જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં અમદાવાદે પાંચમો સાહિત્ય ઉત્સવ માણ્યો. સાહિત્ય સંસ્થાઓનાં અધિવેશનો, પરિસંવાદો, પરિષદો કરતાં તેનો અંદાજ સા-વ અનોખો હતો. ત્રણથી સાત જાન્યુઆરી સુધી યુનિવર્સિટી અને કનોરિયા કેન્દ્રમાં યુવક-યુવતીઓ સહિતની ભીડ ઊમટી પડી. ચાર-પાંચ જગ્યાએ ચાલતી સાહિત્ય વિષયક ચર્ચાઓ, પુસ્તક વેચાણ કેન્દ્રો અને ખાણીપીણીના સ્થાનોએ સવારથી સાંજ સુધી સાહિત્યરસિકો - સપરિવાર સાથે - દેખાયા. એક દંપતીએ કહ્યું કે અમે જયપુર ફેસ્ટિવલમાં જવાના હતાં પણ વિમાન ટિકિટ રદ કરીને અહીં આવ્યા છીએ!
વિષયોનું વૈવિધ્ય પણ નજરે ચડે તેવું હતું. ફિલ્મ – ગુજરાતી અને હિન્દી, પુસ્તકો - ગુજરાતી - હિન્દી - અંગ્રેજી, નાટકો, ત્વરિત વાર્તા લેખન, રેડિયો પરના આરજે, અમદાવાદની પોળોનો ઇતિહાસ, ધર્મગ્રંથોમાં વાર્તાઓ, ચિત્રકળા - શિલ્પ – સ્થાપત્ય, પત્રકારત્વના વલણ અને વહેણ, કથ્થકમાં લાગણીની સમસ્યા-પ્રસ્તૂતિ, નવાં પુસ્તકોનાં લોકાર્પણ અને ચર્ચા, બાળ સાહિત્ય, સચિત્ર વાર્તાઓ, ગઝલ, આત્મકથા, કટોકટી - જેલ – પત્રકારો, સાવ નવા નિર્માતાઓનાં નાટકો... આવા ૧૦૦ વિષય પર ૧૨૫ જેટલા નિષ્ણાતો - પંડિતાઈનું પીંજરું તોડીછોડીને - બોલે તે ઘટના ગુજરાતી સાંસ્કૃતિક તવારિખમાં અ-નોખી ગણાય કે નહીં?
આ ઉત્સવનો ચંદરવો બાંધનારા કોણ છે ભલા? સાહિત્યજગતના ધૂરંધરો? ના. શ્યામ પારેખ પહેલાં અંગ્રેજી અખબાર ડીએનએના તંત્રી હતા, હવે પત્રકાર વિદ્યાર્થીઓની સંસ્થા ચલાવે છે, સમકિત શાહ પણ પોતાનાં ક્ષેત્રમાં કાર્યરત છે. જુમાના પત્રકાર છે - ઇન્ડિયા ટુડેની. નિહારિકા શાહ કનોરિયા સેન્ટર સંભાળે છે. રાજેન્દ્ર પટેલ ફાર્માસ્યુટિકલ સાથે સંકળાયેલા સાહિત્યકાર છે, ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ છે (જોકે પરિષદના બીજા હોદ્દેદારોએ આ ઉત્સવમાં આવવાની ના પાડી કેમ કે સાહિત્ય અકાદમીએ ફેસ્ટિવલને મદદ કરી છે અને સ્વાયત્તતાનો સ્વીકાર ન થાય ત્યાં સુધી પરિષદે એક પ્રસ્તાવનો વજનદાર ઘંટ બાંધી રાખ્યો છે! છૂટતો નથી અને વગાડી શકાતો નથી!!) બીજા યુવાનો પણ છે બધા છેલ્લાં પાંચ વર્ષથી આ ઉત્સવ ઊજવે છે. આગામી મહિને વડોદરામાં પણ તેનાં પગલાં થશે.
ગુજરાત યુનિવર્સિટીએ પણ આમાં સહયોગ આપ્યો અને કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાએ સેનેટ સભાખંડમાં ઉદઘાટન કાર્યક્રમ રાખ્યો તેમાં નગરજનો અને છાત્રોની ભરચક હાજરી હતી. નવા સર્જકો - લેખકો - પ્રકાશકો - પ્રૂફ રીડરોને ‘એવોર્ડઝ’ અપાયા. આ પ્રસંગે અતિથિ વિશેષ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના પત્ની અંજની ફડનવીસ પણ આવ્યાં.
મુખ્ય પ્રધાને પોતાના ટૂંકા ભાષણમાં રાજ્ય સરકારની સાહિત્ય – સંસ્કૃતિ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગુજરાતી ભાષાની ચિંતા એકદમ વાજબી છે એમ જણાવીને આ અંગે ભાષાપ્રેમીઓની સાથે વિચારવિમર્શ કરીને મુસદ્દો તૈયાર કરવા ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ ગુજરાત યુનિવર્સિટીને જવાબદારી સોંપી.
એ વાત સાચી છે કે ગુજરાતી ભાષા - ગુજરાતમાં અને ગુજરાતની બહાર, દેશેવિદેશે પોતાનું શાનદાર અસ્તિત્વ જાળવે તેવા પ્રયાસો કરવા જોઈએ. આપણાં અખબારો, સામયિકો, મીડિયા, પ્રકાશકો, સાહિત્ય સંસ્થાઓ, શાળા-કોલેજ–યુનિવર્સિટીઓ આવો પ્રયત્ન જરૂર કરે છે, પણ અંગ્રેજીના અનિવાર્ય ઉપયોગનું સામ્રાજ્ય વિસ્તરતું જાય ત્યારે કેવળ સાહિત્ય કે પાઠ્યપુસ્તકની ભાષા તરીકે ગુજરાતી કેવુંક જીવી શકે? ભાષા એ માત્ર બોલચાલ, પુસ્તકો કે પાઠ્યક્રમ પૂરતી મર્યાદિત નથી, એ તો જીવંત સંસ્કૃતિ છે.
દાદીમાએ હાલરડું ગાયું કે ટિપ્પણી નૃત્યમાં લોકગીત ગવાયું કે ગંગા સતી - નરસિંહ મહેતા - તોળલ દે - કવિ કાગે જે ભજનો ગાયાં તે ક્યાં કોલેજકાળની ડિગ્રીનાં સર્ટિફિકેટ પર આધારિત હતાં? એટલે સમાજમાં સર્વત્ર – બોલચાલ, સાહસ, પુરુષાર્થ, સંકલ્પ, સમાજસેવા, ઇતિહાસ, વેપાર-વાણિજ્ય અને ધર્મ – બધે ગુજરાતી ભાષાનો વૈભવ પ્રકટ થવો જોઈએ તેની સાથોસાથ ‘ગુજરાતી ભાષાનું સ્વાભિમાન’ સહજ હોવું જોઈએ. શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ – બંગાળ, મહારાષ્ટ્ર, તામિલનાડુની જેમ – અનિવાર્ય કરવું રહ્યું.
આ બધા મુદ્દાઓ મહત્ત્વના છે એકલી સરકારને માટે નહીં, સમાજને માટે પણ. ૧૯૮૩માં હું અસમના પ્રવાસે ગયો હતો. સાતે રાજ્યોમાં ફર્યો હતો. બ્રહ્મપુત્રના કિનારે આવેલાં ગામડાંઓમાં રોકાયો હતો. તેના પાદરે આચાર્ય શંકરદેવ (આપણા નરસિંહ મહેતા, સહજાનંદ સ્વામીની જેમ) થયા, તેમણે ‘નામધર’ સ્થાપિત કર્યાં છે. સાંજ પડ્યે ત્યાં ભક્તિનો રંગ જામે. અસમમાં વનવાસી પ્રભાવ એવો કે દરેક ૧૦-૨૦ માઈલના અંતરે સા-વ જૂદી જ બોલી સાંભળવા મળે. (આપણે ત્યાં સોરઠી, બરડાઈ, કચ્છી, ઝાલાવાડી, સિંધી, આદિવાસી, ચરોતરી એમ વિવિધ બોલીઓ છે) અને તે બોલી આપણને ભલે ન સમજાય તો પણ, તેના ચહેરા પર ‘બોલીનું સ્વાભિમાન’ દેખાય! આપણે ગુજરાતી બોલીએ ત્યારે લઘુતાગ્રંથિ છોડીને આવી અસ્મિતાનો અહેસાસ કરવો જોઈએ.
કવિ નર્મદે કહ્યું તેમ ‘તે રંગ થકી પણ અધિક રંગથી શોભશે સત્વરે માત...’ અને ‘શુભ શકુન દીસે સત્વરે, વીતી ગઈ છે રાત!’નો અહેસાસ પેદા કરવો જોઈએ. કવિ દલપતરામની સ્મૃતિ નજીકના દિવસોમાં સાહિત્ય અકાદમી ઊજવશે. તેમણે ગૌરવભેર કહ્યું હતુંઃ ‘ગિરા ગુજરાતી વાણીનો હું વકીલ છું...!’

