ગુજરાતના કલાકારો વિવિધ દેશોમાં નવરાત્રિ ઉત્સવમાં પોતાના સૂર-સંગીતની કલા સાથે ગરબા રમાડવા જાય છે અને ધૂમ મચાવી ગુજરાતી ગરબાના વારસાને ગૌરવભેર જીવંત રાખે છે. એવા જ એક કલાકાર છે રાજકોટના લોહાણા સમાજના અગ્રણી રાજેશ મજીઠિયા.
યુકેના ખેલૈયાઓને રાસ ગરબાની રમઝટ જમાવવા તેઓ યુકેના પ્રવાસે આવ્યા છે. આગામી તા.૧૭.૧૦.૨૦૧૮ સુધી રાજેશ મજીઠિયા અને રીનાબેન શાહના નવરાત્રિ ફેસ્ટિવલનું વેલિંગબરોના હિંદુ કોમ્યુનિટી સેન્ટરમાં આયોજન કરાયું છે. રાજેશ મજીઠિયા ઉપરાંત તૃપ્તિ શાહ ગરબામાં તેમનો સુમધુર કંઠ રેલાવશે.
છેલ્લા એક દાયકાથી વિદેશમાં નવરાત્રિમાં લોકોને ગરબે ઘૂમાવતા રાજેશ મજીઠીયાએ સૌ પ્રથમ ૨૦૦૮માં યુગાન્ડામાં નવરાત્રિ કરાવી હતી. તે પછી ૨૦૧૨ અને ૨૦૧૩માં લેસ્ટરમાં ગુજરાત હિંદુ એસોસિએશન આયોજીત ગરબા મહોત્સવમાં તેમણે તેમના કંઠના જાદુના કમાલથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
તેઓ નોટિંગહામમાં સ્વર મ્યુઝિક એન્ડ ઈવેન્ટ પ્રમોશનના રીનાબેન શાહ આયોજિત નવરાત્રિ ઉત્સવમાં દર વર્ષે ભાગ લઈને ખેલૈયાઓને રાસ - ગરબા રમાડે છે.
તેઓ ગરબાની સાથે ભજન-સત્સંગના કાર્યક્રમોમાં પણ જોડાયેલા રહ્યા છે. તેમણે ઘણાં સેવાલક્ષી કાર્યો કર્યા છે. નારાયણ સેવા ટ્રસ્ટ (ઉદયપુર) તેમજ રાજકોટની સદભાવના જનકલ્યાણ ટ્રસ્ટની હોસ્પિટલમાં ચાલી રહેલા ડાયાલિસિસ સેવા યજ્ઞ માટે રાજેશ મજીઠિયાએ અનેક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

