૬૦ વર્ષ બાદ ઘરઆંગણે ૪-૦થી એશિઝ જીતતું ઓસ્ટ્રેલિયા

Wednesday 10th January 2018 05:48 EST
 
 

સિડનીઃ ઇંગ્લેન્ડને પાંચમી અને અંતિમ ટેસ્ટમાં એક ઇનિંગ્સ અને ૧૨૩ રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની શ્રેણીને ૪-૦થી જીતી લીધી છે. આમ ઓસ્ટ્રેલિયાએ ૬૦ વર્ષ બાદ ઘરઆંગણે એશિઝમાં ૪-૦થી વિજય મેળવ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ૩ ટેસ્ટ જીતીને શ્રેણી પોતાના નામે કરી લીધી હતી. ચોથી ટેસ્ટ ડ્રો રહી હતી. બંને વચ્ચે આ ૭૦મી એશિઝ શ્રેણી હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ ૩૩ વખત ટ્રોફી જીતી છે.
સિડની ટેસ્ટના અંતિમ દિવસે ઇંગ્લેન્ડે ૪ વિકેટે ૯૩ રનના સ્કોરને આગળ વધારવાનું શરૂ કર્યું હતું. પ્રવાસી ટીમે લંચ સુધીમાં પાંચ વિકેટે ૧૪૪ રન બનાવતા તે આગામી બે સેશન રમીને મેચ ડ્રો કરશે તેમ લાગતું હતું.
જોકે તેનો કેપ્ટન જોઇ રુટ (૫૮) ડિહાઇડ્રેશનના કારણે લંચ બાદ બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો નહોતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ પછી ઇંગ્લેન્ડના બાકીના બેટ્સમેનો કાંગારુ બોલર્સના આક્રમણનો સામનો કરી શક્યાનહોતા અને પૂરી ટીમ ૧૮૦ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
ઇંગ્લેન્ડની બન્ને ઇનિંગ્સમાં ૪-૪ વિકેટ ઝડપનાર પેટ કમિન્સને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે સ્મિથ મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. તેણે પાંચ મેચમાં કુલ ૬૮૭ રન બનાવીને ઝમકદાર દેખાવ કર્યો હતો.


comments powered by Disqus