મેલડીમા સેવા પરિવાર- ઇન્ટરનેશનલના ઉપક્રમે ત્રિદિવસીય પાટોત્સવ

Wednesday 07th March 2018 06:03 EST
 
 

ખેડાસ્થિત ભગવતી શ્રી મેલડીમા સેવા પરિવાર – ઇન્ટરનેશનલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે તા. ૧૩, ૧૪ અને ૧૫ ફેબ્રુઆરી દરમિયાન ભવ્ય પાટોત્સવનું ખેડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ લાખથી વધુ શ્રધ્ધાળુઓએ શ્રધ્ધાભેર ભાગ લીધો હતો.

ભગવતીશ્રી મેલડીમાના પરમ ઉપાસક પૂ.માડી ( શ્રી ભોગીલાલ પંચાલ)ના સાન્નિધ્યમાં માતાજીની નગરયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, નવચંડી હવન તેમજ ૧૫મી ફેબ્રુઆરીની રાત્રે વહેલી પરોઢ સુધી ભવ્ય ગરબાનું આયોજન કરાયું હતું જેમાં એક લાખથી વધુ બહેનો દીપ પ્રગટાવેલા કોતરેલા માટીના ગરબા માથે લઇ ગરબે ઘૂમી હતી જેનું દ્રશ્ય અલૌકિક લાગતું હતું. આ પ્રસંગે પૂ. માડી લેખિત વીર વિક્રમાદિત્ય અને શ્રી ભગવતી ગુણગાથાના દળદાર ગ્રંથોનું લોકાર્પણ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના વિદ્વાન પંડિતોના વરદ હસ્તે થયું હતું. આ પાટોત્સવમાં અમેરિકા, યુ.કે., આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ તથા કેનેડાથી શ્રી મેલડીમા સેવા પરિવારના ભક્તો ખાસ પધાર્યા હતા. અત્રે નોંધનીય છે કે પૂજ્ય માડી ત્રણેક વર્ષ અગાઉ યુ.કે. આવ્યા ત્યારે જર્મનીમાં સચવાયેલા આપણા વેદ-ઉપનિષદ ગ્રંથો વિષે જાણકારી મેળવવા ગયા હતા ત્યાં વીર વિક્રમાદિત્ય વિષયક હસ્તપ્રત-સાહિત્ય ઉપબ્ધ થતાં તેઓશ્રી આ મહાગ્રંથ લખવા પ્રેરાયા હતા. બનારસ (કાશી) વિદ્યાપીઠના વિદ્વાનો આ ગ્રંથ જોઇ પ્રભાવિત થયા હતા.


comments powered by Disqus