SC-ST એક્ટ યથાવત રાખવા કવાયત

Tuesday 07th August 2018 14:54 EDT
 

દલિત અને જનજાતિ સમુદાય સાથે જોડાયેલા સાંસદો તેમજ એનડીએની સહયોગી પાર્ટી લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ અને કેબિનેટ મિનિસ્ટર રામવિલાસ પાસવાન સહિત દલિત નેતાઓની માગણી અનુસાર કેન્દ્રીય કેબિનેટે SC/ST પ્રીવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ મામલે ગાઈડલાઈન્સ જારી કરતા સુપ્રીમ કોર્ટના ચુકાદાને બદલવા માટે બિલ લાવવાની મંજૂરી આપી દીધી છે. મોદી સરકારે શુક્રવાર ૩ ઓગસ્ટે જ આ ખરડો લોકસભાના વર્તમાન સત્રમાં જ રજૂ કરી દીધો છે. સરકાર દ્વારા સુધારા બિલ પસાર થવા સાથે કાયદાનું સ્વરુપ ધારણ કરશે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા અગાઉની પરિસ્થિતિ જોવા મળશે. આ સાથે નરેન્દ્ર મોદીની સરકાર દલિતવિરોધી હોવાના આક્ષેપોની હવા પણ નીકળી જશે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા કે ગાઈડલાઈન્સનો મુદ્દો ઘણો નાનો હતો, તેમાં કાયદામાં કોઈ નીતિવિષયક ફેરફાર પણ કરાયો ન હતો. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં દલિત મતોને અંકે કરી લેવા રાજકીય પક્ષો મેદાને પડ્યા છે ત્યારે એક પ્રશ્ન એ પણ થાય છે કે એટ્રોસિટીઝ એક્ટને યથાવત રાખવાનું આ પગલું લઈ દલિત સમુદાયને અછોવાના કરવાનો મોદી સરકારનો પ્રયાસ કેટલા અંશે સફળ થશે અને ચૂંટણીની શતરંજમાં તેનો લાભ મેળવી શકાશે?
ભારતની કુલ વસતીમાં ૨૦.૧૪ કરોડ લોકો દલિત છે. લોકસભાની કુલ ૫૪૩ બેઠકોમાંથી ૮૪ બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે આ ૮૪ બેઠકોમાંથી ૪૧ બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો. ભાજપની સફળતામાં દલિત મતોની મહત્ત્વનો ફાળો રહ્યો હતો. આ જોતાં ભાજપને એ વિમાસણ છે કે દલિતોની નારાજગી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી જીતવામાં આડે ન આવી જાય. ખાસ તો આ વર્ષના અંતે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. દલિતોના આંદોલનનો પરચો
ભાજપને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મળી ચૂક્યો છે. બીજી તરફ, કોંગ્રેસ, બસપ, સપા તૃણમૂલ કોંગ્રેસ સહિતના વિપક્ષો દલિતોના હૃદય જીતીને સત્તામાં આવવા એટી-ચોટીનું જોર લગાવશે તે પણ નિશ્ચિત છે.
અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના લોકો સામે કરાતા અપરાધોને અટકાવવા ધSCએન્ડST (પ્રીવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટ, ૧૯૮૯ની રચના કરાઈ હતી. આવા અપરાધોમાં પકડાયેલાં લોકોને સજા ફરમાવવા, અપરાધોના અસરગ્રસ્તોને રાહત આપવા માટે તેમજ સંબંધિત બાબતોનો નિકાલ લાવવા સ્પેશિયલ કોર્ટ્સની સ્થાપનાનો હેતુ પણ તેમાં રખાયો હતો.
આ વિવાદનું મૂળ સુપ્રીમ કોર્ટ સમક્ષ ૨૦ માર્ચ, ૨૦૧૮ના રોજ ઉપસ્થિત ત્રણ મુદ્દા હતાં, જેમાં સરકારી સેવકો સામે એસસી/એસટી એક્ટના દુરુપયોગ કરાયાનું બહાર આવ્યું હતું. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જાહેર સેવકની ધરપકડ તેમને નિયુક્ત કરનારી ઓથોરિટીની મંજૂરી પછી જ કરી શકાય, જ્યારે બિનસરકારી કર્મચારીની ધરપકડ સીનિયર પોલીસ સુપ્રિન્ટેડન્ટની મંજૂરી પછી કરી શકાય. FIR ફાઈલ થાય તે અગાઉ ટુંકી ઈન્ક્વાયરી થવી જોઈએ અને ચાર્જીસ આ એક્ટ અન્વયેનાં છે કે રાજકીય દબાણ અથવા વ્યક્તિગત કારણોસર કરાયા છે તેની ચોકસાઈ પણ કરી લેવામાં આવે.
ન્યાયમૂર્તિ એ.કે. ગોયલે ચુકાદાનો બચાવ કરતા સ્પષ્ટ કર્યું હતું કે, ‘કોઈ નિર્દોષને સજા થવી ન જોઈએ. સમાજની અંદર ત્રાસનું વાતાવરણ રહેવું ન જોઈએ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કોઈ પણ સભ્યને તેના અધિકારથી વંચિત રખાય તેમ અમે ઈચ્છતા નથી.’ એસસી-એસટી એક્ટમાં જારી કરાયેલી ગાઈડલાઈન્સ કે ફેરફાર સંબંધિત ચુકાદા સામે કેન્દ્ર સરકારે રીવ્યૂ પિટિશન કરી ત્યારે પણ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તે એક્ટ વિરૂદ્ધ નથી, પરંતુ નિર્દોષોને સજા ન મળવી જોઇએ અને તેમણે ફરિયાદોમાં પહેલા તપાસના આદેશ આપીને નિર્દોષ લોકોના મૌલિક અધિકારોની રક્ષા કરી છે.
કોઈ પણ સમજદાર વ્યક્તિ નિર્દોષને તત્કાળ ધરપકડથી બચાવવાની આવશ્યકતા સામે પ્રશ્ન ઉઠાવે નહિ. આ કાયદા હેઠળ ખોટી રીતે આરોપી ગણાવાતા લોકોના રક્ષણ માટે કાયદામાં જોગવાઈ જરૂરી હોવાની માગણી સંસદીય સમિતિએ સૌ પહેલા ડિસેમ્બર ૨૦૧૪માં ઉઠાવી હતી અને સર્વોચ્ચ અદાલતે માર્ચ, ૨૦૧૮માં તેને અમલી બનાવી. આ ચુકાદાનો મુખ્ય મુદ્દો આ કાયદો સમાજમાં ત્રાસ ફેલાવે છે તેવી ટીપ્પણીનો છે. ચુકાદો એટ્રોસિટીઝ એક્ટ શોષણ અથવા જોરજૂલમનો ખતપત્ર છે તેમજ બ્લેકમેઈલ અને વ્યક્તિગત વેર વાળવાનું સાધન હોવાનો ખોટો અને ખતરનાક સંદેશો આપી ગયો હતો. ખરેખર તો, કોર્ટે ગાઈડલાઈન્સ જારી કરતા પહેલા દુરુપયોગ સંબંધિત હકીકતો અને ડેટા મેળવવાનો આદેશ આપવો જોઈતો હતો.


comments powered by Disqus