કરણી સેનાના એક જૂથ ‘શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના’નું કહેવું છે કે સેન્સર બોર્ડ તરફથી ‘પદ્માવતી’ ફિલ્મના સુધારેલા નામ ‘પદ્માવત’નો પણ તેઓ વિરોધ કરશે. આ જૂથના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીએ દિલ્હીમાં ‘પદ્માવત’ ફિલ્મનો દેશવ્યાપી વિરોધ કરવાનું એલાન કર્યું હતું. સાથે જ જણાવ્યું હતું કે ‘પદ્માવત’ નામથી પણ તેઓ આ ફિલ્મ કોઈ પણ સ્વરૂપમાં પ્રદર્શિત થવા દેશે નહીં.
આ સંગઠને ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે જો ફિલ્મ પ્રદર્શિત થશે તો સિનેમાઘરો ઉપર દંડા વરસાવી જોર-જબરજસ્તીપૂર્વક ફિલ્મને પ્રદર્શિત થતી અટકાવાશે. સેનાનું કહેવું છે કે સરકાર અમારા ધૈર્યની પરીક્ષા ન કરે. કરણી સેનાએ કેન્દ્ર સરકાર અને પ્રમુખ હિન્દુ સંગઠનો ઉપર નિશાન સાધતા પૂછી રહી છે કે ‘પદ્માવતી’ ફિલ્મ હિન્દુ સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે છેડછાડ કરીને બનાવવામાં આવી છે તો પણ હિન્દુ સંસ્કૃતિની પેરવી-સમર્થન કરનાર સંગઠનો અને વડા પ્રધાન મૌન શા માટે બેઠા છે? ગોગામેડીનું કહેવું છે કે સેન્સર બોર્ડના ચેરમેન પ્રસૂન્ન જોશી, સૂચના પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઇરાની અને રાજ્યવર્ધન રાઠોડ રાજીનામું આપે.

