રબાતઃ આ સાથેની તસવીર મોરક્કોના એટલસ પર્વતની છે. અહીં પીળી રેત પર કતારબદ્ધ રીતે માનવ આકારના મોટા મિરર લગાવેલા છે. આ મિરર ૧૪ લાખ ચોરસ મીટર ક્ષેત્રફળમાં લગાવાયા છે, જે સોલાર પાવર જનરેટિંગ પ્લાન્ટનો ભાગ છે. આ વિસ્તાર ૬૦૦ ફૂટબોલ મેદાન જેટલો મોટો છે. પ્રથમ તબક્કાનું કામ ૨૦૧૬માં પૂરું થઈ ચૂક્યું છે. જેનાથી ૬.૫ લાખ ઘરોની વીજળી જરૂરત પૂરી થઇ રહી છે.
મોરક્કન એજન્સી ફોર સસ્ટેનેબલ એનર્જીના પ્રમુખ મુસ્તફા બુખારી કહે છે કે પ્રોજેક્ટના તમામ ચાર તબક્કાનું કામ પૂરું થઈ ચૂક્યું છે. સંચાલન જૂનથી શરૂ થશે. સંપૂર્ણ પ્લાન્ટની ક્ષમતા ૫૮૦ મેગાવોટ્સની છે. આ પ્લાન્ટથી ૨૦ લાખ ઘરમાં વીજળી પહોંચશે. વાર્ષિક ૭.૬ લાખ ટન હાનિકારક કાર્બન ઉત્સર્જન અટકશે.
જર્મન ઈન્વેસ્ટમેન્ટ બેન્ક (જીઆઇબી), આફ્રિકા ડેવલપમેન્ટ બેન્ક એડીબી) અને યુરોપિયન ઈન્વેસ્ટમેન્ટ બેન્ક (ઇઆઇબી) ફંડિંગ કરી રહી છે. આ આર્થિક સંસ્થાનોનું પ્રોજેક્ટમાં ૬૦ મૂડીરોકાણ છે. આ પ્લાન્ટનું નામ નૂર રખાયું છે.
સૌર ઉર્જા વિશે જાણવા જેવું
• હાલ દુનિયાભરમાં દરરોજ ૭૦,૦૦૦ સોલર પેનલ લાગી રહી છે. મતલબ કે ૨૪ કલાકમાં એક ફૂટબોલ મેદાન જેટલી જગ્યા કવર થઈ રહી છે. આ ઝડપ પાંચ વર્ષ સુધી જળવાઇ રહેશે. ૨૦૨૦ સુધી દુનિયાની સોલર પાવર કેપેસિટી ૩ ગણી વધી જશે.
• ઈન્ટરનેશનલ એનર્જી એસોસિએશન મુજબ જીવાશ્મ ઈંધણની તુલનાએ સોલર એનર્જીનો ગ્રોથ સૌથી વધુ.
• ૨૦૨૦ સુધી ચીનમાં દુનિયાભરની કુલ સોલર પેનલની ૪૦ ટકા હશે. તેનાથી ૩૨૦ ગીગાવોટ્સ વીજળી પેદા કરશે. આ જાપાનની ઈલેક્ટ્રિસિટી ક્ષમતાથી વધુ છે.
• ભારત, જાપાન અને અમેરિકા જેવા મોટા દેશોમાં ૨૦૨૨ સુધી સોલર ઊર્જા ત્રણ ગણી વધારે ૮૮૦ ગીગાવોટ્સ થઈ જશે.

