લંડનઃ માનવ અધિકાર માટે કાર્ય કરતી એક સંસ્થાને ઈરાદાપૂર્વક ગેરમાર્ગે દોરતી ઓનલાઈન ફિલ્મ હટાવી દેવા જણાવાયું હતું. ફિલ્મમાં એક મહિલાને દાવો કરતી દર્શાવાઈ છે કે તેણે બાળકને જન્મ આપ્યો તેના થોડા જ સમયમાં કાઉન્ટર – ટેરરિઝમ ઓફિસરોએ તેને ત્યાં રેડ પાડી હતી. વિવાદાસ્પદ ગ્રૂપ ‘કેજ’એ સરકારની કાઉન્ટર – ટેરરીઝમ વ્યૂહનીતિ ‘પ્રિવેન્ટ’ મુસ્લિમ પરિવારો તેમના પુત્રો અને પુત્રીઓને ઉદામવાદી બનાવતા હોવાનું ખોટી રીતે માનીને તેમના બાળકોને ગેરવાજબી રીતે દૂર કરે છે તેવું દર્શાવવા આ લાગણીસભર વીડિયો તૈયાર કર્યો હતો. ત્રણ મિનિટ અને ૩૫ સેકન્ડની આ ક્લિપમાં મરિયમનું ખોટું નામ ધારણ કરેલી નિકાબ પહેરેલી મહિલા જણાવે છે કે લંડન હોસ્પિટલના ડિલિવરી રૂમમાં તેના પગ લોહીથી ખરડાયેલા હોવા છતાં તેને લક્ષ્ય બનાવવામાં આવી હતી. આ મહિલા ઈસ્લામિક આતંકવાદી માઈકલ કોની પત્ની હતી. તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો અને તે હાલ જેલવાસ ગુજારી રહેલા હેટ પ્રીચર અંજેમ ચૌધરીનો બોડીગાર્ડ હતો.
