ગુજરાતમાં ઉત્તર ભારતીય શ્રમિક સમુદાય પર થયેલા હુમલાની ઘટનાઓ જેટલી શરમજનક છે, એટલી જ નિંદનીય પણ છે. રાજ્યમાં એક ગુનાહિત ઘટનાના એવા પ્રત્યાઘાત પડ્યા કે આઠ જિલ્લામાંથી અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ ઉત્તર ભારતીયો હિજરત કરી ગયા છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ૨૮ સપ્ટેમ્બરે એક માસુમ બાળકી સાથે જાતીય દુરાચારની ઘટના બની. લોકોમાં અરેરાટી સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું. પોલીસે ગણતરીના કલાકોમાં જ બિહારના વતની એવા બળાત્કારી યુવાનને ઝડપી લીધો. આરોપીની ધરપકડ સાથે જ મામલો શાંત પડી જવો જોઇતો હતો, પરંતુ એવું ના થયું. કાયમ સારીનરસી ઘટનાઓમાંથી રાજકીય સ્વાર્થ ખાટવાની તાકમાં રહેતો વર્ગ કામે લાગ્યો. ભાગલાવાદી રાજકારણ સક્રિય થયું અને ગુજરાતનો માહોલ ડહોળાઇ ગયો. ગુજરાતના માહોલમાં સમરસ થઇ ગયેલા પરપ્રાંતીય ભયના ઓથાર તળે ઉચાળા ભરી રહ્યા છે.
ઉત્તર ભારતીયો પર હુમલાની નાની-મોટી ૪૨થી વધુ ઘટનાઓ બની ચૂકી છે. સરકારથી માંડીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાની ખાતરી છતાં હિજરત અટકી નથી. પરપ્રાંતીયોને ધાકધમકી આપવાના અને હુમલાના જુદા જુદા કેસમાં પોલીસે ૪૦૦થી વધુ લોકોની અટકાયત કરી છે, પરંતુ રેલવે અને બસ સ્ટેશન પરપ્રાંતીય હિજરતીઓથી ઉભરાઇ રહ્યા છે. પરપ્રાંતીય શ્રમિકોને નિશાન બનાવી રહેલા હુમલાખોર જૂથો એ ભૂલી ગયા છે ગુનેગારને કોઇ જાત-પાત હોતા નથી. એક વ્યક્તિના ગુના બદલ સમસ્ત ઉત્તર ભારતીય સમુદાયને આરોપીના કઠેડામાં ઉભો કરી શકાય નહીં.
ગુજરાતના વિકાસમાં ઉત્તર ભારતીય શ્રમિકોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. ગુજરાતની વાત કરીએ તો ૫૦ ટકા કરતાં વધુ શ્રમિકો ઉત્તર ભારતીય કે પરપ્રાંતીય છે. મતલબ કે તેમના પર હુમલો એટલે રાજ્યના વિકાસને ફટકો. સ્પષ્ટ છે કે જે લોકો ઉત્તર ભારતીયો કે બિનગુજરાતી શ્રમિકો પર હુમલા કરી રહ્યા છે તેમના હૈયે રાજ્યના વિકાસની ચિંતા નથી. ઉત્તર ગુજરાતના ઉદ્યોગમાં આશરે ત્રણ લાખ ઉત્તર ભારતીયો મહેનત-મજૂરી કરીને જીવનનિર્વાહ ચલાવે છે. રાજ્યના આ ભાગમાંથી છેલ્લા ૧૧ દિવસમાં મોટા પાયે પરપ્રાંતીય શ્રમિકોની હિજરત થઇ હોવાથી ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક એકમો ઠપ્પ થઇ ગયા છે ને કરોડો રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો છે. ટાટાના નેનો પ્રોજેક્ટના કારણે દેશભરમાં ચમકી ગયેલું અમદાવાદ નજીકનું સાણંદ ઓટોમોબાઇલ હબ તરીકે આગવી નામના ધરાવે છે. આ વિસ્તારમાંથી સૌથી વધુ - આશરે ૫૦૦૦ શ્રમિકો પરિવાર સાથે હિજરત કરી ગયાના અહેવાલ છે.
ખરેખર તો આવી હિંસાનું નેતૃત્વ કરનારા લોકો સામે દેશદ્રોહનો કેસ ચલાવવો જોઇએ. આ ભાગલાવાદી પરિબળો હિંસા-આતંકના માહોલ દ્વારા રાજ્યના (અને સાથે સાથે રાષ્ટ્રીય) વિકાસને તો અવરોધી જ રહ્યા છે, સાથોસાથ જનમાનસમાં પ્રદેશવાદનું ઝેર પણ ફેલાવી રહ્યા છે. એક રાજ્યના લોકો બીજા રાજ્યના લોકોને દુશ્મન તરીકે કઇ રીતે નિહાળી શકે? એક સમયે ગુજરાતનું મુખ્ય પ્રધાન પદ સંભાળતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં વારાણસીનું પ્રતિનિધિત્વ કરે છે તે કોઇએ ભૂલવું જોઇએ નહીં. ભારતના કોઇ પણ નાગરિકને દેશના કોઇ પણ રાજ્ય કે પ્રદેશમાં વસવાટ કરવાનો, જીવનનિર્વાહ ચલાવવાનો અબાધિત અધિકાર છે. કોઇ તેને આમ કરતાં અટકાવી શકે નહીં. આજે દેશનું ભાગ્યે જ કોઇ રાજ્ય એવું હશે જ્યાં બિહારના શ્રમિકો કે ઉત્તર ભારતીયો પોતાનો પરસેવો નહીં વહાવતા હોય. સહુ કોઇએ યાદ રાખવું રહ્યું કે શ્રમ અને શ્રમિકનું સન્માન જળવાય છે ત્યારે જ શહેર, પ્રદેશ, પ્રાંત કે રાષ્ટ્ર વિકાસપંથે આગેકૂચ કરતો હોય છે.
