ILR અરજીના નિર્ણયમાં વિલંબના વિરોધમાં પ્રોફેશનલ્સ દ્વારા સંસદ બહાર દેખાવો

Wednesday 09th May 2018 06:50 EDT
 
 

લંડનઃ ભારતીય મૂળ સહિતના અન્ય દેશોના પ્રોફેશનલ્સે ગત ૨જી મેને બુધવારે વરસતા વરસાદ વચ્ચે સંસદ બહાર દેખાવો યોજ્યા હતા. તેમનો વિરોધ યુકેમાં ઈન્ડેફિનિટ લિવુ રિમેન (ILR)ની અરજી પર નિર્ણય લેવામાં થતા લાંબાગાળાના વિલંબ તથા યુકે ઈમિગ્રેશન રુલ્સની કલમ ૩૨૨ (૫) હેઠળ અરજી ફગાવવાની સામે હતો. આ કલમ હેઠળ ટેક્સ રિટર્નમાં ભૂરને કારણે તેમને રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમરૂપ ગણાવ્યા હતા. દેખાવકારોએ જણાવ્યું હતું કે તેઓ નવા વિન્ડરશ કૌભાંડનો બોગ બન્યા છે. તેમનો દેખીતો ઉલ્લેખ વિન્ડરશ જનરેશનના ઈમિગ્રેશન સ્ટેટસના રાજકીય કૌભાંડ વિશે હતો.

દેખાવકારો દ્વારા યુકેના હોમ સેક્રેટરી સાજિદ જાવિદ, વડા પ્રધાન થેરેસા મે અને વિપક્ષના નેતા જેરેમી કોર્બિનને ઉદ્દેશીને તૈયાર કરાયેલી પિટિશન પર ૨૩ હજારથી વધુ લોકોએ સહી કરી હતી. આ પિટિશનમાં ઈમિગ્રન્ટ્સ માટે ‘પ્રતિકુળ વાતાવરણ’નો અંત લાવવા અનુરોધ કરાયો હતો.

દેખાવકારોએ જણાવ્યું હતું કે તેઓ તેમના વતન દેશ પાછા જવા માગતા નથી કારણ કે તેઓ વર્ષોથી યુકેમાં રહ્યા હોવાથી ત્યાંની જીવનશૈલી અને જોબ માર્કેટથી વધુ પરિચિત છે. ‘ચારિત્ર્ય લાંછન’ને અરજી નકારવાનું કારણ ગણાવીને તેમને ભવિષ્યમાં અન્ય કોઈ દેશના વિઝા મેળવતા અટકાવવાનું જણાવાયું હતું.

યુરોપિયન યુનિયન બહારના દેશોના લગભગ ૧,૦૦૦ ડોક્ટર, એન્જિનિયર, આઈટી પ્રોફેશનલ અને શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરનારા ‘હાઈલી સ્કિલ્ડ માઈગ્રન્ટ્સ ગ્રુપ’ ૯મી મેને બુધવારે અત્યાર સુધીના સૌથી મોટા દેખાવોના આયોજન માટે દ. એશિયા અને આફ્રિકાના વસાહતી લોકોને એક સંગઠિત કરી રહ્યું છે. મુખ્યત્વે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નાઈજીરિયામાંથી આવતાં પ્રોફેશનલો અને તેમનો પરિવાર બ્રિટનમાં રહેવા અચોક્કસ રજા માટે તેમની અરજીઓ પર અયોગ્ય ઈનકાર અને વિલંબના મુદ્દે યુકે હોમ ઓફિસની સામે દેખાવો કરશે. ગ્રુપના આયોજકો પૈકી એક અદિતિ ભારદ્વાજે જણાવ્યું હતું કે અમે ભારત, પાકિસ્તાન કે બાંગ્લાદેશ ક્યાંથી આવ્યાં તે ભૂલી ગયાં છીએ.


comments powered by Disqus