૧૮૫૭ના બળવાખોર સૈનિકની ખોપરી ભારત પરત મોકલાશે

Wednesday 07th March 2018 05:04 EST
 
 

લંડનઃ ૨૦૧૪માં અનપેક્ષિત રીતે લંડન ખાતેના ઈતિહાસવિદ કીમ એ વેગ્નરને એક ખોપરી મોકલવામાં આવી હતી. તેમણે ૧૮૫૭ના બળવા દરમિયાન બ્રિટિશ સૈન્ય દ્વારા તોપગોળાથી એક સૈનિક આલમ બેગના ફૂરચેફૂરચા ઉડાવી દેવાયાની વાત સાથે તેને સાંકળી હતી. વેગ્નર સંપૂર્ણ માન સાથેની દફનવિધિ માટે તે ખોપરીને ભારત મોકલી આપવા માગે છે.

ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડન ખાતે બ્રિટિશ ઈમ્પિરિયલ હીસ્ટ્રીના સિનિયર લેક્ચરર વેગ્નરને કેન્ટના લોર્ડ ક્લાઈડ પબના પરિવારે આ ખોપરી આપી હતી. તેની સાથેની ૧૭૦ શબ્દોની નોંધમાં આ ખોપરી ૪૬ બેંગાલ નેટિવ ઈન્ફન્ટ્રીના હવાલદાર આલમ બેગની હોવાનું જણાવાયું હતું.

વેગ્નરે કરેલા સંશોધનમાં આલમ બેગ બળવામાં મોતને ઘાટ ઉતારવામાં આવેલા ઘણાં અજાણ્યા સૈનિકો પૈકી એક હોવાનું જણાયું હતું. તેને સિયાલકોટ (હાલના પાકિસ્તાન)માં તોપ સાથે બાંધીને ઉડાવી દેવાયો હતો. તે વખતે યુનિટનું પોસ્ટીંગ ત્યા થયું હતું અને યુનિટે ૯ જુલાઈ ૧૮૫૭ના રોજ બળવો કર્યો હતો. બેગ અને તેમના યુનિટે ડો. ગ્રેહામ તથા મિસ્ટર હંટર અને તેમના પત્ની તેમજ પુત્રીઓની હત્યા કરી હતી. તોપથી ઉડાવી દેવાયેલ યુનિટના મોટાભાગના સૈનિકો ઉત્તર પ્રદેશના કાનપૂરના હતા. બેગને ફાંસી અપાઈ ત્યારે ફરજ પર હાજર કેપ્ટન કોસ્ટેલો બેગની ખોપરીને ટ્રોફી તરીકે યુકે લઈ ગયા હતા.


comments powered by Disqus