ભારતવંશી અક્ષય વેંકટેશને ગણિત ક્ષેત્રનો ‘નોબલ’ ફિલ્ડ મેડલ

Wednesday 08th August 2018 09:31 EDT
 
 

ન્યૂ યોર્ક: ગણિતના પ્રતિષ્ઠિત ઈનામ ‘ફિલ્ડ મેડલ’ માટે ભારતીય મૂળના વિજ્ઞાની અક્ષય વેંકટેશની પસંદગી થઈ છે. ફિલ્ડ મેડલ દર વર્ષે 'આંતરરાષ્ટ્રીય મેથેમેટિકલ યુનિટ' દ્વારા આપવામાં આવે છે. આ એવોર્ડ અત્યંત પ્રતિષ્ઠિત છે અને ગણિતશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ ગણાય છે. આ એવોર્ડ દર વર્ષે ૪૦ વર્ષથી નીચેની વયના બે-ત્રણ કે ચાર સંશોધકો વચ્ચે વહેંચાય છે. આ વખતે કુલ ચાર ગણિતશાસ્ત્રીઓને પસંદ કરવામાં આવ્યા છે, જેમાં એક વેંકટેશ પણ છે.
આ એવોર્ડનું વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે એ દર વર્ષે નહીં પરંતુ દર ચાર વર્ષે અપાય છે. ગણિતનું નોબેલ ગણાતો ફિલ્ડ મેડલ ‘ઈન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિટ’ દ્વારા ૪૦ વર્ષથી નીચેના ગણિતશાસ્ત્રીઓને દર ચાર વર્ષે અપાય છે નવી દિલ્હીમાં જન્મેલા વેંકટેશ હાલ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય કરે છે. તેમના સિવાય બીજા વિજેતાઓમાં કેમ્બ્રિજના પ્રોફેસર કુચર બિરકર, જર્મન વિજ્ઞાની પિટર સ્કોલ્ઝ અને ઈટાલિયન ગણિતજ્ઞા એલ્સિઓ ફિગાલીનો સમાવેશ થાય છે.
બ્રાઝિલના રિયો દી જાનેરોમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ગણિત સંમેલનમાં આ એવોર્ડ અપાયા હતા. દરેક વિજેતાને પ્રતિષ્ઠિત મેડલ ઉપરાંત ૧૫,૦૦૦ કેનેડિયન ડોલર (અંદાજે ૮ લાખ રૂપિયા)નું કેશ પ્રાઈઝ અપાયું હતુ. કેનેડાના ગણિતશાસ્ત્રી જોન ચાર્લ્સ ફિલ્ડની યાદમાં ૧૯૩૮થી દર ચાર વર્ષે આ ઈનામ અપાય છે.
ચાર વિજેતામાંથી બિરકર તો રેફ્યુજી છે. તેઓ મૂળ કુર્દીશ (ઈરાન) છે અને બ્રિટનમાં નિરાશ્રિત તરીકે આવ્યા હતા. ભારતમાં જન્મેલા વેંકટેશ બે વર્ષના હતા ત્યારે પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા જતા રહ્યા હતા. વેંકટેશ બાળપણમાં જ ચાઈલ્ડ પ્રોડિજી એટલે કે અસાધારણ ક્ષમતા ધરાવતા હોવાનું જણાઈ આવ્યું હતુ. ૧૧ અને ૧૨ વર્ષની વયે તેમણે ગણિત ઓલિમ્પિક અને મેથ્સની અન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતી બતાવી હતી.
૧૬ વર્ષની વયે તેમણે યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરી લીધું હતુ, જ્યારે ૨૦ વર્ષની વયે જગવિખ્યાત પ્રિસ્ટન યુનિવર્સિટીમાંથી પી.એચડી.ની ડિગ્રી મેળવી લીધી હતી. અગાઉ ગણિતના ક્ષેત્રમાં અપાતા અનેક એવોર્ડ તેમને અપાઈ ચૂક્યા છે. ભારતીય મૂળના કેનેડિયન વિજ્ઞાાની મંજુર ભાર્ગવને પણ અગાઉ ૨૦૧૪ માં આ ફિલ્ડ મેડલ મળ્યો હતો.
દરમિયાન સમાહોરમાંથી કોઈએ બિરકરની બેગ ચોરી લીધી હતી, જેમાં તેમણે એવોર્ડ મુક્યો હતો. એ પછી સ્થાનિક પોલીસ અધિકારીઓ અને સંસ્થાના ઓફિસર્સ તપાસમાં લાગી પડયા હતા. સીસીટીવીની તપાસમાં એક યુવાન આ બેગ લઈને જતો જોવા મળ્યો છે. હવે પોલીસ એ યુવાનની તપાસ કરી રહી છે.


comments powered by Disqus