વોશિંગ્ટનઃ આખો દિવસ લાંબો સમય ખુરશી પર બેઠા રહેવાથી કે સોફા પર બેસીને સતત ટીવી જોયા કરવાથી વ્યક્તિ જડ અને મૂર્ખ બનતી જાય છે અને તેને અનેક રોગો થવાનું જોખમ વધે છે તેવું નવા અભ્યાસમાં જણાયું છે. સંશોધકોને જણાયું છે કે જે લોકો આળસુ છે અથવા તો જેમનું જીવન બેઠાડું છે તેમનું મગજ સંકોચાઈને નાનું થતું જાય છે અને તેમની યાદશક્તિ ધીમે ધીમે ઘટવા લાગે છે. સરવાળે આવાં લોકો જડ બનતાં જાય છે.
લોસ એન્જલસની કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોને અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તે પ્રમાણે તેમનાં મગજની નીચેના ભાગમાં આવેલા ગ્રે કલરના ભાગનો વિકાસ થતો અટકે છે જેની અસર તેમની યાદશક્તિ પર થાય છે. તેમને અલ્ઝાઇમર કે ડિમેન્શિયા જેવા રોગો થવાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત હાર્ટને લગતા રોગો, ડાયાબિટીસ અને કેટલાક પ્રકારના કેન્સર થવાની શક્યતા વધે છે. ક્યારેક આવી વ્યક્તિનું નાની ઉંમરે મૃત્યુ થાય છે.
MTLનું પડ પાતળું હોય છે
જેમની જીવનશૈલી બેઠાડું છે તેમનાં મગજનાં મેડિકલ ટેમ્પોરેબલ લોબ (MTL)માં ગ્રે કલરના પદાર્થનું સર્જન ઓછું થાય છે, જે યાદશક્તિ સાથે સંકળાયેલ છે. જે લોકો સાઇકલ ઓછી ચલાવતાં હોય, ઓછું ચાલતાં હોય કે ઓછું જોગિંગ કરતાં હોય તેમને આવા રોગો થઈ શકે છે. આવાં લોકો અલ્ઝાઇમરનો ભોગ બને છે. ક્યારેક ડિમેન્શિયા પણ થઈ શકે છે. બેઠાડુ જીવન ગાળનારાઓનું MTLનું પડ પાતળું હોય છે, આથી યાદશક્તિ જળવાઈ રહે તેવો પદાર્થ ઓછો બને છે.
યાદશક્તિ માટે શ્રમ અનિવાર્ય
શારીરિક શ્રમ કે અન્ય પ્રકારની કસરતો અને વધુ પડતી પ્રવૃત્તિ કરવાનો મામલો મગજનાં નાના પણ યાદશક્તિને વધારે તેવા ભાગ સાથે સંકળાયેલો છે. મગજમાં ટેમ્પલ્સની નજીક આવેલો ટેમ્પોરલ લોબનો હિસ્સો યાદશક્તિ ઉપરાંત ચહેરાઓ ઓળખવાની શક્તિ તેમજ વસ્તુઓને પારખવાની અને ભાષાને સમજવાની ક્ષમતાને વધારે છે.

