ઝિમ્બાબ્વેની હિંસક ચૂંટણીમાં ‘ક્રોકોડાયલ’નો વિજય

Tuesday 07th August 2018 14:55 EDT
 

સરમુખ્ત્યાર પ્રેસિડેન્ટ રોબર્ટ મુગાબેના ૩૭ વર્ષના શાસન પછી ઝિમ્બાબ્વેમાં ૩૦ જુલાઈએ પ્રથમ વખત પ્રમુખપદની ચૂંટણીમાં ‘ધ ક્રોકોડાયલ’ તરીકે ઓળખાતા પ્રેસિડેન્ટ એમર્સન નાનગાંગ્વાને સત્તાવાર ચૂંટાયેલા પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે. ZANU-PF પાર્ટીના ‘ધ ક્રોકોડાયલ’ને ૧૦માંથી છ પ્રાંતમાં વિજય સાથે ૨.૪૬ મિલિયન એટલે કે ૫૦.૮ ટકા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી મૂવમેન્ટ ફોર ડેમોક્રેટિક ચેન્જ (MDC) પાર્ટીના ૪૦ વર્ષીય નેતા નેલ્સન ચામિસાને ૨.૧૫ મિલિયન એટલે કે ૪૪.૩ ટકા મત હાંસલ થયા હોવાનું ઈલેક્શન કમિશને જાહેર કરવા સાથે સસ્પેન્સ પર પડદો પડી ગયો છે. આ સાથે જ યોજાયેલી સંસદીય ચૂંટણીમાં પણ ZANU-PF પાર્ટીને બહુમતી બેઠકો સાંપડી હોવાનું જાહેર કરાયું છે. જોકે, વિરોધપક્ષે સ્વાભાવિક રીતે જ ચૂંટણીઓમાં ભારે ગેરરીતિઓ આચરાઈ હોવાના આક્ષેપ સાથે તેનો વિરોધ કર્યો છે.
નાનગાંગ્વાએ નવા આરંભનું સ્વાગત કરી ‘શાંતિ, એકતા અને પ્રેમ’ની હિમાયત કરી છે. હિંસા અને ફ્રોડના આક્ષેપો સાથે પ્રમુખપદની ચૂંટણી લોહિયાળ બન્યા પછી પણ દેશ અને પ્રમુખ સામેના પડકાર રહેવાના જ છે. કથિત ચૂંટણી ફ્રોડના આક્ષેપો સાથે યોજાયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન આર્મીના ગોળીબારમાં કુલ ૬ વ્યક્તિએ જાન ગુમાવ્યાં અને ૧૮ લોકોને ઈજા પહોંચી છે. ઈલેક્શન કમિશનની જાહેરાત મુજબ સંસદીય ચૂંટણીમાં ZANU-PF પાર્ટીને ૧૪૪, સાત પક્ષોના એલાયન્સ MDCને ૬૪ તેમજ મુગાબેના વફાદારોએ રચેલા પક્ષ નેશનલ પેટ્રિઓટિક ફ્રન્ટને ૧ બેઠક મળી હતી. ૨૦૧૩ની ચૂંટણીમાં ZANU-PFને ૧૬૦ અને MDCને ૪૯ બેઠક મળી હતી. નોંધપાત્ર બાબત એ છે કે સરકારે ૧૬ વર્ષમાં પહેલી વખત જ ઈયુ, કોમનવેલ્થ અને યુએસના ચૂંટણી નીરિક્ષકોને દેશમાં ચૂંટણી પર નજર રાખવા પરવાનગી આપી હતી.
આ પરિણામોનું મહત્ત્વ એટલા માટે વધુ આંકી શકાય કે નાનગાંગ્વાએ મુક્ત અને ન્યાયી ચૂંટણીનું વચન આપ્યું હતું. આર્મીના સાથથી તેઓ સત્તારુઢ થયા પછી ઝિમ્બાબ્વે આંતરરાષ્ટ્રીય બહિષ્કારની સ્થિતિમાંથી બહાર આવી શકશે અને ભાંગી પડેલા અર્થતંત્રને નવજીવન આપવા આવશ્યક વિદેશી ઈન્વેસ્ટમેન્ટને પણ આકર્ષી શકશે. મુગાબેના શાસનમાં શ્વેત લોકોની માલિકીની પેઢીઓ પડાવી લીધા પછી દેશમાં રોકાણો આવતાં બંધ થઈ ગયાં હતાં. અગાઉની મજબૂત હેલ્થ અને એજ્યુકેશન સર્વિસીસ પણ નષ્ટપ્રાય છે અને લાખો લોકો નોકરીધંધા માટે વિદેશ પહોંચી ગયા છે ત્યારે નવા પ્રમુખે સામૂહિક બેરોજગારી, તીવ્ર ફૂગાવાના પડકારોનો પણ સામનો કરવો પડશે.


comments powered by Disqus