લંડનઃ ફેસબુકે ગયા વર્ષે યુકેમાં ટેક્સ પેટે ૧૫.૮ મિલિયન પાઉન્ડનું ટેક્સ બિલ ભર્યું હતું જે અગાઉના વર્ષ કરતાં ત્રણ ગણુ હતું. સોશિયલ મીડિયા કંપનીના ટેક્સ માળખામાં મોટો ફેરફાર થતાં ૨૦૧૬માં ફેસબુકનું ટેક્સ બિલ ૫.૧ મિલિયન પાઉન્ડ થયું હતું. જોકે કંપનીના નફામાં વાર્ષિક ધોરણે માત્ર ૪ મિલિયન પાઉન્ડનો વધારો થયો હતો. ૨૦૧૭માં નફો ૫૮.૪ મિલિયન પાઉન્ડ હતો તે વધીને ૬૨.૭ મિલિયન થયો હતો.
કંપનીની યુકે ઓફિસ કંપનીને માર્કેટિંગ સર્વિસ તથા સેલ્સ અને એન્જિનિયરિંગ સપોર્ટ આપે છે. ઈન્ટર - કંપની અને એડવર્ટાઈઝિંગ રિસેલર સર્વિસીસને લીધે ફેસબુકની આવક વાર્ષિક ધોરણે ૩૩ ટકા વધીને ૨૦૧૭માં ૧.૨ બિલિયન પાઉન્ડ થઈ હતી. ફેસબુકના નોર્ધર્ન યુરોપના વાઈસ પ્રેસિડેન્ટ સ્ટીવ હેચે જણાવ્યું હતું કે ટેક્સની માહિતી આપવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે જેથી ગ્રાહકો પાસેથી મળતી આવકની યુકેમાં નોંધણી થાય અને વેરાપાત્ર નફાની રકમ પર યુકે કોર્પોરેશન ટેક્સ લાગૂ પડે છે.

