લંડનઃ સ્કોટલેન્ડ યાર્ડના ભારતીય મૂળના અધિકારી નીલ બસુની કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટના વડા તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તેઓ આગામી ૨૧ માર્ચે આ હોદ્દો સંભાળશે. બ્રિટનના પોલીસ ફોર્સમાં આ સ્થાન ખૂબ પડકારજનક હોવાનું મનાય છે. બસુ હાલ મેટ્રોપોલિટન પોલીસમાં ડેપ્યુટી આસિ. કમિશ્નર તરીકે ફરજ બજાવે છે તેમને હવે આતંકવાદ વિરોધી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશ્નર ફોર સ્પેશિયાલિસ્ટ ઓપરેશન્સના સ્થાને બઢતી મળશે.
કાઉન્ટર ટેરરિઝમના વડા તરીકે હાલ માર્ક રોલી ફરજ બજાવે છે. ભારતીય પિતાના સંતાન નીલ બસુએ જણાવ્યું હતું કે, તેમને બ્રિટિશ પોલીસમાં કાઉન્ટર ટેરરિઝમના વડા તરીકે સ્થાન મળ્યું તે ગૌરવની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે તેમાં પડકાર છે પરંતુ પોતે આ ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવશે.
અગાઉ નીલ બસુને ૨૦૧૫માં રક્ષક અને સલામતી દળના વડા તરીકે સ્થાન મળ્યું હતું. જેમાં તેમણે રોયલ્ટી એન્ડ સ્પેશ્યાલિસ્ટ પ્રોટેક્શન, પાર્લામેન્ટરી એન્ડ ડિપ્લોમેટિક પ્રોટેક્શન, એવિએશન પોલિસિંગ જેવી મહત્ત્વની ફરજો અદા કરી હતી. ૨૦૧૬માં તેમને સિનિયર નેશનલ કો-ઓર્ડિનેટર ફોર કાઉન્ટર ટેરરિઝમમાં સ્થાન મળ્યું હતું. જેમાં આતંકીઓ સામે મહત્ત્વની કામગીરી અને આતંકી હુમલા ખાળવાની મહત્ત્વની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. શરુઆતની કારકિર્દીમાં બસુએ ડિટેક્ટિવ સુપરિન્ટેન્ડન્ટના ક્ષેત્રમાં તમામ રેન્કમાં ફરજ બજાવી હતી. સ્કોટલેન્ડ યાર્ડના વડા ક્રેસિડા ડિકે જણાવ્યું હતું કે, બસુ તેમની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે તેમને ટીમના વડા તરીકે બઢતી મળી તે આનંદની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે બસુએ હંમેશા પડકારજનક કામો સફળતાપૂર્વક પાર પાડયા હતા.

