મહાશક્તિની આરાધના કરતી સ્તુતિ

Wednesday 10th October 2018 09:06 EDT
 
 

જય જય અંબે એક જ દીનદયાળ,
ભક્તજનોની તું રખવાળ,
જય જય બહુચર બળધારી, જય જય તુલજા મા મારી;
જય જય કાળી કલ્યાણી, બ્રહ્મ સ્વરૂપે બ્રહ્માણી;
શિવ સ્વરૂપે રૂદ્રાણી, મહામાયા શક્તિ જાણી;
જળચર, સ્થળચર, નભચર કયાંય,
વ્યોમસકળમાં વ્યાપી રહ્યાં;
યુગે યુગે માએ રૂપ ધર્યાં, બાળ હ્દયમાં સ્થાયી થયાં;
દુષ્ટ દાનવથી ત્રાસ્યા દેવ, મહેર કીધી માએ તત્ખેવ;
શક્તિ સ્વરૂપે સીતા રૂપ, રાવણ રોળ્યો છે મહાભૂપ;
મહિષાસુર તો મહા બળીયો, દેવોની પૂંઠે પડીઓ;
નારાયણને જાન થઇ, મસ્તક તેનું છેદયું જઇ;
ચંડીએ ચંડમૂંડ હણ્યા, કામ કર્યાં માએ દેવો તણાં;
પાવાગઢનો રાજા પતઈ, તેની તો મા બગડી મતિ;
નવરાત્રિની રાત રસાળ, ગરબે ઘૂમે કાળી કૃપાળ;
શક્તિ સાહેલીની સાથો સાથ, પતઈએ પાલવ પકડ્યો હાથ;
માંગ માંગ પાવાના ધણી, ધનસંપતિ આપું ઘણી;
ભૂપ સર્વનો ભૂપતિ કરું, પાવાને સોનેથી મઢું;
આજ પ્રસન્ન તું તો થઇ, પાપી પતઈ તો સમજ્યો નહિ;
ફટ ફટ પાવાના રાજન, લૂંટાઇ જાશે તારૂં ધન;
પાવો તારા પાપે જશે, તુજ વૈભવનો નાશ થશે;
મા કોપ્યાં ને પાવો ગયો, પાપી પતઈનો નાશ થયો;
મા પાવાગઢ ટોચે ગયાં, મહાકાળીને નામે રહ્યાં;
ચૂવાળમાં પણ લીલા કરી, જય જય બહુચર મા તું ખરી;
માર્યા કૂકડા તુજ નિરધાર, દુષ્ટોએ કીધો આહાર;
મા ચાચરથી ઊતર્યાં હેઠ, કૂકડા બોલ્યા દુષ્ટો પેટ;
એવી લીલા કીધી બહુ, મા ગુણગાઇને પાવન થાઉં;
ચક્ર, ગદાને ત્રુશૂળ હાથ, ડાબા કરમાં ધર્યો નિરવાણ;
જમણે સમશેર શંખ ધરી, વેદગ્રંથ ને આશિષ ધરી;
માથે મૂગટ ને કાને કુંડળ ધરી,આળ લલાટે કુમકુમ ધરી;
કંઠે ધરી છે ફૂલની માળ, ઓઢી ચૂંદડી ઝાકઝમાળ;
ચૂંદડી ફરતે હીરની કોર, કંચૂકીમાં ટહૂકે મોર;
સિંહવાહન તો માએ કર્યું, ચંડિકાનું રૂપ ધર્યું;
ઉભાં છે નવદુર્ગા હસી, જાણે ઉગ્યો બીજો શશી;
મા શક્તિ છે તારી અપાર, કહેતાં ના આવે કોઇ પાર;
માનાં હૈયાં હેતભર્યાં, શરણાગતનાં કામ કર્યાં;
ઘર ઘરમાં કીધો છે વાસ, કહે કર જોડી માઈભક્ત આજ;
ભણે ચાલીસા જે નિત્યનિયમ, તેને કદી ના દંડે યમ;
સાંજ સવારે જે જન ગાય, જગદંબા તેને કરશે સહાય;
નાહી-ધોઈ પવિત્ર થઇ, એક જ ચિત્તે ધૂપ જ દઇ;
આ સ્તોત્ર નિત્ય નિયમ પઢે, ધનદોલત ને આયુષ્ય વધે;
દુ:ખદરિદ્ર તેના જાય, બોલો જય જય અંબે માત.
બોલો જય જય મા મહાકાલી માત.


comments powered by Disqus