બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ બોડેલી ખાતે વિચરણ કરી રહ્યા છે. અગાઉ, તા.૨ ઓગસ્ટે બોડેલી પહોંચેલા પૂ. મહંત સ્વામીનું સંતો અને હરિભક્તોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. હાલ ચાતુર્માસ ચાલી રહ્યો છે. તે ઉપરાંત, હિંડોળાનો તહેવાર ચાલતો હોઈ મંદિરના સંતો અને હરિભક્તો દ્વારા રોજ અલગ અલગ સામગ્રીમાંથી હિંડોળા બનાવવામાં આવે છે. પૂ. મહંત સ્વામી દરરોજ હરિકૃષ્ણ મહારાજને હિંડોળે ઝૂલાવે છે. હરિભક્તો પણ મોટી સંખ્યામાં હિંડોળાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. વિચરણ દરમિયાન બાળકો અને યુવાનો દ્વારા સંવાદ, પરંપરાગત નૃત્ય સહિત વિવિધ કાર્યક્રમો પૂ. મહંત સ્વામીના દિવ્ય સાનિધ્યમાં યોજાયા હતા. પૂ. મહંત સ્વામીએ દરરોજ સવારે અને સાંજે હરિભક્તોને દર્શન અને સત્સંગનો લાભ આપ્યો હતો. આશીર્વચનમાં પૂ.મહંત સ્વામી સૌને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ આપી હતી. અગાઉ પૂ.મહંત સ્વામીએ તા.૨ ઓગસ્ટ સુધી ગોધરા ખાતે વિચરણ કર્યું હતું. પૂ.મહંત સ્વામી મંગળવારને તા.૭ ઓગસ્ટે અટલાદરા જવા રવાના થયા હતા.

