પેપ્સીકોના હાઇ પ્રોફાઇલ સીઇઓ ઇન્દ્રા નૂયી ૧૨ વર્ષ પછી હોદ્દો છોડશે

Wednesday 08th August 2018 09:39 EDT
 
 

ન્યૂ યોર્કઃ વૈશ્વિક ફૂડ અને બેવરેજિસ કંપની પેપ્સિકોના હાઈ-પ્રોફાઇલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) ઇન્દ્રા નૂયીએ આગામી ઓક્ટોબરમાં હોદ્દો છોડવાની જાહેરાત કરી છે.
ભારતમાં જન્મેલા ૬૨ વર્ષના નૂયી પેપ્સીના વિદેશમાં જન્મેલા પ્રથમ સીઇઓ અને કંપનીનાં પહેલાં મહિલા વડાં હતાં. જોકે, ૨૦૧૯ના પ્રારંભિક હિસ્સા સુધી તેઓ કંપનીના ચેરમેનપદે ચાલુ રહેશે.
ગયા વર્ષે કંપનીના પ્રેસિડન્ટ તરીકે પ્રમોશન મેળવનારા રેમન લેગાર્ટા કંપનીના ૫૩ વર્ષના ઇતિહાસમાં છઠ્ઠા સીઇઓ હશે.
પેપ્સીની આવક ગયા વર્ષે ૬૩ બિલિયન ડોલરે પહોંચી હતી. નૂયીની વિદાયથી S&P-500 કંપનીમાં મહિલા સીઇઓની સંખ્યા ઘટશે.
નૂયી એવા સમયે હોદ્દો છોડી રહ્યા છે જ્યારે પેપ્સીના ઉત્તર અમેરિકાના બેવરેજ યુનિટનું વેચાણ સ્થગિત થઈ ગયું છે અને સોડાના વપરાશમાં ઘટાડા તરફી ટ્રેન્ડ છે. પેપ્સિકોના ૨૪ વર્ષના કાર્યકાળમાં નૂયી ૧૨ વર્ષ સીઇઓ પદે રહ્યા છે.
તેમણે પડકારજનક માહોલમાં ફ્રિટો-લે યુનિટની વૃદ્ધિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ઉપરાંત, કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં તેમણે હેલ્ધી ડ્રિંક્સ અને સ્નેક્સનો ઉમેરો કર્યો છે. પેપ્સીની પ્રોડક્ટ્સમાં ચીટોસ અને માઉન્ટેન ડ્યૂનો સમાવેશ થાય છે.
યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ પછી નૂયી ૧૯૯૪માં કોર્પોરેટ સ્ટ્રેટેજી હેડ તરીકે પેપ્સિકો સાથે જોડાયા હતા. સતત પ્રગતિ સાથે તે ૨૦૦૬માં કંપનીના સીઇઓ બન્યા હતા. એ સમયે ટોચની અમેરિકન કંપનીઓમાં બહુ ઓછા મહિલા સીઇઓ હતા.
નૂયીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘સીઇઓ તરીકે મારો કાર્યકાળ બહુ સરસ રહ્યો છે, પણ ક્યારેક તો આ કંપનીની આગેવાની અન્યના હાથમાં સોંપવી પડશે. એક સીઇઓ પાસે દોડવા માટે મજબૂત પગ હોવા જરૂરી છે. હું પૂરી તાકાતથી દોડી છું, પણ હવે કોઈ વધુ ક્ષમતાવાળી અને વિચક્ષણ નજર ધરાવતી વ્યક્તિ કંપનીનું સુકાન હાથમાં લે તે જરૂરી છે.’
લગુના હિલ્સની ઓફિસમાં તેઓને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. પેપ્સીકોના ઇતિહાસમાં નૂઇ પ્રથમ મહિલા સીઇઓ હતાં.
નૂયીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પેપ્સીકોનું નેતૃત્ત્વ કરવું મારા જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે. ૧૨ વર્ષ સુધી કંપની, શેરહોલ્ડર અને તમામ સંબધિત પક્ષોના હિતમાં કામ કરવાનો મને ગર્વ છે.
ઇન્દ્રા નૂયીના નેતૃત્ત્વમાં પેપ્સીકોમાં ઘણા મોટા ફેરફાર થયા છે. પેપ્સીકોમાં થયેલા તમામ નવતર પ્રયોગોનો શ્રેય નૂઇને ફાળે જ જાય છે.
ભારતમાં ઉછેર
નૂયીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં થયેલા ઉછેર દરમિયાન મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને આવી અસામાન્ય કંપનીનું નેતૃત્ત્વ કરવાની તક મળશે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૬માં નૂઇ પેપ્સીકોના સીઇઓ બન્યા હતાં. ૨૦૦૬થી લઇને અત્યાર સુધીમાં પેપ્સીકોના શેરના ભાવમાં ૭૮ ટકાનો ઉછાળો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, પેપ્સીમાં ૨૨ વર્ષ સુધી કામ કરી ચૂકેલા લેગાર્ટા ગયા વર્ષે પ્રેસિડન્ટ બન્યા પહેલાં વૈશ્વિક કામગીરી, સ્ટ્રેટેજી, પબ્લિક પોલિસી અને સરકારી બાબતો પર નજર રાખતા હતા. પેપ્સિકો સાથે જોડાયા પહેલાં તેમણે લોલીપોપ કંપની ચુપા ચુપ્સમાં કામ કર્યું હતું.

ઇન્દ્રા નૂયી વિશે જાણવા જેવી રસપ્રદ વાતો
• ઇન્દ્રા નૂયીનો જન્મ ચેન્નઈમાં થયો હતો અને પ્રારંભિક શિક્ષણ પણ ચેન્નઈમાં જ મેળવ્યું હતું.
• સાયન્સ સાથે ગ્રેજ્યુએશન કરનારાં ઇન્દ્રાએ કોલકતાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો અને ભારતમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.
• કેટલાક વર્ષો કામ કર્યા બાદ તેઓ અમેરિકા ઉચ્ચ અભ્યાસાર્થે ગયાં હતાં અને ત્યાં યેલ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી તેમણે શિક્ષણ મેળવ્યું હતું.
• કેટલીક કંપનીઓમાં કામ કર્યા બાદ વર્ષ ૧૯૯૪માં ઇન્દ્રા પેપ્સીકોમાં જોડાયાં હતાં. ૩૮ વર્ષની ઉંમરે તેઓ પેપ્સીકોમાં લાંબા ગાળાની નીતિઓ બનાવવાના પ્રમુખ તરીકે જોડાયાં હતાં.
• ૧૦ વર્ષ બાદ વર્ષ ૨૦૦૪માં તેઓ કંપનીનાં મુખ્ય ફાઇનાન્સ અધિકારી અને વર્ષ ૨૦૦૬માં કંપનીના સીઈઓ બન્યાં હતાં.
• ઇન્દ્રા પેપ્સીકોનું નેતૃત્વ કરનારા પ્રથમ મહિલા જ નહીં, પરંતુ પ્રથમ વિદેશી મહિલા પણ હતાં. વર્ષ ૨૦૦૬થી દર વર્ષે દુનિયાનાં શક્તિશાળી મહિલા નેતાઓની યાદીમાં તેમનો સતત સમાવેશ થતો રહ્યો છે.
• વર્ષ ૨૦૦૭માં તેમને ભારતનું પ્રતિષ્ઠિત પદ્મ ભુષણ સન્માન અપાયું હતું.
• ઇન્દ્રા નૂયી શાકાહારી છે અને પોતાની ઓફિસમાં ગણેશજીની મૂર્તિ રાખે છે.
• ઇન્દ્રા નૂયીને સંગીતનો શોખ છે અને ઓફિસમાં તેઓ મોટાભાગે ઊંચા અવાજે ગીતો ગાતાં જોવાં મળતાં, તેમનાં મનપસંદ સંગીતમાં બીટલ્સ બેન્ડનો પણ સમાવેશ થાય છે.
• વર્ષ ૨૦૦૧માં ગ્રેમી એવોર્ડ માટે ઇન્દ્રાનાં બહેન ચંદ્રિકા ટંડનનાં નામનો સમાવેશ થયો હતો.


comments powered by Disqus