બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે આઠમી મેએ બિઝનેસમેન આનંદ આહુજા સાથે પંજાબી રીત રિવાજ અને વિધિ વિધાન પ્રમાણે લગ્ન કર્યાં હતાં. દુલ્હા આનંદે અને દુલ્હન સોનમે પંજાબી પહેરવેશ ધારણ કર્યો હતો. સોનમ કપૂરની માસી કવિતા સિંહના બંગલામાં આ લગ્ન યોજાયાં હતાં. લગ્નની થીમ વ્હાઈટ તથા પિંક હતી. લગ્ન વેન્યૂને પિંક તથા વ્હાઈટ ફ્લાવરથી સજાવવામાં આવ્યું હતું. લગ્નમાં સામેલ મોટાભાગના મહેમાનો આ જ થીમ પ્રમાણેના વસ્ત્રો પહેરીને આવ્યાં હતાં.
સોનમનો ઠાઠ
લાલ કલરના લહેંગા-ચોલીમાં સોનમ કપૂર બિલકુલ રાણી જેવી લાગતી હતી. તેના ગોલ્ડન હેવિ ઘરેણા તેને વધુ જાજરમાન બનાવતાં હતાં. આનંદનો પણ આગવો અંદાજ જોવા મળ્યો હતો. આનંદ આહુજા સાફા સાથે સોહામણો લાગતો હતો. આનંદ આહુજા, હર્ષવર્ધન તથા અનિલ કપૂરે ડિઝાઈનર રાઘવેન્દ્ર રાઠોડે ડિઝાઈન કરેલાં આઉટફિટ પહેર્યાં હતાં. જ્યારે સોનમ કપૂરે ડિઝાઈનર અનુરાધા વકીલે તૈયાર કરેલાં આઉટફિટ પહેર્યાં હતાં.
ફિલ્મી હસ્તીઓની હાજરી
સોનમના લગ્નની મહેંદીથી લઈને વિદાય સુધીના ફંક્શન્સમાં બોલિવૂડના ઘણા કલાકારો હાજર રહ્યાં હતાં. અનિલ કપૂરના ભાઈ બોની કપૂર તથા સંજય કપૂર સહિતનો પૂરેપૂરો કપૂર પરિવાર સોનમના લગ્નના ઉત્સાહમાં ખોવાયેલો દેખાતો હતો. સોનમની બેસ્ટ ફ્રેન્ડ કરિના કપૂર લંડન પ્રવાસેથી પાછી ફરીને પતિ સૈફ અને પુત્ર તૈમુર સાથે લગ્નમાં હાજર રહી હતી. આ ઉપરાંત કરિશ્મા કપૂર, અમિતાભ બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા, જેક્વેલીન ફર્નાન્ડિઝ, કરણ જોહર, સ્વરા ભાસ્કર, મસાબા ગુપ્તા સહિતના ફિલ્મ કલાકારોએ સોનમના લગ્નમાં હાજરી આપી હતી.

