કરાચી: બિલાવલ ભુટ્ટો ઝરદારીના પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ ૩૯ વર્ષીય કૃષ્ણાકુમારી કોહલીને ટિકિટ આપીને સેનેટર બનાવ્યા છે. કૃષ્ણાકુમારી સામાજિક કાર્યકર તરીકે પીપીપી સાથે જોડાયાં હતા. પાકિસ્તાન મીડિયાના અહેવાલો પ્રમાણે, હાલમાં જ કૃષ્ણાકુમારીએ સિંધ પ્રાંતની એક આરક્ષિત બેઠક પર જીત મેળવી હતી. કૃષ્ણાકુમારીનો જન્મ ૧૯૭૯માં અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો. તેઓ બાળપણમાં ઉમરકોટના જમીનદારની પ્રાઇવેટ જેલમાં બંધુઆ મજૂર હતાં. કૃષ્ણાકુમારીના લગ્ન ૧૬ વર્ષની ઉંમરે લાલચંદ નામના વ્યક્તિ સાથે થયા હતા. જોકે, લગ્ન પછી પણ કૃષ્ણાકુમારીએ મક્કમતાથી અભ્યાસ ચાલુ રાખ્યો અને ૨૦૧૩માં સિંધ યુનિવર્સિટીમાંથી સોશિયોલોજીમાં માસ્ટર્સ ડિગ્રી હાંસલ કરી. કોલેજનો અભ્યાસ પૂરો કરીને કૃષ્ણાકુમારી માનવાધિકાર કાર્યકર તરીકે કામ કરવા પીપીપી સાથે જોડાયા હતાં.

