ઓનલાઈન ડાઈવોર્સ સ્કીમના ટેસ્ટિંગને ભારે સફળતા મળી

Wednesday 09th May 2018 06:55 EDT
 
 

લંડનઃ બ્રિટિશ સરકારની સત્તાવાર વેબસાઈટ પરની પાઈલોટ સ્કીમને ભારે સફળતા મળતાં હવે એકબીજા સાથે રહેવા ન ઈચ્છતા દંપતીઓ માત્ર એક ક્લીક અને ૫૫૦ પાઉન્ડની ફી ભરી ઝડપી ડાઈવોર્સ મેળવી શકશે. ઓનલાઈન ડાઈવોર્સ પાઈલોટ સ્કીમની ટ્રાયલ દરમિયાન ૯૫ ટકાથી ઓછાં ડાઈવોર્સ ફોર્મ્સ નકારાયાં હતાં. વેબસાઈટના ટેસ્ટિંગ તબક્કામાં ૧,૦૦૦થી વધુ પિટિશન ઈસ્યુ કરાઈ હતી.

આ પેપરલેસ સિસ્ટમમાં દંપતી ૫૫૦ પાઉન્ડમાં તેમનો લગ્નવિચ્છેદ કરાવી શકે છે અને સત્તાવાર ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અપલોડ કરી શકે છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટેસ્ટિંગ દરમિયાન ઘણા ઓછા લોકોએ અરજીફોર્મ્સ ભરવામાં ભૂલો કરી હતી.

હાલ કોર્ટનો સ્ટાફ જટિલ પેપર ડાઈવોર્સ ફોર્મ્સને હાથ ધરવામાં ૧૩,૦૦૦ કલાક ખર્ચે છે. પરંતુ, સરળ અને ઓછી ટેક્નિકલ ઓનલાઈન સર્વિસના લીધે ભૂલોના કારણે પાછી મોકલાતી અરજીના પ્રમાણમાં ૯૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જસ્ટિસ મિનિસ્ટર લ્યુસી ફ્રેઝરે જણાવ્યું હતું કે,‘આનો અર્થ એ છે કે જાન્યુઆરીથી માત્ર ૦.૬ ટકા ફોર્મ્સ જ નકારાયા છે.’

સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર નવી ઓનલાઈન ડાઈવોર્સ એપ્લિકેશન સિસ્ટમ કોર્ટ સિસ્ટમમાં પરિવર્તન લાવી તેને વધુ ઉપયોગક્ષમ અને સરળ બનાવવાના એક બિલિયન પાઉન્ડના પ્રોગ્રામનો હિસ્સો છે.


comments powered by Disqus