૬૪ ઓવર, ૨૦૦ રનમાં ૧૮ વિકેટઃ ભારત પહેલી ટેસ્ટ હાર્યું

Wednesday 10th January 2018 05:44 EST
 
 

કેપટાઉનઃ ઝડપી બોલર્સના દબદબા વચ્ચે ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામે પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસે ૭૨ રનથી પરાજયનો સામનો કરવો પડ્યો છે. ચોથા દિવસની રમત દરમિયાન ૬૫ ઓવરમાં ૨૦૦ રન નોંધાયા હતા અને કુલ ૧૮ વિકેટો પડી હતી. પહેલાં તો બે વિકેટે ૬૫ રનના સ્કોરને આગળ વધારનાર સાઉથ આફ્રિકાની ટીમ માત્ર ૧૩૦ રનમાં સમેટાઇ ગઇ હતી. આમ ભારતને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવવા માટે ૨૦૮ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે ટેબલ માઉન્ટેન સ્થિત ન્યૂ લેન્ડ્સના ગ્રાઉન્ડ પર ભારત માટે આ ટાર્ગેટ મોટા પહાડ જેવો સાબિત થયો હતો અને પૂરી ટીમ બીજા દાવમાં ૪૨.૪ ઓવરમાં ૧૩૫ રનના સ્કોરે સમેટાઇ ગઇ હતી. મેન ઓફ ધ મેચ બનેલા વર્નોન ફિલાન્ડરે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ૪૨ રનમાં છ વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં ત્રણ વિકેટ ખેરવી હતી.
ભારતનો રકાસ
૨૦૮ના લક્ષ્યાંકને ચેઝ કરનાર ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. ટીમે વિના વિકેટે ૩૦ રન બનાવી લીધા હતા. જોકે શિખર ધવન (૧૬) વધુ એક વખત ખરાબ શોટ રમીને આઉટ થયો હતો અને ટીમના ધબડકાની શરૂઆત થઇ હતી. કેટલાક સમય બાદ મુરલી વિજય (૧૩) તથા ચેતેશ્વર પૂજારા પણ પેવેલિયન પરત ફર્યા હતા. સુકાની વિરાટ કોહલી (૨૮) તથા રોહિત શર્માએ (૧૦) ૩૨ રનની ભાગીદારી નોંધાવી હતી. હાર્દિક પંડ્યા એક રન બનાવીને રબાડાનો શિકાર બન્યો હતો. અશ્વિન (૩૭) તથા ભુવનેશ્વરે (૧૩) કેટલોક સંઘર્ષ કર્યો હતો. ભારતને ફાયદો એ થયો હતો કે ટીમે ૧૦૦ રનના સ્કોરને પાર કર્યો હતો.
ફિલાન્ડરે એક જ ઓવરમાં ચાર બોલના ગાળામાં અશ્વિન, મોહમ્મદ શમી તથા બુમરાહને આઉટ કરીને સાઉથ આફ્રિકાનો વિજય નિશ્ચિત કરી લીધો હતો. આ પહેલાં ભારતીય બોલર્સના શાનદાર પ્રદર્શનના કારણે આફ્રિકાની આઠ વિકેટે ૨૧.૨ ઓવરમાં જ ઝડપી લીધી હતી. બુમરાહ તથા શમીએ ૩-૩ વિકેટ ખેરવી હતી.


comments powered by Disqus