લંડનઃ આગામી સમયમાં દેશમાં યોજાનારી કાઉન્સિલરની ચૂંટણીમાં મૂળ કચ્છની યુવતી ઝંપલાવશે. તેની સાથે તે બ્રિટનના રાજકારણમાં સક્રિય થનારી સંભવત: પ્રથમ મહિલા હોવાનું ગૌરવ પ્રાપ્ત કરશે. મૂળ માધાપરના ચેતનાબેન હાલાઇએ આગામી દિવસોમાં યોજાનારી હેરો (ઇસ્ટ)ની કાઉન્સિલરની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. ગુજરાત અને કચ્છના ૫થી ૭ જેટલા લોકો વિદેશમાં રાજકીય રીતે સક્રિય છે, પણ મહિલા તરીકે તેઓ સંભવતઃ પ્રથમ હોવાનું ગૌરવ અનુભવે છે.
તેમના વોર્ડ હેઠળ આવતા ૧૦ હજારથી વધુ મતદારો કે જેમાં ભારતીય સમુદાય પણ નોંધપાત્ર સંખ્યામાં છે તેમની સેવા કરવાનું તેમણે લક્ષ્ય સેવ્યું છે. યુકેમાં બે પેઢીથી તેમનો પરિવાર વસે છે અને માત્ર ૩૦ વર્ષની વયે જ તેમણે રાજકારણમાં સક્રિય થવાનો જે હેતુ રાખ્યો છે તેમાં તેમને સફળતા મળશે જ તેવો આશાવાદ પણ ચેતનાબેને વ્યક્ત કર્યો હતો.

