દુબઈ: ઇંગ્લેન્ડ સામે બર્મિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ૩૧ રને પરાજય મળ્યો છે તે સાચું, પરંતુ આ મેચની પ્રથમ ઇનિંગમાં ૧૪૯ રન
અને બીજી ઇનિંગમાં ૫૧ રન મળી કુલ ૨૦૦ રન બનાવનાર કેપ્ટન વિરાટ કોહલીએ કારકિર્દીમાં પ્રથમ વાર નંબર વન બેટ્સમેનનું રેન્કીંગ મેળવ્યું છે.
વિરાટ કોહલી એજબેસ્ટન ટેસ્ટ મેચ પહેલાં ૯૦૩ પોઇન્ટ સાથે બીજા નંબરે હતો પરંતુ તેણે આ મેચમાં ૨૦૦ રન બનાવતાં ૩૧ પોઇન્ટના ફાયદો સાથે નંબર વનના સ્થાને રહેલા સ્ટીવ સ્મિથને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળળી લીધું હતું. સ્ટીવન સ્મિથ છેલ્લા ૩૨ મહિનાથી નંબર વનના સ્થાને હતો. સ્મિથ પર એક વર્ષનો પ્રતિબંધ હોવાથી અત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. સ્મિથ ડિસેમ્બર ૨૦૧૫થી નંબર વનના સ્થાને હતો. સ્મિથના અત્યારે ૯૨૯ પોઇન્ટ છે અને કોહલીના ૯૩૪ પોઇન્ટ થતાં સ્મિથ કરતાં પાંચ પોઇન્ટ વધુ થઈ ગયા છે.
સાતમો ભારતીય
વિરાટ કોહલી ભારત તરફથી નંબર વન બેટ્સમેન બનનાર સાતમો ખેલાડી છે. કોહલી પહેલાં સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર, રાહુલ દ્રવિડ, વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર અને સચિન તેંડુલકર નંબર વન બેટ્સમેન રહી ચૂક્યા છે. દિલીપ વેંગસરકર ૧૯૮૫માં, સુનીલ ગાવસ્કર ૧૯૮૭માં, રાહુલ દ્રવિડ ૨૦૦૬માં, ગંભીર ૨૦૦૯માં, સેહવાગ ૨૦૧૦માં નંબર વન બન્યો હતો. ભારત તરફથી છેલ્લે ૨૦૧૧માં સચિન તેંડુલકરે નંબર વનનું સ્થાન મેળવ્યું હતું. ૨૦૧૧માં સચિન તેંડુલકર સાઉથ આફ્રિકાના જેક કાલિસ સાથે સંયુક્ત રીતે નંબર વનના સ્થાને હતો પરંતુ જૂન ૨૦૧૧માં વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ ગુમાવતાં જમૈકા ટેસ્ટ બાદ સચિન બીજા સ્થાને ધકેલાઈ ગયો હતો. આમ, સાત વર્ષ બાદ કોઈ ભારતીય બેટ્સમેન નંબર વનના સ્થાને પહોંચ્યો છે.
હાર્દિકને ફાયદો
રેન્કિંગમાં કોહલી સિવાય હાર્દિક પંડયાને ફાયદો થયો છે. હાર્દિકે પ્રથમ ટેસ્ટમાં ૨૨ અને ૩૧ રન બનાવ્યા હતા જેને કારણે તે ૧૦ સ્થાનના ફાયદા સાથે ૫૭મા ક્રમે પહોંચ્યો છે. તે સિવાય લોકેશ રાહુલ એક સ્થાનના નુકસાન સાથે ૧૯મા જ્યારે રહાણે ત્રણ સ્થાનના નુકસાન સાથે ૨૨મા ક્રમે ધકેલાયો છે. મુરલી વિજય અને શિખર ધવન ક્રમશઃ બે અને એક સ્થાનના નુકસાન સાથે સંયુક્ત ૨૫મા સ્થાને છે. બોલિંગમાં ઇંગ્લેન્ડના યુવા બોલર સેમ કુરેનને ભારત સામે મેચમાં કુલ પાંચ વિકેટ ઝડપી હતી અને મેચમાં કુલ ૮૭ રન બનાવ્યા હતા જેને કારણે તે બોલિંગમાં ૬૨મા ક્રમે, બેટિંગમાં ૭૨મા ક્રમે અને ઓલરાઉન્ડર્સમાં ૩૭મા સ્થાને પહોંચી ગયો છે.
ઓવરઓલ ટોપ-૧૦માં તક
કોહલી અત્યારે ૯૩૪ પોઇન્ટ સાથે ૧૪મા ક્રમે છે જ્યારે તેનાથી આગળ મેથ્યુ હેડન, એબી ડી વિલિયર્સ અને જેક કાલિસ ૯૩૫ પોઇન્ટ સાથે સંયુક્ત ૧૧મા સ્થાને છે. જો કોહલી લોર્ડ્સ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન જાળવી રાખશે તો તે ઓવરઓલ શ્રેષ્ઠ પોઇન્ટ મેળવવાના મામલે ટોપ-૧૦માં પહોંચી જશે. વિરાટ કોહલી અત્યારે એશિયામાં સૌથી વધુ પોઇન્ટ મેળવવાના મામલે કુમાર સંગાકારા બાદ બીજા સ્થાને છે. સંગાકારાના ૯૩૮ પોઇન્ટ છે. કોહલી પાસે ઇંગ્લેન્ડ સામેની સિરીઝ દરમિયાન પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા સંગાકારાને પણ પાછળ છોડવાની તક છે. કોહલી સંગાકારા કરતાં ચાર પોઇન્ટ પાછળ છે.

