BAPS નીસડન મંદિર ખાતે ‘જીવન જીવવાની કળા’ વિશે પારાયણનું ભવ્ય આયોજન

Wednesday 08th August 2018 06:18 EDT
 
 

ચાતુર્માસ નિમિત્તે લંડનના BAPS નીસડન મંદિર ખાતે ૨૯ જુલાઈથી ૪ ઓગસ્ટ દરમિયાન ભારતથી પધારેલા વિદ્વાન વક્તા પૂ. જનમંગલ સ્વામીના શ્રીમુખે ‘જીવન જીવવાની કળા’ (કુટુંબમાં પરસ્પર વ્યવહાર) વિશે પારાયણ તથા બાળ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના યુગમાં માણસ જીવન જીવવાની કળા ભૂલી ગયો છે ત્યારે સરળ અને યોગ્ય જીવન કેવી રીતે જીવી શકાય તે વિશે પૂ. જનમંગલ સ્વામીએ સરળ અને સચોટ દ્રષ્ટાંતો દ્વારા હરિભક્તોને માર્ગદર્શન આપ્યું હતું. આ પારાયણનો પાંચ દિવસ દરમિયાન અંદાજે દસ હજાર હરિભક્તોએ લાભ લીધો હતો. પૂ. જનમંગલ સ્વામીએ હરિભક્તોના ઘરની મુલાકાત લઈને તેમને મૂંઝવતા પ્રશ્રોના નીરાકરણના ઉપાય બતાવ્યા હતા.

મૂળ સૌરાષ્ટ્રના છે અને પ.પૂ. પ્રમુખ સ્વામીની આજ્ઞાથી છેલ્લાં ૪૦ વર્ષથી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વિચરણ કરીને કથામૃતનો લાભ આપતા પૂ. જનમંગલ સ્વામીએ પારાયણમાં પ્રેરક પ્રસંગોનું ભાવવાહી શૈલીમાં નિરૂપણ કરીને તેમણે સૌને રસતરબોળ કરી દીધા હતા.

પારાયણ દરમિયાન પૂ.જનમંગલ સ્વામીએ દરરોજ માનવીય સંબંધો ઉપર અને અત્યારના યુગ પ્રમાણે વાણી, વર્તન અને વિવેક કેવી રીતે રાખવા તે વિશે મહાપુરુષોના ઉદાહરણોનું વર્ણન કરીને સરળ સમજણ આપી હતી.

પ્રથમ દિવસે તેમણે જીવનનો ધ્યેય અને મનને કેવી રીતે પ્રભુની ભક્તિમાં જોડવું તેમજ કેવી રીતે કથા શ્રવણ કરવું તેની હરિભક્તોને વિસ્તૃત સમજ આપી હતી. પારાયણના બીજા દિવસે પૂ. જનમંગલ સ્વામીએ સત્પુરુષોના જીવનના પ્રેરક પ્રસંગો અને તેમના જીવનચરિત્રો વિશે વિગતે વાત કરીને પરિવારમાં એકબીજા સાથે કેવી રીતે વર્તવું તેની સમજ આપી હતી. ત્રીજા દિવસે તેમણે પતિ અને પત્નીનું એકબીજા સાથેનું વર્તન કેવું હોવું જોઈએ તે વિશે સમજ આપી સહનશીલતા કેળવીને સંબંધોને ટકાવી રાખવા સલાહ આપી હતી. માબાપના ચરિત્ર અને વર્તનની બાળકોના મન પર કેવી અસર થાય છે તેની તેમણે રમૂજી શૈલીમાં સમજ આપી હતી.

ચોથા દિવસની પારાયણમાં પૂ. જનમંગલ સ્વામીએ કુટુંબમાં સાથે રહીને એકબીજા પ્રત્યે કેવો આદરભાવ રાખવો તથા કયા સમયે અને કેવી રીતે સેવા કરવી તેનું માર્ગદર્શન આપ્યું હતું. હાલના સમયમાં, ખાસ કરીને પશ્ચિમના દેશોમાં યુવકો વ્યસનનો ભોગ બને છે ત્યારે સ્વામીજીએ વ્યસનથી થતા નુક્સાનની વાત કરતા વ્યસનમુક્ત કેવી રીતે રહી શકાય તે સમજાવ્યું હતું. તેમણે બાળકોનો ઉછેર કેવી રીતે કરવો અને તેમનામાં સંસ્કારનું સિંચન કેવી રીતે કરવું તેનું માતાપિતાઓને માર્ગદર્શન આપ્યું હતું.

પારાયણના પાંચમા અને અંતિમ દિવસે પૂ. જનમંગલ સ્વામીએ શાસ્ત્રો પ્રમાણે શરીર અને આત્મા વચ્ચેના સંબંધની સમજ આપી હતી. તેમણે ઉદાહરણો દ્વારા મોક્ષ મેળવવાના ઉપાયો તથા તેને માટે કયો માર્ગ અપનાવવો તેની સલાહ આપી હતી.

બાળ સભામાં પૂ.મનોહર મૂર્તિ સ્વામીએ રામાયણના પ્રસંગોનું વર્ણન કર્યુ હતું અને ભગવાન રામના સદગુણોને અનુસરવાની બાળકોને શીખ આપી હતી.


comments powered by Disqus