લંડનઃ યુરોપ ખંડના તમામ દેશોમાં સ્વિડન અને આઇસલેન્ડ એવા બે દેશો છે જે સૌથી વધારે સુખી અને ખુશ છે. વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલા એક નવા ઇન્ડેક્સના આધારે આ તારણ કાઢવામાં આવ્યું છે.
આ અભ્યાસ અંતર્ગત કુલ ૧૩ દેશોનો ઇન્ડેક્સ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં સ્વિડન અને આઇસલેન્ડે સૌથી ટોચનું સ્થાન મેળવ્યું છે. આ બંને દેશો સામાજિક સહયોગ આપવામાં મોખરે હોવાથી તેમને સૌથી વધારે સુખી અને ખુશ દેશોની યાદીમાં ટોચનું સ્થાન અપાયું છે.
સમગ્ર વિશ્વમાં ડેન્માર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વિડન જેવા દેશોનું જીવનધોરણ સૌથી ઊંચું છે અને તે દેશનાં લોકો પણ સૌથી વધારે ખુશ છે.
નોંધનીય બાબત તો એ છે કે આ દેશો સરેરાશ માથાદીઠ આવક ઓછી ધરાવે છે, અને લાંબુ આયુષ્ય ધરાવે છે. ઉદાહરણ તરીકે ડેનિશ લોકો સૌથી વધારે ૫૧.૫ ટકા ટેક્સ ચૂકવે છે.
આ તારણ પરથી એવો નિષ્કર્ષ કાઢી શકાય કે લોકોની આવક અને સુખ કે ખુશીને અથવા તો આયુષ્યને કોઇ નિસ્બત નથી.
આ ઇન્ડેક્સ તૈયાર કરવા માટે યુએન હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ અને વર્લ્ડ બેન્ક એન્ડ યુરોસ્ટેટ ડેટામાંથી અભ્યાસ માટેના ડેટા લેવાયા હતા. સર્વાંગ ઇન્ડેક્સ તૈયાર કરવા માટે પાંચ અલગ અલગ ડેટાને ધ્યાનમાં રાખવામાં આવે છે.઼
ફિનલેન્ડ સૌથી ખુશહાલ
યુનાઇટેડ નેશન્સ (યુએન) દ્વારા જારી વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં સામેલ ૧૫૬ દેશોમાં યુરોપિયન દેશ ફિનલેન્ડ નોર્વેને પછાડીને દુનિયાનો પહેલો ખુશહાલ દેશ બન્યો છે. તેમાં ભારતની સ્થિતિ અત્યંત નબળી છે. ભારત પાકિસ્તાન અને ચીન કરતાં પણપાછળના સ્થાને રહ્યું છે.
૧૫૬ દેશોની આ યાદીમાં ભારતનું સ્થાન ૧૩૩મું છે. જ્યારે તેના પડોશી દેશો પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશની સ્થિતિ ભારત કરતાં ઘણી વધારે સારી છે.
આ રેન્કિંગનો આધાર
અમેરિકા ગત વર્ષે ૧૪મો સૌથી ખુશહાલ દેશ હતો. આ વખતે તે નીચે ઉતરીને ૧૮મા સ્થાને પહોંચ્યો છે.
આ રિપોર્ટમાં લોકોની વ્યક્તિગત આવક, સામાજિક સહયોગ, આરોગ્યપ્રદ જીવનશૈલી, સામાજિક આઝાદી, વિશ્વાસ તેમજ ઉદારતાને હેપીનેસનો આધાર બનાવાયા હતા.

