જેમ શરીર માટે પોષણ જરૂરી છે તેમ આરામ પણ એટલો જ જરૂરી છે. જો શરીર તંત્રને પૂરતો આરામ ન મળે તો તે રોગગ્રસ્ત બને છે. આ આરામ એટલે જ ઉપવાસ. પહેલાંના સમયમાં લોકો ખૂબ જ વહેલા જમી લેતાં. બહુ જ જૂના ઘરોમાં તો વીજળી પણ ન હતી, તેથી લોકો સૂર્યાસ્ત થતાં સુધીમાં તો જમી લેતાં. ત્યાર બાદ રાત્રે ૯ વાગ્યે સૂઈ જતાં અને સવારે ૪ વાગે ઊઠીને નિત્યક્રમ શરૂ. સ્નાનાદિથી પરવારીને ઘરનાં નાનાં-મોટા કામ પતાવે. ચૂલો પેટાવે અને રસોઈ શરૂ કરે એટલે સવારે નવ તો થઈ જ જતાં. ૧૨ વાગતાં સુધીમાં તો ભોજન પણ આરોગી લીધું હોય. તે સમયે મોટા ભાગના લોકો ફક્ત બે વાર જ જમતાં. વચ્ચે આચરકૂચર કંઈ જ નહીં ખાવાનું. આજે બહુ ઓછા લોકો આવો ડાયેટ પ્લાન અનુસરે છે, પણ આવી ભોજનશૈલી ધરાવતા લોકોને તમે મળશો તો તમને સમજાશે કે તેઓ કેટલા હેલ્ધી છે.
સવારના નાસ્તાનું મહત્ત્વ ફક્ત ભારતીય ભોજન પરંપરામાં છે તેવું નથી. બપોરે શા માટે સમયસર જમવું અને રાત્રે મોડું શા માટે ન જમવું તેનાં કારણો ચાઇનીઝ પરંપરામાં પણ જોવા મળે છે. ચાઇનીઝ ઓર્ગન બોડી ક્લોકના વિજ્ઞાન અનુસાર, શરીરનું દરેક અંગ આમ તો ૨૪ કલાક કામ કરે છે, પરંતુ એના નિશ્ચિત કલાકો છે જ્યારે તે વધુ સારી રીતે કામ કરે છે. બાકીના કેટલાક કલાકોમાં તે આરામ કરે છે.
આ સિસ્ટમ દરેક મનુષ્યમાં સરખી જ કામ કરતી હોય છે. સવારે ૫થી ૭ વાગ્યા સુધીના સમયમાં મોટું આંતરડું એકદમ કાર્યરત હોય છે. તેથી આપણે આ સમયે કુદરતી હાજતે જઈએ છીએ. સવારે ૭થી ૯ આપણું જઠર એકદમ કાર્યરત હોય છે, તેથી આ સમયે નાસ્તો કરવાથી પાચન એકદમ યોગ્ય થાય છે અને પૂરું પોષણ મળે છે. સવારે ૧૧થી ૧ વાગ્યા સુધી હાર્ટ સૌથી વધુ એનર્જી ધરાવતું હોય છે, તેથી આ સમય લંચ માટે બેસ્ટ છે.
ચાઇનીઝ લોકો પણ માને છે કે બપોરના જમવામાં રાંધેલો ખોરાક ખાવો વધુ અનુકૂળ છે. એકાદ કલાકની ઊંઘ પણ આ સમયમાં લઈ શકાય છે. બપોરે ૨થી ૩માં નાનું આંતરડું એકદમ કાર્યરત હોય છે, તેથી અગાઉ લીધેલા ખોરાકનું સંપૂર્ણ પાચન આ સમયમાં થાય છે. આ જ રીતે સાંજે ૫થી ૭ વાગ્યાના સમયમાં કિડની વધુ કાર્યરત હોય છે, તેથી આ સમય ડિનર માટે યોગ્ય ગણાય છે. આ એ સમય છે જ્યારે લોહીનું પરિભ્રમણ વધારવા માટે ચાલવું, મસાજ કરવો કે સ્ટ્રેચિંગ કરવું સારું રહે છે. રાત્રે ૯થી ૧૧ વાગ્યા સુધી એન્ડોક્રાઇન સિસ્ટમ કાર્યરત થતી હોવાથી આ સમયે સૂઈ જવું બેસ્ટ ગણાય છે. શરીર જે એનર્જી ભેગી કરવા માગતું હોય એ સૂવાથી થઈ શકે છે.

