લોકસભા ચૂંટણી પૂર્વે વિરોધ પક્ષોની મહાયુતિ રચીને ભાજપને ભીંસમાં લેવાના મનસૂબા સેવતી કોંગ્રેસ માટે એક સાંધતા તેર તૂટે તેવા સંજોગ સર્જાયા છે. પહેલાં એનસીપીના શરદ પવાર, પછી બસપાના માયાવતી અને હવે સપાના અખિલેશ યાદવે અલગ રાહનો રાગ આલાપ્યો છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના વડેરાઓના નિવેદનોથી અનુભવેલા આંચકાની કળ વળી નહોતી ત્યાં સમાજવાદી પાર્ટી (સપા)ના અખિલેશ યાદવે આગામી દિવસોમાં યોજાનારી પાંચ રાજ્યોની ચૂંટણી એકલપંડે લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસની નેતાગીરી એ તો જાણતી હશે કે વિપક્ષી એકતાના પરિણામોથી વાકેફ ભાજપ આવું કોઇ જોડાણ થતું અટકાવવા શક્ય પ્રયાસો કરશે. પણ વિપક્ષી ગઢની રચના પૂર્વે જ તેના પાયા હચમચી જશે એવી કલ્પના તો કદાચ કોઇ કોંગ્રેસીએ કરી નહીં હોય.
ખરેખર તો કોંગ્રેસને વર્ષોજૂના સાથીદાર અને ૪૮ લોકસભા બેઠકો ધરાવતા મહારાષ્ટ્રમાં જનાધાર ધરાવતા શરદ પવાર અને તેમની એનસીપી પર ઘણો મદાર હતો. જોકે શરદ પવારે જે પ્રકારે રફાલ સોદામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી છે તે જોઇને કોંગ્રેસની નેતાગીરીનો વિશ્વાસ ડગી ગયો છે. અલબત્ત, પવારે આ મુદ્દે સ્પષ્ટતા પણ કરી છે કે તેમના નિવેદનને ‘ખોટી રીતે ટાંકવામાં આવ્યું છે’, પરંતુ લોકો પહેલું નિવેદન સાંભળ્યા બાદ રદિયો ક્યાં કાને ધરતાં હોય છે?!
વિપક્ષી મહાયુતિમાં માયાવતી જોડાશે કે નહીં એ વાતે પ્રારંભે કોંગ્રેસ હાઇ કમાન્ડને આશંકા હતી. પરંતુ કર્ણાટકમાં કોંગ્રેસે પોતાની બહુમતી છતાં જનતા દળ (એસ)ને સરકાર રચવામાં સાથ આપ્યો તેથી પ્રભાવિત માયાવતીએ મહાગઠબંધનમાં જોડાવાની જોશભેર જાહેરાત કરી હતી. પરંતુ મોરચો રચવાનો સમય આવ્યો ત્યારે માયાવતીએ અચાનક પલ્ટી મારીને છત્તીસગઢમાં અજીત જોગી સાથે હાથ મિલાવ્યા છે તો મધ્ય પ્રદેશમાં ૨૨ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ જ પ્રકારે ‘બહેનજી’એ રાજસ્થાનમાં પણ કોંગ્રેસ સાથે યુતિ કરવાનો ઇન્કાર કર્યો છે. રાજસ્થાનમાં તો કોંગ્રેસ - ભાજપ વચ્ચે સીધી ટક્કર છે અને ભૂતકાળમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી જીતીને રાજ્યમાં શાસનધૂરા સંભાળી ચૂકી છે, પણ કોંગ્રેસને સવિશેષ ચિંતા મધ્ય પ્રદેશની છે. અહીં બસપા કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે. કેટલીક બેઠકો એવી છે કે જેના પર ભલે બસપાના ઉમેદવાર જીતે નહીં, પરંતુ તેની ઉમેદવારીથી ભાજપવિરોધી મતો વહેંચાઇ જતાં કોંગ્રેસ પર બેઠક ગુમાવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ ઉપરાંત માયાવતીએ જે પ્રકારે કોંગ્રેસવિરોધી વિધાનો કર્યા છે તે જોતાં લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ - બસપા વચ્ચે જોડાણની શક્યતા ઘટી ગઇ છે.
ખેર, ‘બુઆ’એ છેડો ફાડ્યો ત્યાં સુધી કદાચ કોંગ્રેસને બહુ વાંધો નહોતો, પરંતુ ‘ભતીજા’એ પણ ફોઇના પગલે ચાલવાનું પસંદ કરતાં વિપક્ષી એકતાના પ્રયાસોને કમ્મરતોડ ફટકો પડ્યો છે. પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોના એલાન સાથે અખિલેશે જાહેર કરી દીધું કે યુતિ માટે કોંગ્રેસની બહુ રાહ જોઇ, તેણે કોઇ પહેલ ન કરતાં અમે એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસનું નેતૃત્વ સપા સાથે સમજૂતી મુદ્દે અવઢવમાં હતું કે પછી ઔપચારિક ચર્ચાને સત્તાવાર સમજૂતી સુધી પહોંચાડવામાં ઇરાદાપૂર્વક વિલંબ કરીને તે અખિલેશની ધીરજની કસોટી કરી રહ્યું હતું એ તો આપણે નથી જાણતા, પરંતુ એ હકીકત કે અખિલેશનો આ આક્રમક અભિગમ લોકસભા ચૂંટણી વેળા સમજૂતીમાં નડી શકે છે.
આ સમગ્ર ઘટનાક્રમનો સાર નિર્દિષ્ટ કરે છે કે કોંગ્રેસ વિપક્ષને એકતાંતણે બાંધવામાં સફળ રહે તેમ લાગતું નથી. ઉત્તર પ્રદેશની ગોરખપુર અને કૈરાના લોકસભા બેઠક પછી ભાજપ વિરુદ્ધ વિપક્ષની મહાયુતિનો જે માહોલ ઉભો થયો હતો તે વિખેરાઇ રહ્યો છે. આજની તારીખે એકેય રાજ્યમાં વિપક્ષી ગઠબંધન આકાર પામ્યું હોય તેમ લાગતું નથી. પવાર, માયાવતી કે અખિલેશની જેમ પશ્ચિમ બંગાળના મમતા ‘દીદી’ પણ કોંગ્રેસ સાથે જોડાવા ઉત્સુક જણાતા નથી. આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુના પક્ષ સાથે યુતિના મુદ્દે કોઇ પ્રગતિ થયાનું જણાતું નથી. એક સમયે કોંગ્રેસ ભાજપવિરોધી સંયુક્ત મોરચો માંડવાના હાકોટા-પડાકારા કરતી હતી, વિપક્ષી સાથીદારોના અભિગમે તેની હાલત કફોડી કરી નાંખી છે. એક તરફ તે આગામી લોકસભા ચૂંટણી એકલા હાથે લડીને પોતાનો દેખાવ સુધારી શકે તેવી કોઇ શક્યતા જણાતી નથી. તો બીજી તરફ, તે ભાજપવિરોધી મહાયુતિ રચવાની સ્થિતિમાં પણ નથી. આમ, અત્યારે તો ભાજપ માટે બેઉ હાથમાં લાડવો જણાય છે.
