ભારતમાં સૌથી લોકપ્રિય હોલિવૂડ અભિનેતાઓમાં સ્થાન ધરાવતા વિલ સ્મિથનું કહેવું છે કે તેની ઘણી બધી ઇચ્છાઓ પૈકી એક ઇચ્છા એ પણ છે કે તેને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કોઈ બોલિવૂડ મસાલા એન્ટરટેઇનર ફિલ્મમાં કામ કરવું છે. ભારતની મુલાકાતે આવેલા વિલ સ્મિથે એક અંગ્રેજી અખબારની ઇવેન્ટમાં ફરહાન અખ્તર સાથે વાતચીતમાં કહ્યું કે, ‘મારે બોલિવૂડ ડાન્સ સિક્વન્સ કરવી છે. હું ઐશ્વર્યાને ૧૫ વર્ષ અગાઉ મળ્યો હતો. ત્યારે અમે સાથે કોઈ ફિલ્મ કરવા ચર્ચા કરી હતી પણ તેવું ક્યારેય બન્યું નહીં. કદાચ હું તેની સાથે ફિલ્મ કરીશ.’ નોંધનીય છે કે વિલ સ્મિથે તાજેતરમાં તેનો ૫૦મો જન્મદિવસ અમેરિકામાં ગ્રાન્ડ કેન્યોન પરથી બંજી જમ્પિંગ કરીને મનાવ્યો હતો. ફરહાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિલ સ્મિથને ભાંગડા ડાન્સ શીખવતો ફોટો મૂક્યો હતો.

