અમદાવાદમાં જયવેલ એરોસ્પેસનું એરોસ્પેસ એન્ડ એન્જિનિયરિંગ સેન્ટર ખૂલ્લું મૂકાયું

Wednesday 08th August 2018 06:34 EDT
 
 

યુકેના મેન્સફિલ્ડમાં કોર્પોરેટ ઓફિસ ધરાવતી જયવેલ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડના અમદાવાદના એરોસ્પેસ એન્ડ એન્જિનિયરિંગ સેન્ટરનું ઉદઘાટન ૨૬ જુલાઈને ગુરુવારે બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનર (ગુજરાત) શ્રી જ્યોફ વેનના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં શ્રી વેને જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લાં દસ વર્ષમાં બ્રિટિશ કંપનીઓએ ૨૧ અબજ પાઉન્ડનું રોકાણ કર્યું છે અને આઠ લાખ લોકોને રોજગારી પૂરી પાડી છે. બ્રેક્ઝિટને પગલે ભારત અને બ્રિટન વચ્ચે વેપાર - ઉદ્યોગ ક્ષેત્રે સહયોગ વધવાની આશા છે. ત્યારે બ્રિટનની બેથી ત્રણ કંપનીઓ ગુજરાતમાં તેમના એકમ સ્થાપીને રોકાણ કરવાની દિશામાં કામગીરી કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે આ એકમને લીધે ગુજરાતમાં રોજગારી અને મૂડીરોકાણની તકો વધશે.

કંપનીના સ્થાપક અને સીઈઓ શ્રી વિપુલ વછાણીએ જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં કંપની છેલ્લાં ૧૯ વર્ષથી કાર્યરત છે. ૧૯૯૮માં રાજકોટમાં કંપની શરૂ કરી હતી. ત્યારબાદ યુકેમાં ૨૦૦૪માં પેટાકંપની શરૂ કરી હતી. રાજકોટમાં ઉત્પાદન સાથે બેંગ્લોર અને મુંબઈમાં એન્જિનિયરિંગ – ડિઝાઈન ઓપરેશન કાર્યરત છે. અમદાવાદના આ સેન્ટરમાં ૪૦ જેટલા સ્કીલ્ડ ગ્રેજ્યુએટ એન્જિનિયર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોફેશનલ ફરજ બજાવશે. તેમની ટીમ સ્માર્ટ ટુલિંગના રિસર્ચ અને ડેવલપમેન્ટમાં જૈવલ એરોસ્પેસની આંતરરાષ્ટ્રીય ટીમ સાથે સંકલન કરશે. ગુજરાતમાં સ્ટેટ-ઓફ-ધ-આર્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલીટી ઉભી કરવામાં પણ આ ટીમ મહત્ત્વની ભૂમિકા ભજવશે. કંપની દ્વારા વિશ્વની અગ્રણી વિમાન ઉત્પાદક કંપની બોઈંગ અને એરક્રાફ્ટ એન્જિન બનાવતી રોલ્સ રોયસના પાર્ટ્સ ગુજરાતમાં બનશે. કંપની ટુલિંગ અને પ્રિસિઝન ફ્લાય કોમ્પોનન્ટનું ઉત્પાદન કરશે. આગામી પાંચ વર્ષમાં ત્રણ તબક્કામાં અંદાજે રૂ.૧૦૩ કરોડના રોકાણ સાથે આ એકમ કાર્યરત થશે. જેના પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બર ૨૦૧૮માં પૂર્ણ થશે. પ્રિસિઝન ફ્લાઈંગ કોમ્પોનન્ટનો સંપૂર્ણ પ્લાન્ટ ૨૦૧૯ના પહેલા ક્વાર્ટરમાં કાર્યરત થશે. કંપનીનું હાલનું ટર્નઓવર રૂ.૬૩૦ કરોડ છે. કંપની બોમ્બાર્ડિયર અને એરબસના હેલિકોપ્ટર માટે પણ ટીઅર-૨ સપ્લાયર તરીકે કામગીરી કરે છે.

વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ ૨૦૧૭ દરમિયાન જયવેલ એરોસ્પેસ દ્વારા એરોસ્પેસ અને ડિફેન્સ માટે ગુજરાતમાં સંકલિત ઉત્પાદન સુવિધા શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. કંપની દ્વારા સાણંદ જીઆઈડીસીમાં ૨૦,૦૦૦ ચો. મી જમીન મેળવીને નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

 


comments powered by Disqus