પ્લુટોના કેરોન ઉપગ્રહના એક ક્રેટરને મહાભારતના પાત્ર ‘રેવતી’નું નામ અપાયું

Wednesday 09th May 2018 11:24 EDT
 
 

લંડનઃ પૃથ્વીથી દૂરસુદૂર આવેલા પ્લુટો (યમ) ગ્રહના સૌથી મોટા ઉપગ્રહ-ચંદ્ર કેરોન (Charon) પરના એક પર્વતમુખને ભારતીય મહાકાવ્ય ‘મહાભારત’ના જાણીતા પાત્ર રેવતીનું નામ આપવામાં આવ્યું છે. આકાશીય અથવા ખગોળીય પદાર્થો અને તેમની સપાટીના લક્ષણોનું નામકરણ કરતી વિશ્વમાન્ય સંસ્થા ‘ધ ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિઅન (IAU)’ દ્વારા આ ગ્રહ પરના એક ક્રેટરને રેવતી નામ અપાયું છે. નાસાના અવકાશયાન ‘ન્યુ હોરાઈઝન્સ’ની ટીમ દ્વારા આ નામ આપવા પ્રસ્તાવ રખાયો હતો. હિન્દુ શાસ્ત્રો અનુસાર રેવતી ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલરામની પત્ની છે અને મહાભારતમાં ઉલ્લેખિત ૨૭ તારામાં એક છે. વિશ્વભરના હિન્દુ લોકોએ આ નામકરણને આવકાર આપ્યો છે. આ સાથે ૧૯૧૯માં સ્થાપિત અને પેરિસમાં હેડક્વાર્ટર્સ ધરાવતી તેમજ ખગોળશાસ્ત્રીઓ માટે વિશ્વની સૌથી મોટી પ્રોફેશનલ IAU સંસ્થાએ ૧૧ એપ્રિલે અન્ય ૧૨ વિશિષ્ટ સપાટીનું પણ સત્તાવાર નામકરણ કર્યું હતું, જેમાં એક ક્રેટરને લોકકથાઓમાં અત્યંત લોકપ્રિય અને બુદ્ધિશાળી પાત્ર નસેરુદ્દીન હોજાનું નામ અપાયું છે.

હિન્દુ વિદ્વાન, યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઈઝમના પ્રેસિડેન્ટ અને રાજનેતા રાજન ઝેડે રેવતી નામકરણને રચનાત્મક પગલા તરીકે આવકાર આપી હિન્દુત્વના સંસ્કૃત ભાષાના ગ્રંથોની વિચારસમૃદ્ધિનું સંશોધન કરવા અને વધુ આકાશી પદાર્થોને આ પ્રાચીન હિન્દુ ગ્રંથોમાં ઉલ્લેખિત નામો અને સિદ્ધાંતોનું નામ આપવા IAU ને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દેવભાષા સંસ્કૃત પ્રાચીન વિજ્ઞાનોનો સૈદ્ધાંતિક પાયો દર્શાવે છે.

સુર્યથી પૃથ્વીનું અંતર લગભગ ૧૫,૦૦,૦૦,૦૦૦ કિલોમીટર છે, જ્યારે પ્લૂટોનું અંતર લગભગ ૫,૯૧,૭૧,૮૫,૦૦૦ કિલોમીટર છે. સૌપ્રથમ ૧૯૩૦માં શોધાયેલા પ્લૂટો ગ્રહને સૂર્યનું એક પરિભ્રમણ કરતા ૨૪૮ વર્ષ લાગે છે. પ્લુટોના પાંચ ઉપગ્રહ એટલે કે ચંદ્ર કુઈપર બેલ્ટમાં આવેલા સૌથી વિશાળ ખગોળીય પદાર્થોમાં એક છે, સૌથી મોટા ઉપગ્રહ કેરોનમાં વ્યાપક પ્રમાણમાં ભૂસ્તરીય સમૃદ્ધિ જોવા મળે છે. રેવતી ક્રેટરની વાત કરતી પ્રેસ રીલિઝમાં જણાવાયું હતું કે હિન્દુ મહાકાવ્ય મહાભારતમાં (અંદાજે ઈ.સ. પૂર્વે ૪૦૦ વર્ષ) ઈતિહાસમાં સૌપ્રથમ વખત ‘ટાઈમ ટ્રાવેલ’નો સિદ્ધાંત રજૂ કરાયો હતો.

હિન્દુ શાસ્ત્રો અનુસાર રેવતી સતયુગની મધ્યમાં રાજ કરતા સુર્યવંશી રૈવત અથવા કાકુદમીન રાજાની પુત્રી હતી. રેવતી માટે યોગ્ય વરની શોધ અને ભલામણ માટે રાજાએ પુત્રી રેવતી સાથે બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે ગયા હતા. તે સમયે બ્રહ્માજી નૃત્ય-સંગીત માણતા હતા. થોડી ક્ષણો પછી રાજાએ તેમને રેવતી માટે યોગ્ય વરની યાદી બતાવી હતી. આ સમયે બ્રહ્માજીએ હસીને કહ્યું કે આ યાદીના તમામ વર મૃત્યુ પામ્યા છે કારણકે પૃથ્વીની સરખામણીએ બ્રહ્મલોકમાં સમયની ગતિ અતિશય ધીમી હોય છે. રેવતી અને રૈવત રાજા બ્રહ્માજી પાસે આવ્યાં તે ગાળામાં પૃથ્વી પર તો ૨૭ ચતુર્યુગ (સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ) એટલે કે ૧૦૮ યુગ પસાર થઈ ગયા છે અને તેમના સમકક્ષો પણ મૃત્યુને શરણ થઈ ગયા હતા. બ્રહ્માજીએ તે કાળે પૃથ્વી પર વિષ્ણુના અવતાર કૃષ્ણના મોટા ભાઈ બલરામ રેવતી માટે સુયોગ્ય વર હોવાની સલાહ આપી. રૈવત અને રેવતી પૃથ્વી પર પરત આવ્યા ત્યારે સમય-યુગો બદલાઈ ગયા હતા. આ પછી, રેવતીનાં લગ્ન બલરામજી સાથે થયાં હતાં. આ કથા સમયના પ્રસરણ અંગે કદાચ સૌપ્રથમ પ્રાચીન વિભાવના કે કલ્પના હતી, જેના થકી બે નિરીક્ષકો વચ્ચે ‘વહી ગયેલા સમય’નો તફાવત સમજાવાયો હતો. આ રીતે સમય વહી જવાનું કારણ અલગ પરિમાણ કે કદના આકાશી પદાર્થોમાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર અથવા એકબીજાના સંદર્ભે અલગ અલગ ગતિના ક્ષેત્રમાં કોઈની ઉપસ્થિતિનું હોઈ શકે છે.


comments powered by Disqus