લંડનઃ સંશોધકોનું કહેવું છે કે જે લોકો ઓછો સૂર્યપ્રકાશ ધરાવતા પ્રદેશમાં વસવાટ કરતાં હોય છે તેમના પર ઓબસેસિવ કમ્પલઝિવ ડિસઓર્ડર (ઓસીડી) જેવા મનોરોગનું જોખમ વધી જતું હોય છે.
દિવસ-રાતના કુદરતી સૂર્યપ્રકાશનો અનુભવ ના કરનાર ઓસીડી જેવા મનોરોગથી પીડાઈ શકે છે. જે દેશ વિષવવૃત્તથી દૂરનાં અંતરે હોય અન ઓછો સૂર્યપ્રકાશ ધરાવતા હોય તેવા પ્રદેશમાં મનોરોગનું જોખમ વધી જતું હોય છે. વિજ્ઞાનીઓનાં આ તારણને જોતાં વિષવવૃત્તથી ૩,૫૦૦ માઈલને અંતરે આવેલા બ્રિટનમાં વસતાં લોકો પર મનોરોગનું જોખમ સૌથી વધુ કહી શકાય.
નિષ્ણાતોનું કહેવું છે કે તેમનાં તારણના આધારે મનોરોગની સારવાર શોધી કાઢવી હજી વહેલી ગણાશે. જોકે ભવિષ્યમાં તેઓ ઓસીડીની સારવાર શોધી કાઢવા માટે જરૂરથી પ્રયાસ કરશે. સંશોધકોનું કહેવું છે કે પ્રદેશ જેમ જેમ વિષવવૃતથી દૂરનાં અંતરે હોય છે તેમ તેમ ઓસીડીનું જોખમ વધતું જાય છે. આવા મનોરોગીનું ધ્યાન જાણે કે એક જગ્યાએ ચોંટી જાય છે અને પોતાની વર્તણૂંક પર તેમનું નિયંત્રણ રહેતું નથી.
સંશોધકોનું કહેવું છે કે સૂર્યપ્રકાશ અને મનોરોગ વચ્ચેનું અનુસંધાન જાણી લેવાથી ઉપચારપદ્ધતિ શોધી કાઢવામાં મદદ મળે છે. ઓસીડીથી પીડાતા દર્દી કહેતા હોય છે કે તેમને ઊંઘવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. આ મનોરોગ તેમની નિદ્રા સિસ્ટમમાં ભાંગફોડ સર્જી દે છે. તેમની ઊંઘની પેટર્ન બદલાતી રહેતી હોવાથી દિવસ દરમિયાન પથારીમાં ઊંઘતા રહે છે અને તેના કારણે સૂર્યપ્રકાશ ના મળતાં સ્થિતિ વધુ વણસે છે.
આ સંશોધન કાર્ય સાથે સંકળાયેલા નિષ્ણાતોએ વિશ્વના વિવિધ દેશોમાં ઓસીડી પિડીતની સંખ્યા વિષયે ભૂતકાળમાં થયેલા અભ્યાસના આંકડાં અને વિષવવૃત્તથી સંબંધિત દેશનું અંતર કેટલું છે તેની સરખામણી કરીને આ અભ્યાસ કર્યો હતો.
અભ્યાસનું નેતૃત્વ કરી રહેલા મનોવિજ્ઞાનના અધ્યાપક મેરેડિથ કોલ્સના મતે વિલંબથી ઊંઘવાની અને જાગવાની આ સિસ્ટમને કારણે વ્યક્તિ સવારના સૂર્યપ્રકાશથી વંચિત રહી જતી હોય છે. તેને કારણે તેના શરીરનાં આંતરિક તંત્ર અને સવારના પ્રકાશ કે અંધકારના વર્તુળ વચ્ચેનું સંતુલન તૂટી જતું હોય છે.

