દુબઈઃ ક્રિકેટ વર્લ્ડ કપ -૨૦૧૫ના પ્રથમ રાઉન્ડમાં બહાર ફેંકાઇ ગયા બાદ નવા જોશ સાથે જોવા મળેલી ઇંગ્લેન્ડ ટીમે આઈસીસી વન-ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઈંગ્લેન્ડે આઠ પોઇન્ટના ફાયદા સાથે ભારતને પછાડી નંબર વનનું સ્થાન મેળવ્યું છે. ઇંગ્લેન્ડના ૧૨૫ પોઇન્ટ છે તો બીજા સ્થાને ઉતરી ગયેલી ભારતીય ટીમના ૧૨૨ પોઇન્ટ છે.
ઇંગ્લેન્ડની ટીમ પાંચ વર્ષ બાદ ફરી નંબર વન બની છે. આ પહેલાં તેણે વર્ષ ૨૦૧૩માં નંબર વનનું સ્થાન મેળવ્યું હતું. આ અપડેટમાં વર્ષ ૨૦૧૪-૧૫ના સિઝનના પરિણામોને સામેલ કરાયા નથી જેનો ફાયદો ઇંગ્લેન્ડને થયો છે. ઇંગ્લેન્ડે ૨૦૧૪-૧૫માં ૨૫ મેચ પૈકી સાત મેચ જીતી હતી. જોકે, ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ની સિઝનને ૫૦ ટકા મહત્ત્વ અપાયું છે જેનો ફાયદો ઇંગ્લેન્ડને મળ્યો છે.
સાઉથ આફ્રિકાને પણ એક સ્થાનનું નુકસાન થતાં ત્રીજા ક્રમે ધકેલાયું છે. ન્યૂઝીલેન્ડની ટીમ ચોથા ક્રમે છે. વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ૮ પોઇન્ટનું નુકસાન થયું છે, પરંતુ પાંચમો ક્રમાંક જાળવ્યો છે.
જ્યારે ગત વર્ષે જૂન મહિનામાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર પાકિસ્તાનની ટીમને છ પોઇન્ટનો ફાયદો થતાં તેના ૧૦૨ પોઇન્ટ થઈ ગયા છે.

