લંડનઃ બ્રિટનમાં હવે જોખમી રીતે સાઈકલ ચલાવવાનું પણ ગુનાની શ્રેણીમાં સામેલ થઈ શકે છે. જોખમી ડ્રાઈવિંગની માફક જોખમી સાઈક્લિંગને પણ ગુનાની શ્રેણીમાં સામેલ કરવાનો સેનેટમાં પ્રસ્તાવ રજૂ કરાયો હતો. ચાલુ મહિને સેનેટ આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય લેશે.
ખરેખર તો ઈંગ્લેન્ડના મુખ્ય શહેરોમાં સાઈકલ ચલાવવી એ મોટો ટ્રેન્ડ છે પરંતુ સાઈક્લિસ્ટ દ્વારા ખોટી લાઈનમાં ઝડપી ગતિએ કે જોખમી રીતે સાઈકલ ચલાવવાને લીધે એક વર્ષમાં ૩,૦૦૦થી વધુ દુર્ઘટના સર્જાઈ હતી. તેમાં ૧૦૦ લોકો મૃત્યુ પામ્યા છે અને ૨૦૦૦થી વધુ ઘાયલ થયા હતા. ત્યાર પછી દેશમાં સાઈકલચાલકો માટે કડક કાયદો બનાવવાની માગણી થઈ રહી હતી. હવે સેનેટમાં જે પ્રસ્તાવ રજૂ કરાયો છે તેમાં જોખમી સાઈક્લિંગમાં મોટર વ્હીકલ એક્ટ જેવી સજાની જોગવાઈ રખાય તેવું બને. સાઈક્લિસ્ટ દોષી ઠેરવાય તો તેને ૧૮ મહિનાથી લઈને ૧૪ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જોકે લંડનની સાઈક્લિસ્ટ કોમ્યુનિટી આ પ્રસ્તાવનો વિરોધ કરી રહી છે. તેનું કહેવું છે કે સાઈકલ જેવું હળવું અને ઓછી ઝડપવાળું વાહન મોટી દુર્ઘટનાનું કારણ ના બની શકે કે જેને લીધે આટલી કડક સજા મળે. સેનેટના સભ્યો સાઈક્લિંગના નિયમ-કાયદા નક્કી કરવાની તરફેણમાં છે. પરંતુ આટલી કડક સજાના મામલે તેમની વચ્ચે મતભેદ છે.
ગત સપ્ટેમ્બરમાં લંડનમાં થયેલો એક માર્ગ અકસ્માત દેશમાં ભારે ચર્ચામાં રહ્યો હતો. સાઈક્લિસ્ટ ચાર્લી એલિસ્ટનની સાઈકલની ટક્કરથી ૪૪ વર્ષીય વ્યક્તિ મૃત્યુ પામી હતી. ચાર્લી પર કેસ ચાલ્યો હતો અને તેને ૧૮ મહિનાની જેલ થઈ હતી. ત્યાર પછી સાઈકલની ટક્કરથી પણ કોઈનું મોત થઈ શકે છે કે કેમ તે બાબત દેશમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

