લેસ્ટર વિસ્ફોટમાં ત્રણ આરોપીને ૩ એપ્રિલ સુધી રિમાન્ડ પર

Wednesday 07th March 2018 05:29 EST
 
 

લેસ્ટરઃ ગયા અઠવાડિયે હિંકલી રોડ પરના બિલ્ડીંગમાં થયેલા વિસ્ફોટના મામલે સોમવારે લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ હાજર કરાયેલા ત્રણ આરોપી શોપનો માલિક અરમ કુર્દ, હોકર હસન, અને અક્રન અલીને કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલી અપાયા હતા. હવે તેમને આગામી ૩જી એપ્રિલે વીડિયો લીંક દ્વારા રજૂ કરાશે. આ ત્રણેયની ધરપકડ ગયા બુધવારે ૨૮મી ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી.

આ ત્રણેય પર માનવવધ અને જીવ જોખમમાં મૂકવાના ઈરાદે આગચંપીના પાંચ કાઉન્ટનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પ્રોસિક્યુટર સોલિસિટર ઝો લીએ કોર્ટને જણાવ્યું હતું કે પેટ્રોલને લીધે આ વિસ્ફોટ થયો હોવાનું પૂરવાર થઈ ગયું છે કારણ કે આખી શોપમાં પેટ્રોલ પડેલુ હતું,

આરોપીઓમાં લેસ્ટરના બાર્ઉન્સ્ટનમાં રહેતા શોપના માલિક ૩૩ વર્ષીય કુર્દ, સેન્ટ જહોન ટેરેસ, યારમથમાં રહેતા ૩૨ વર્ષીય હોકર હસન અને ડ્રેક ક્લોઝ, ઓલ્ડહામના ૩૭ વર્ષીય અક્રન અલીનો સમાવેશ થાય છે. અગાઉ આ મામલામાં ૩૦ વર્ષની આસપાસના બે પુરુષની ધરપકડ કરાઈ હતી. પરંતુ. તેમને તપાસ હેઠલ છોડી મૂકાયા હતા.

માનવવધની શંકાના આધારે ઈસ્ટ એગ્લિયાના ૪૦થી વધુની વયના એક પુરુષની ધરપકડ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. તે સાથે આ કેસમાં કુલ છ લોકોની ધરપકડ કરાઈ હતી. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ હાથ ધરાઈ હતી.

ગત ૨૫ ફેબ્રુઆરીએ સાંજે વિસ્ફોટ અને ત્યારબાદ ભીષણ આગની આ ઘટનામાં પાંચ લોકો માર્યા ગયા હતા. જેમાં ફ્લેટમાં રહેતા શેન (૧૮) અને સીન (૧૬) તેમજ શેનની ગર્લફ્રેન્ડ લીહ બેથ રીક (૧૮) અને સ્ટોરમાં પહેલી જ ટ્રાયલ શીફ્ટમાં આવેલી ૨૨ વર્ષીય વિક્ટોરીજા જેવેલ્વા એમ ચાર લોકોના મૃત્યુને સમર્થન અપાયું હતું. જ્યારે શેન અને સીનની માતા ૪૬ વર્ષીય મેરી રઘુબીર, જે પાંચમી મૃતક હોવાનું મનાય છે, હજુ લાપતા છે.


comments powered by Disqus