લંડનઃ યુકેમાં કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII-UK)ના વડા અને પ્રતિનિધિ તરીકે લક્ષ્મી કૌલની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ સંબંધોના નિર્માણ, કોમ્યુનિકેશન્સ, પબ્લિક રીલેશન્સ, કોમ્યુનિટી નેટવર્ક્સનાં સર્જન માટે સંશોધન, રણનીતિ અને નીતિવિષયક કાર્ય તેમજ યુકેમાં ભારતીય હિતોને આગળ ધપાવવાના અભિયાનો સહિત નોન પ્રોફિટ સેક્ટરમાં ૧૫થી વધુ વર્ષનો કાર્યાનુભવ ધરાવે છે. લક્ષ્મી કૌલ યુએસમાં CII ની ઓફિસનું વડપણ સંભાળવાં ગયેલાં શુચિતા સોનાલિકાનું સ્થાન લેશે.
એન્ટ્રેપ્રીન્યોરશિપ, એડલ્ટ એજ્યુકેશન અને શાળા સુધારણાના લક્ષ્મી કૌલના કાર્યને યુરોપિયન કમિશનના અગ્રણીઓએ બિરદાવી તેમને આગા ખાન ફાઉન્ડેશનના મલ્ટિ પાર્ટનર અને મલ્ટિ લોકેશન સ્કૂલ ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામમાં કામ કરવા આમં૬ણ આપ્યું હતું. તેમણે યુનાઈટેડ નેશન્સ, ઈન્ડિયા-યુકે કોરિડોરના ભારત અને યુકેના નોન પ્રોફિટ સેક્ટર, નીતિ અને સરકારી બાબતોમાં તેમજ પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતના પ્રદાનના દસ્તાવેજીકરણના ઐતિહાસિક ધરોહરના સંચાલનના વ્યાપક ફલક પર કાર્ય કરેલું છે. યુકેના પાર્લામેન્ટ મેમ્બરના રાજકીય સહાયકની ભૂમિકામાં ભારત સરકાર તરફથી યુકેના સાંસદોને બ્રિફિંગનું તંત્ર ગોઠવવા ઉપરાંત, સ્થાનિક સાંસદો સાથે કોમ્યુનિટીનો મેળાપ રહે તે માટે વિવિધ પ્લેટફોર્મ્સના લોન્ચિંગ તેમજ ઈન્ડિયન ટ્રેડિશનલ સાયન્સીસ, બ્રિટિશ હિન્દુઝ, ઈન્ડિયા, નેપાળ, બાંગલાદેશ અને શ્રી લંકા સહિત વિવિધ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ્સને સપોર્ટ કરવાની કામગીરી પણ બજાવી છે.
તેમણે રોજગાર અથવા ઉદ્યોગસાહસિકતાના એકમો સ્થાપવા ઈચ્છતી સંખ્યાબંધ મહિલાઓને પીઠબળ પૂરું પાડ્યું છે. તેમણે ૨૦૧૫માં લંડનમાં ૩૦૦થી વધુ ભારતીય સ્ટાર્ટ અપ એન્ટ્રેપ્રીન્યોર્સને યુકેમાં બિઝનેસ સ્થાપવાનું માર્ગદર્શન અને માહિતી આપવા સ્ટાર્ટ અપ્સ અને સ્મોલ બિઝનેસ સમિટનું આયોજન કર્યું હતું.
લક્ષ્મી પોતાની વર્તમાન નિયુક્તિને ભારતીય બિઝનેસ કોમ્યુનિટીની પ્રાથમિકતાઓને ઉજાગર કરવાની મહાન તક તરીકે લેખાવે છે. તેઓ યુકે પાર્લામેન્ટ સંબંધિત પોતાની કામગીરીના અનુભવને આ નવી ભૂમિકામાં સાંકળવા ઈચ્છે છે તેમજ યુકેમાં ભારતીય કંપનીઓ અને ભારતમાં રસ ધરાવતી યુકેની કંપનીઓ માટેના વર્તમાન પ્લેટફોર્મને આગળ વધારવા ઈચ્છે છે.

