પ્રેસ ફ્રીડમ મુદ્દે બ્રિટનની કંગાળ હાલતઃ છેક ૪૦મા ક્રમે ઉતર્યું

Wednesday 09th May 2018 07:12 EDT
 
 

લંડનઃ પત્રકારત્વની આઝાદી બાબતે કાર્યરત ફ્રાન્સના NGO ‘Reporters Without Borders’ દ્વારા વાર્ષિક જાહેર વૈશ્વિક ઈન્ડેક્સમાં યુકે વેસ્ટર્ન યુરોપમાં સૌથી તળિયાને ક્રમે ઉતર્યું છે. ૧૮૦ દેશના પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં વૈશ્વિક યાદીમાં સ્કેન્ડેનેવિયન દેશો મોખરે છે, જેમાં નોર્વે પ્રથમ અને સ્વીડન દ્વિતીય સ્થાને છે. બ્રિટનનો ક્રમ ૪૦મા ક્રમે છે, જે સત્તાની જવાબદારી નિશ્ચિત કરવા મથતા રિપોર્ટર્સ પર નિયંત્રણો મુદ્દે ઉરુગ્વે, સમોઆ અને ચિલી કરતાં પણ પાછળ છે. યુએસ ૪૫મા, રશિયા ૧૪૮મા અને ચીન ૧૭૬મા ક્રમે છે. ભારતનો ક્રમ ગત વર્ષે ૧૩૬ હતો, જે આ વર્ષે ૧૩૮મા ક્રમે છે.

સંસ્થાના જણાવ્યા અનુસાર યુકેની ૨૦૧૭ની સામાન્ય ચૂંટણીમાં રાજકારણીઓને મળવા પર કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટીએ પત્રકારો પર નિયંત્રણો લગાવ્યા હતા, જેને મીડિયા પ્રત્યે માથાભારે વલણની સાબિતી તરીકે જોવાય છે. આ ઉપરાંત, સરકાર દ્વારા કડક પ્રેસ રેગ્યુલેશન દાખલ કરવાની દરખાસ્તો તેમજ વોટ્સએપ જેવી સેવાઓ પર એન્ક્રિપ્શન મર્યાદિત કરવાનું અભિયાન મુખ્ય કારણ છે. આ ઉપરાંત, પેરેડાઈઝ પેપર્સના પ્રકાશન મુદ્દે કાનૂની કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે.

‘Reporters Without Borders’ના યુકે બ્યૂરો ડાયરેક્ટર રેબેકા વિન્સેન્ટે જણાવ્યું છે કે માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાની વાત હોય ત્યારે મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય માપદંડ સ્થાપિત કરવામાં અગ્ર ભૂમિકા ભજવતા દેશ તરીકે યુકેનો આવો ક્રમ અસ્વીકાર્ય છે.

• સર્વોચ્ચ મીડિયા આઝાદી ધરાવતા દેશઃ નોર્વે (૦૧), સ્વિડન (૦૨), નેધરલેન્ડ ( ૦૩), ફિનલેન્ડ (૦૪), સ્વિટ્ઝરલેન્ડ (૦૫),

• સૌથી ઓછી મીડિયા આઝાદી ધરાવતા પાંચ દેશઃ ચીન (૧૭૬), સીરિયા (૧૭૭), તુર્કમેનિસ્તાન (૧૭૮), ઇરિટ્રિયા (૧૭૯), ઉત્તર કોરિયા (૧૮૦),

• મુખ્ય દેશોની સ્થિતિઃ ન્યૂ ઝીલેન્ડ (૦૮), કેનેડા (૧૮), ઓસ્ટ્રેલિયા (૧૯), બ્રિટન (૪૦), ઈટાલી (૪૧), અમેરિકા (૪૫), ભારત (૧૩૮), પાકિસ્તાન (૧૩૯), રશિયા (૧૪૮)


comments powered by Disqus