્લાસગો એરપોર્ટ ગુરુવારે સવારે બંધ રહ્યું હતું. એડિનબરોથી ઊપડતી મોટાભાગની ફ્લાઇટ રદ કરી દેવાઈ હતી. હાઈવે પર મોટી સંખ્યામાં વાહનો ફસાઈ ગયા હતા. ઇમરજન્સી સેવાના કર્મચારીઓ વાહનચાલકોને બચાવવા ભારે સંઘર્ષ કરી રહ્યા છે. રેલવે પરિવહન પણ ઠપ થઈ ગયું છે. યુરોપનાં વિમાનીમથકો પર સેંકડો ફ્લાઇટ રદ થતાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ફસાયાં છે.

