ધર્મેન્દ્રને ફિલ્મોમાં બ્રેક આપનારા દિગ્દર્શક હિંગોરાનીનું અવસાન

Wednesday 09th May 2018 07:19 EDT
 
 

૧૯૬૦માં આવેલી ફિલ્મ 'દિલ ભી તેરા હમ ભી તેરે'થી ધર્મેન્દ્રને લોન્ચ કરનારા પીઢ ફિલ્મકાર અર્જુન હિંગોરાનીનું છઠ્ઠી મેએ વૃંદાવનમાં નિધન થયું છે. તેઓ ૯૨ વર્ષના હતા. ચેમ્બર ઓફ ફિલ્મ જર્નાલિસ્ટ્સના વાઇસ પ્રેસિડેન્ટ અતુલ મોહને જણાવ્યું કે, હિંગોરાનીની અંતિમવિધિ વૃંદાવન ધામમાં રખાઈ છે અને મુંબઇમાં પ્રાર્થનાસભાના આયોજનની શક્યતા છે.
ધર્મેન્દ્રએ ટ્વિટ કર્યું કે, 'મુંબઇમાં હું એકલો હતો ત્યારે હિંગોરાનીએ સહારો આપ્યો. તેઓ આપણને છોડીને ચાલ્યા ગયા તેનું ઘણું દુ:ખ છે. ઇશ્વર તેમના આત્માને શાંતિ અર્પે. ત્રણેક દાયકામાં હિંગોરાનીએ ધર્મેન્દ્ર સાથે 'કબ ક્યોં ઔર કહાં' (૧૯૭૦), 'સલ્તનત' (૧૯૮૩) અને 'કૌન કરે કુરબાની' (૧૯૯૧) જેવી ફિલ્મો બનાવી હતી.
રિશી કપૂરે તેમને ટ્વિટર પર અંજલિ આપતાં લખ્યું કે, પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે. હું તેમનાથી ઘણો નાનો હોવા છતાં 'કાતિલોં કે કાતિલ'ના શૂટિંગમાં તેઓ મને માનથી બોલાવતા. મારો શોટ રેડી હોય ત્યારે તેઓ 'રિશીસાહબ કો બુલાયેં' એમ કહેતા અને ધરમજીનો શોટ રેડી હોય ત્યારે 'ધર્મેન કો બુલાઓ' કહેતા, કેમ કે ધરમજીને તેઓએ ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો.


comments powered by Disqus