મુંબઈઃ વિશ્વના ધનાઢ્ય ક્રિકેટ બોર્ડનું બહુમાન ધરાવતા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની કાર્યપદ્ધતિને વધુ જવાબદાર બનાવવા સુપ્રીમ કોર્ટે તેના સંચાલનની જવાબદારી વિનોદ રાયના નેત્ૃત્વ હેઠળની કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સને જવાબદારી સોંપી છે.
બીસીસીઆઇના નવા બંધારણના મુસદ્દા અંગે હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. બોર્ડના નવા બંધારણના મુસદ્દામાં એવી ભલામણ કરાઇ છે કે, ક્રિકેટ ટીમોની પસંદગી કરતા સિલેક્ટર્સના સિલેક્શનની જવાબદારી ‘ક્રિકેટ એડવાઈઝરી કમિટિ’ને સોંપાય, અને તેમાં લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકરની સાથે એક સમયના દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલી અને ધુરંધર બેટસમેન વી. વી. એસ. લક્ષ્મણને સ્થાન આપવું જોઇએ. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ટીમોની પસંદગી કરતાં સિલેક્ટર્સના સિલેક્શનની જવાબદારી હાલ બોર્ડની જનરલ બોડી હસ્તક છે.

