અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકર રીકેશ સુરાણીને શ્રદ્ધાંજલિ

Wednesday 11th April 2018 06:31 EDT
 
 

લંડનઃ લેસ્ટરના હેમિલ્ટન વે પર ગઈ ૨૫મી માર્ચે સિલ્વર કિયા એસ્ટેટ કાર સાથેના અકસ્માતમાં મૃત્યુ પામેલા ૨૭ વર્ષીય રીકેશ સુરાણીને શ્રદ્ધાંજલિ અર્પવા ૨૦૦ જેટલા પરિવારજનો અને મિત્રો દુર્ઘટના સ્થળે એકત્ર થયા હતા. તેથી પોલીસે આ રોડ પર પંદર મિનિટ માટે વાહનવ્યવહાર અટકાવી દીધો હતો.

રીકેશ લેસ્ટરની ધ યુનિટ તરીકે જાણીતી રાઈડર્સ ક્લબનો સભ્ય હતો. હેમિલ્ટનમાં ટેસ્કો એક્સ્ટ્રા અને પોર્શે ગેરેજ વચ્ચેના સ્થળે સવારે ૧૦.૧૫ કલાકે ક્લબના સભ્યો રીકેશના પરિવારજનો અને મિત્રોને મળ્યા ત્યારે રસ્તા પર ૫૦થી વધુ બાઈકની લાઈન લાગી ગઈ હતી.

ધ યુનિટના કમિટી મેમ્બર રસેલ થોર્પે જણાવ્યું હતું કે રોમના હુલામણા નામે જાણીતો રીકેશ વિવેકી અને નમ્ર હતો અને તેના નિધનથી સૌ કોઈ વ્યથિત છે. તે કેટલો લોકપ્રિય અને આદરણીય હતો તે રસ્તાની બાજુએ બનાવેલા મેમોરિયલ પરની લોકોની સંખ્યા જ દર્શાવે છે.

થોર્પે જણાવ્યું હતું કેબાઈકર્સ પોર્શે ગેરેજ ખાતે ભેગા થયા હતા અને ત્યાંથી ધીમે ધીમે અકસ્માત સ્થળે ગયા હતા. રીકેસ સુરાણીના પત્ની અને તેના મિત્રએ રોમ લખેલા ગોલ્ડન અને પર્પલ કલરના ફુગ્ગા આકાશમાં છોડ્યા તે પહેલા સૌએ એક મિનિટનું મૌન પાળ્યું હતું. ધ યુનિટ બાઈક ગ્રૂપની સ્થાપના ૨૦૧૪માં થઈ હતી અને તેમાં ૭૫ સભ્ય છે. ક્લબ મેમ્બરો ફન રાઈડ અને ચેરિટી ફંડ રેઝિંગ ઈવેન્ટ માટે ભેગા થતા હોય છે.


comments powered by Disqus