વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા ગુરુવારે પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સના જાજરમાન મેઇન ડાઇનિંગ રૂમમાં ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceના યજમાનપદે શાનદાર પોલિટીકલ એન્ડ પબ્લિક લાઇફ એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો. સમારોહ સ્થળ જેટલું ભવ્ય હતું એટલા જ દમદાર તેમાં ઉપસ્થિત મહાનુભાવો હતા. ટોચના પાર્લામેન્ટ સભ્યો, બિઝનેસ કોમ્પ્યુનિટીના જાણીતા ચહેરાઓ, સંરક્ષણ દળોના ઉચ્ચ અફસરો અને બ્રિટીશ-ભારતીય સમાજના અગ્રણીઓ.
બે દિવસથી મોસમનો મિજાજ બગડ્યો હતો. ભારે સ્નોફોલ થયો હતો, અને હાડ થિજાવતી ઠંડી પણ ખરી. આ ઓછું હોય તેમ વેધર ડિપાર્ટમેન્ટે હવામાન વધુ કથળવાની આગાહી કરી બિનજરૂરી પ્રવાસ ન કરવા તાકીદ કરી હતી. અમને સહુને ચિંતા હતી કે મહેમાનો કાર્યક્રમમાં નિયત સમયે પહોંચી શકશે કે કેમ? પરંતુ આમંત્રિત મહાનુભાવોથી માંડીને મહેમાનો સહુ કોઇ ઉત્સાહભેર આવ્યા અને તેમની ઉપસ્થિતિથી સમારોહને દીપાવ્યો.
જોકે સહુની નજરનું કેન્દ્ર બની રહ્યા હતા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત શત્રુઘ્ન સિંહા. અભિનયની દુનિયામાંથી રાજકારણની દુનિયામાં ઝૂકાવનાર શત્રુઘ્ન સિંહાને ફિલ્મઉદ્યોગ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ આ સન્માન એનાયત થયું હતું. વાચક મિત્રો, આ સમારોહનો વિગતવાર અહેવાલ તો આપ સહુને ગુજરાત સમાચાર - Asian Voiceમાં વાંચવા મળશે જ, પણ મારે તો આપ સહુ સમક્ષ શત્રુઘ્ન સિંહા અને તેમની સાથે સંકળાયેલી કેટલીક વાતો રજૂ કરવી છે.
૧૯૬૦ના દસકાના અંત ભાગમાં ફિલ્મ કારકિર્દીનો પ્રારંભ કરનાર શત્રુઘ્ન સિંહાએ ૨૨૫થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રાદેશિક ભારતીય ભાષાની ફિલ્મો અલગ. આગવી અદાકારી અને અનોખી ડાયલોગ ડિલીવરી થકી હિન્દી ફિલ્મઉદ્યોગમાં મુઠ્ઠીઊંચેરું સ્થાન જમાવનાર આ અભિનેતા સમયાંતરે ભાજપમાં જોડાયા, સક્રિય રાજકારણમાં ઝૂકાવ્યું. અટલબિહારીની સરકારમાં પ્રધાનપદે રહ્યા. રૂપેરી પરદાની જેમ જ રાજકીય તખતે પણ તેમણે અલગ ઓળખ ઉભી કરી છે એમ કહીએ તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. આજે તેઓ સંસદમાં બિહારની પટના સાહિબ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
શત્રુઘ્ન સિંહા ફિલ્મઉદ્યોગ અને રાજકારણની જેમ જ પોલિટીકલ એન્ડ પબ્લિક લાઇફ એવોર્ડસ સમારોહમાં પણ છવાઇ ગયા. હું પણ તેમના વ્યક્તિત્વથી ખાસ્સો પ્રભાવિત થયો એમ સ્વીકારવું જ રહ્યું. કરડાકીભર્યો ચહેરો ધરાવતા અને ઘેરા અવાજે ‘ખામોશ...’ કહીને (ફિલ્મીપરદે જ સ્તો) ભલભલાની બોલતી બંધ કરી દેનાર આ અભિનેતા વ્યક્તિગત જીવનમાં બહુ જ નમ્ર, મિતભાષી અને સાલસ સ્વભાવના હોવાનું મારું અંગત મંતવ્ય છે. તેમણે બહુ સહજતાથી કહ્યું કે ભૂતકાળમાં પણ તેઓ લંડન - બ્રિટનની મુલાકાતે તો આવી ચૂક્યા છે, પરંતુ વેસ્ટમિન્સ્ટરના આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવાનો અવસર તો આ એવોર્ડસમારોહ થકી જ મળ્યો છે.
૭૨ વર્ષના આ અભિનેતાએ કરેલા સંબોધનનો સાર કંઇક આવો હતોઃ આત્મવિશ્વાસથી પ્રતિબદ્ધતા, પ્રતિબદ્ધતાથી દૃઢનિશ્ચયતા અને દૃઢનિશ્ચયતાથી સમર્પણભાવ જન્મે છે. અને જ્યારે તમારામાં આત્મવિશ્વાસની સાથે પ્રતિબદ્ધતા, મક્કમતા અને સમર્પણભાવનો સમન્વય સર્જાય છે ત્યારે તમારામાં એક જુસ્સો જન્મતો હોય છે... ગળાકાપ સ્પર્ધાના આજના આ સમયમાં તમારે તમારી જાતને શ્રેષ્ઠતમ પુરવાર કરવી આવશ્યક છે. જો તમે તમારી જાતને શ્રેષ્ઠતમ પુરવાર ન કરી શકો તેમ હો તો તમારે કમસે કમ અન્યોથી અલગ દેખાવાનો પ્રયત્ન તો કરવો જ રહ્યો...’
મારા માનંવતા વાંચક મિત્રો, વ્યક્તિ ભલે કોઇ પણ ક્ષેત્રે કાર્યરત હોય, દરેકને આ વાત લાગુ પડે છે. આજના સમયમાં લક્ષ્યથી તમારી નજર હટી નથી કે સ્પર્ધામાંથી બહાર ફેંકાયા નથી. વાત તો ખરીને?
શત્રુઘ્ન સિંહા સંસદગૃહમાં ભાજપનું પ્રતિનિધિત્વ કરે છે તે સાચું, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ નરેન્દ્ર મોદીની વિચારધારાનો વિરોધ કરતા નિવેદનો માટે પણ એટલા જ સમાચારોમાં ચમકતા રહે છે. તાજેતરમાં તેઓ ભાજપના જ એક અન્ય વરિષ્ઠ નેતા અને મોદી વિચારધારાના વિરોધી તરીકે જાણીતા યશવંત સિંહાએ સ્થાપેલા ‘રાષ્ટ્રીય મંચ’ સાથે જોડાયા છે. શત્રુઘ્ન સિંહા કે યશવંત સિંહા - બન્નેમાંથી કોઇએ ભાજપ સાથે છેડો ફાડ્યો નથી, પણ તેમના આ પગલું પક્ષહિતને નુકસાનકર્તા માનવામાં આવે છે. ‘સમાન વિચારસરણી’ ધરાવતી બે વ્યક્તિ એકબીજા સાથે હાથ મિલાવે ત્યારે મોટા ભાગે તેમનો ઉદ્દેશ પણ સમાન હોય છે તે સમજાય તેવું છે. આથી જ ઘણા લોકોના મતે શત્રુઘ્નનું આ પગલું ‘પક્ષવિરોધી’ છે, પરંતુ શત્રુઘ્નને લોકો શું માને છે તેની લેશમાત્ર પરવા નથી. તેમની સાથેની વ્યક્તિગત મુલાકાતના આધારે હું એટલું તો અવશ્ય કહી શકું કે શત્રુઘ્ન સિંહા એક એવું વ્યક્તિત્વ છે, જે અંતરના અવાજને અનુસરવામાં માને છે.
રાષ્ટ્રીય મંચ સાથે જોડાવાના નિર્ણય સામે પક્ષના એક વર્ગે નારાજગી વ્યક્ત કરી તો તેમણે ખુલ્લેઆમ કહ્યું કે જો સાચું બોલવું એ બળવો હોય તો હું બળવાખોર છું, પરંતુ આ (રાષ્ટ્રીય) મંચ કોઇ રાજકીય સંગઠન નથી... મંચની સાથે મોટા ગજાના લોકો જોડાયેલા છે... પક્ષમાં મનેય દુઃખ મળ્યું છે, પરંતુ આ પગલું પક્ષ સામે બળવો નથી. મારા માટે ભાજપ પહેલો અને આખરી રાજકીય પક્ષ છે... મારી પાસે કદ છે, પણ પદ નથી... બધા લોકો કહી રહ્યા છે કે લોકતંત્ર નબળું પડ્યું છે... મારા માટે તો પટણાની જનતા અને કાર્યકરો જ સ્ટાર છે...’
વાચક મિત્રો, શત્રુઘ્નના આ શબ્દો શું દર્શાવે છે? તેઓ જે માને છે તે જ બોલે છે. જે વિચારે છે તેને જ વાચા આપે છે. દસકાઓથી રાજકારણમાં હોવા છતાં તેમને સંગ તેવો રંગ લાગ્યો નથી. તેઓ બીજા નેતાઓ જેવા રીઢા કે શિયાળ જેવા લુચ્ચા રાજકારણી બન્યા નથી. આ જ તો તેમની વિશેષતા છે.
પોલિટીકલ એન્ડ પબ્લિક લાઇફ એવોર્ડ્સની લાઇફટાઇમ એચિવમેન્ટ કેટેગરી માટે શત્રુઘ્ન સિંહાના નામનું નોમિનેશન કરનાર કેટલાક વાચકોના મનમાં આશંકા હતી કે એવોર્ડની પસંદગીનો કળશ તેમના શિરે ઢોળાશે કે નહીં? તેમની આશંકાના મૂળમાં તથ્ય એ હતું કે ગુજરાત સમાચાર અને Asian Voice - બન્ને સાપ્તાહિકો મોદી સરકારની કામગીરીને પ્રસંગોપાત બિરદાવતા રહ્યા છે. સરકારની વિકાસલક્ષી નીતિરીતિનું સમર્થન કરતા રહ્યા છે. પ્રકાશક-તંત્રીને માનનીય વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે વ્યક્તિગત સંબંધો પણ છે. આ તમામ સંજોગોને મધ્યનજર રાખતાં તેઓ એવું માનવા પ્રેરાયા હતા કે લાઇફટાઇમ એવોર્ડ માટે શત્રુઘ્ન સિંહાની પસંદગી થવાની શક્યતા નહીંવત્ છે.
એવોર્ડ માટે શત્રુઘ્ન સિંહાનું નોમિનેટ કરનારા કેટલાક વાચકોએ તો મારી સાથેની રૂબરૂ વાતચીતમાં પૂછ્યું પણ હતુંઃ ‘મોદી સરકારવિરોધી વિચારો માટે છાશવારે ટીવી-અખબારોમાં ચમકતા રહેતા શત્રુઘ્ન સિંહાને જો વધુ નોમિનેશન મળ્યા તો શું તમે એમને એવોર્ડ આપશો?’ આ પ્રશ્નનો મારો હંમેશા એક જ જવાબ હતો, અને ભવિષ્યમાં પણ રહેશે.ઃ
એવોર્ડવિજેતાની પસંદગીનો નિર્ણય મારે નહીં, જજીસની સ્વતંત્ર કમિટીએ કરવાનો છે. તેમનો નિર્ણય અંતિમ ગણાશે. તેઓ જે કોઇ નામ પસંદ કરશે તેમને એવોર્ડ અપાશે. અખબારી વ્યવસાય, તેની વિચારધારા એક બાબત છે અને એવોર્ડની પસંદગી બીજી બાબત છે. બન્ને એકમેકથી સંપૂર્ણ સ્વતંત્ર છે. અમારી - ગુજરાત સમાચાર અને Asian Voiceની પરંપરા રહી છે કે એવોર્ડવિજેતાની પસંદગીમાં ચુસ્તપણે તટસ્થતા, નિષ્પક્ષતાનું પાલન કરવું. બહુમતી વાચકોનો નિર્ણય કોઇ પણ સંજોગોમાં શિરોમાન્ય રહેશે. અમે વાંચકોને, જાહેર જનતાને કોઇ એવોર્ડ માટે નોમિનેશન મોકલવા આમંત્રણ આપીએ છીએ તેમાં લેશમાત્ર દેખાડો નથી હોતો. એક સ્વતંત્ર કમિટી એવોર્ડવિજેતાની પસંદગી કરે છે, અને તેનો નિર્ણય તમામ માટે બંધનકર્તા હોય છે. વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની બનેલી પેનલ જો શત્રુઘ્ન સિંહાને પસંદ કરશે તો અવશ્ય તેમને જ એવોર્ડ અપાશે. એવોર્ડ વિજેતાની પસંદગીમાં વ્યક્તિગત ગમા-અણગમાની પસંદગીનો સવાલ જ નથી...’
વાચક મિત્રો, આપ સહુ જાણતા જ હશો કે આ વર્ષે કેબિનેટ મિનિસ્ટર ઓફ ધ યરની કેટેગરીનો પોલિટીકલ એન્ડ પબ્લિક લાઇફ એવોર્ડ થેરેસા મે સરકારના કોમ્યુનિટીસ એન્ડ લોકલ ગવર્ન્મેન્ટ સેક્રેટરી સાજિદ જાવિદને એનાયત થયો છે. પાકિસ્તાની મૂળના આ સાંસદે તેમને મળેલું આ બહુમાન માતા-પિતાને અર્પણ કરતા કહ્યું હતું કે વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે તેમણે સ્થળાંતર કરીને બ્રિટન આવવાનું બહુ મોટું જોખમ ખેડ્યું હોવાથી સાચા વીરલા તો તેઓ છે.
વાચક મિત્રો, આ બધી વાતો, આપની પાસેથી જાણવા મળેલા વિચારો, અભિપ્રાયો, આશંકાઓ ટાંકવાનું કારણ એટલું જ છે કે અમે આપને આ ખુલ્લા મંચના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે એવોર્ડવિજેતાની પસંદગીમાં નાત-જાત-ધર્મ, રાજકીય માન્યતા, રાષ્ટ્રીયતા, કોઇ કરતાં કોઇ બાબતને ધ્યાને લેવાતી નથી. કેટેગરીના સિલેક્શનમાં માત્રને માત્ર વ્યક્તિની યોગ્યતા ધ્યાને લેવાય છે, અને પસંદગીમાં વાચકોની બહુમતી.
અને રહી વાત માનનીય નરેન્દ્રભાઇ મોદીને આવું ગમશે કે નહીં? તેવો પ્રશ્ન પૂછનારની. આવો પ્રશ્ન પૂછનારને એટલું જ કહેવું રહ્યું કે નરેન્દ્ર મોદી આજકાલથી નહીં, વર્ષોથી પોતાના પ્રખર ટીકાકાર સાથે પણ કામ કરવા માટે જાણીતા છે. તેઓ ટીકાકાર સાથે પણ સંબંધ જાળવી જાણે છે. તેઓ સમજે છે કે જાહેરજીવનમાં સક્રિય કોઇ પણ વ્યક્તિ ટીકાને પાત્ર છે, દરેક વખતે પોતાની વિચારસરણી સાથે સંમત થનારા મળી જ રહે તેવું જરૂરી નથી. સાથે સાથે જ તેઓ આવા ‘વિરોધીઓને’ પોતાની તરફેણમાં લાવવાનો અકસીર ઉપાય પણ જાણે છે. તેઓ માને છે કે પોતાની વિચારધારાના સફળ અમલ થકી આવા ટીકાકારોને પોતાની તરફેણમાં કરવા મુશ્કેલ નથી.
વાચક મિત્રો, તમે ભૂતકાળ પર નજર ફેરવશો તો જણાશે કે એક સમયના નરેન્દ્રભાઇના આકરા ટીકાકારો આજે હસતા ચહેરે તેમની સાથે મળીને કામ કરી રહ્યા છે. નરેન્દ્રભાઇની કાર્યપદ્ધતિના ગુણગાન ગાતા થાકતા નથી. વાત નરેન્દ્ર મોદીના ટીકાકારોની ચાલી રહી છે તો સ્મૃતિબહેન ઇરાનીનો કિસ્સો પણ ટાંકી જ લઉં.
ટીવી પરદાના સફળ અભિનેત્રી સ્મૃતિબહેને એક વખત નરેન્દ્ર મોદીની સરાજાહેર આકરા શબ્દોમાં ટીકા કરી હતી, પરંતુ આ જ સ્મૃતિબહેન આજે નરેન્દ્રભાઇના નેતૃત્વમાં કામ કરવામાં ગૌરવની લાગણી અનુભવે છે. તેમની કામગીરીના, પ્રતિબદ્ધતાના ગુણગાન ગાતા થાકતા નથી. થોડાક વર્ષ પૂર્વે - ૨૦૧૨-૧૩ના અરસામાં સ્મૃતિબહેન લંડન પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે એક આખો દિવસ આપણા ‘કર્મયોગ હાઉસ’માં વીતાવ્યો હતો. તેમણે અમારા બધા સાથે મન મૂકીને વાતો કરી હતી. તે સમયે કેન્દ્રમાં યુપીએ સરકાર જ્યારે ગુજરાતમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર શાસનધૂરા સંભાળતી હતી.
તેમણે ઔપચારિક વાતચીતમાં કહ્યું હતું કે નરેન્દ્રભાઇ તેમના વિરોધીઓને, ટીકાકારોને તોડી પાડવામાં નહીં, પોતાની સાથે જોડવામાં માને છે. એક સમયે મેં તેમની આકરી ટીકા કરી હતી, મુખ્ય પ્રધાન પદેથી તેમનું રાજીનામું માંગ્યું હતું. બાદમાં મેં તેમની માફી માગી લીધી હતી. પરંતુ રાત ગઇ સો બાત ગઇ. નરેન્દ્રભાઇએ કોઇ દ્વેષ રાખ્યો નથી, આથી ઉલ્ટું તેમના થકી મને વધુ જવાબદારીભરી કામગીરી સોંપાઇ છે.
મિત્રો, આપને યાદ હશે જ કે લોકસભાની ચૂંટણી વેળા નરેન્દ્રભાઇએ અમેઠી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સ્મૃતિબહેનનો પ્રચાર કરતાં તેમને ‘નાની બહેન’ ગણાવ્યા હતા, એટલું જ નહીં, પોતાના પ્રધાનમંડળમાં માનભર્યું સ્થાન પણ આપ્યું છે. આ નરેન્દ્ર મોદી છે, અને આ તેમનો ટીકાકારો, વિરોધીઓ પ્રત્યેનો અભિગમ છે!
વાચક મિત્રો, એક બાબત સ્પષ્ટ છે કે રાજકારણ હોય કે પછી સરકારી વહીવટ, નરેન્દ્ર દામોદરદાસ મોદી ચીલાચાલુ ઢબે રગશિયું ગાડું ચલાવતા રહેવામાં માનતા નથી. પૂર્વ આયોજિત પરિવર્તન એ જ તેમની કાર્યપદ્ધતિનો મુદ્રાલેખ છે. છેલ્લા ત્રણ વર્ષ દસ મહિનાના શાસનકાળ દરમિયાન તેમની સરકારે જે પ્રકારે ભારતીય અર્થતંત્રમાં ચેતનાનો સંચાર કરવા શ્રેણીબદ્ધ પગલાં લીધાં છે, કેન્દ્ર-રાજ્યોના સંબંધોને ઘનિષ્ઠ કરવા પ્રયાસ હાથ ધર્યા છે કે વૈશ્વિક તખતે વિવિધ દેશો સાથે સંબંધોનો મજબૂત સેતુ રચ્યો છે તે દર્શાવે છે કે તેઓ ૨૦૧૯ની ચૂંટણીમાં કેવો દેખાવ કરવાની મહત્ત્વાકાંક્ષા સેવે છે. તેઓ માત્ર ભાજપ સરકારની રચના માટે જ્વલંત ફતેહ હાંસલ કરવા નથી માગતા, મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. શત્રુઘ્ન સિંહા ભલે મોદી-વિચારધારાના વિરોધી ગણાતા હોય, પણ તેમના શબ્દો નરેન્દ્ર મોદી અને તેમના નેતૃત્વ હેઠળની સરકારની નીતિરીતિને એકદમ લાગુ પડે છેઃ તમારામાં આત્મવિશ્વાસની સાથે સાથે પ્રતિબદ્ધતા, મક્કમતા અને સમર્પણભાવનો સમન્વય સર્જાય છે ત્યારે તમારામાં એક જુસ્સો જન્મતો હોય છે... ગળાકાપ સ્પર્ધાના આજના આ સમયમાં તમારે તમારી જાતને શ્રેષ્ઠતમ પુરવાર કરવી જરૂરી છે...’ અને નરેન્દ્ર મોદી આ જ વાત પુરવાર કરી રહ્યા છે, જો આવું ન હોત તો પૂર્વોત્તર ભારતના ત્રિપુરામાં ‘કમળ’ ખીલ્યું ન હોત, ૨૫ વર્ષ પુરાણો ‘લાલ કિલ્લો’ ધ્વસ્ત ન થયો હોત. (ક્રમશઃ)

