કેપટાઉનઃ છેલ્લા કેટલાક સમયથી મર્યાદિત ઓવરની ટીમનો સ્થાયી સભ્ય બનેલો જસપ્રીત બુમરાહ ભારતનો ૨૯૦મો ટેસ્ટ ક્રિકેટર બની ગયો છે. તેણે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું અને એબી ડીવિલિયર્સ ટેસ્ટ ક્રિકેટમાં તેનો પ્રથમ શિકાર બન્યો હતો. બુમરાહે અત્યાર સુધી ૩૧ વન-ડે મેચમાં ૫૬ તથા ૩૨ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચોમાં ૪૦ વિકેટ ઝડપી છે.
રસપ્રદ બાબત એ છે કે બુમરાહને મર્યાદિત ઓવર્સમાં મળેલા સફળતાના આધારે ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે કારણ કે તે છેલ્લા એક વર્ષ દરમિયાન એક પણ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો નથી. બુમરાહે પોતાની છેલ્લી ફર્સ્ટ ક્લાસ રણજી ટ્રોફી સેમિફાઇનલના સ્વરૂપે નાગપુર ખાતે ઝારખંડ સામે ૨૦૧૭ની પહેલીથી ચોથી જાન્યુઆરી સુધી રમી હતી.

