મુંબઇઃ વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓને આકર્ષિત કરનાર આઇપીએલની સિઝન-૧૧નો રંગારંગ ઓપનિંગ સેરેમની મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયો હતો.
શનિવારે યોજાયેલા શાનદાર સમારંભમાં બોલિવૂડ સ્ટાર વરુણ ધવન, ડાન્સ સુપરસ્ટાર પ્રભુ દેવા અને રિતિક રોશને ગ્લેમરનો તડકો લગાવ્યો હતો. એક્ટ્રેસ તમન્ના ભાટિયા, જેકલિન ફર્નાન્ડીસ અને સિંગર મિકા સિંહે પણ તેમને સાથ આપ્યો હતો.
વરુણ ધવને સૌથી પહેલો ‘કબીરા સારાસારા’ અને ‘બદરી કી દુલ્હનિયા’ ગીત પર ડાન્સ કર્યો હતો. પ્રભુ દેવાએ મુકાબલા-મુકાબલા પર પર્ફોમન્સ કર્યું હતું. બંને સાથે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે દર્શકોએ સ્વાગત કર્યું હતું. તમન્ના ભાટિયાએ ‘બાહુબલી’ના ટાઇટલ સોંગ પર ડાન્સ કર્યો હતો. જ્યારે મિકાએ ‘દમાદમ મસ્ત કલંદર’ અને ‘આજ કી પાર્ટી’ ગીત ગાઈ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
મિકા બાદ જેકલિન ફર્નાન્ડીશે ‘એક, દો, તીન’ ગીત પર ઠુમકા લગાવ્યા હતા. છેલ્લે રિતિક રોશને કહોના પ્યાર કે ફિલ્મનું ‘એ મેરે તુ ગાયે જા’ ગીત પર ડાન્સ કર્યો હતો. જ્યારે મીકાએ આઈપીએલ થીમ સોંગ ‘યેલ ખેલ હૈ’ રજૂ કર્યો હતો.
હૈદરાબાદ વિ. રાજસ્થાન
બોલરોના ચુસ્ત પ્રદર્શન બાદ શિખર ધવન (અણનમ ૭૭)ની અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-૧૧માં રાજસ્થાન રોયલ્સ સામે ૯ વિકેટે વિજય મેળવ્યો હતો. રાજસ્થાને ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૨૫ રન બનાવ્યા હતા.
જવાબમાં હૈદરાબાદે ૧૫.૫ ઓવરમાં ૧ વિકેટ ગુમાવી ૧૨૭ રન બનાવી લીધા હતા. ૫૭ બોલમાં ૧૩ બાઉન્ડ્રી અને ૧ સિક્સર સાતે ૭૭ રન બનાવનાર શિખર ધવનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
દિલ્હી વિ. પંજાબ
કિંગ્સ ઇલેવન પંજાબે લોકેશ રાહુલની રેકોર્ડ બ્રેક અર્ધી સદી અને કરુણ નાયરના ૫૦ રનની મદદથી દિલ્હી ડેરડેવિલ્સને છ વિકેટે પરાજય આપી વિજયી પ્રારંભ કર્યો હતો.
ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી દિલ્હી ડેરડેવિલ્સની ટીમ કેપ્ટન ગૌતમ ગંભીરના ૫૫ રન અને ઋષભ પંતના ૨૮ રનની તેમજ ક્રિસ મોરિસના ૧૬ બોલમાં અણનમ ૨૭ રનની મદદથી નિર્ધારિત ૨૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ૧૬૬ રન બનાવ્યા હતા. ૧૬૭ રનના લક્ષ્યાંકને પંજાબની ટીમે ચાર વિકેટ ગુમાવી ૧૮.૫ ઓવરમાં મેળવી લીધો હતો.
મુંબઇ વિ. ચેન્નઇ
ડ્વેઇન બ્રાવો (૩૦ બોલમાં ૬૮)ની આક્રમક બેટિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-૧૧ની પહેલી જ લીગ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે એક વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો.
મુંબઈએ ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૧૬૫ રન બનાવ્યા હતા. જવાબમાં ટોસ જીતીને ફિલ્ડિંગ કરનાર ચેન્નઈએ ૧૯.૫ ઓવરમાં ૯ વિકેટ ગુમાવી વિજય મેળવી લીધો હતો. વોટ્સન (૧૬) અને અંબાતિ રાયડુ (૨૨) એ પ્રથમ વિકેટ માટે ૨૭ રનની ભાગીદારી નોંધાવી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે એક તબક્કે ૫૧ રનમાં ૪ વિકેટ ગુમાવી દેતાં ધબડકા જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ પછી બ્રેવોએ ૩૦ બોલમાં ૬૮ રન બનાવી મેચને જીવંત બનાવી હતી.
આ પહેલા મુંબઈના સુર્યકુમાર યાદવે ૨૯ બોલમાં ૪ બાઉન્ડ્રી અને ૧ સિક્સરની મદદથી ૪૩ રન બનાવ્યા હતા. કુણાલ પંડ્યાએ ૨૨ બોલમાં ૫ બાઉન્ડ્રી અને ૨ સિક્સર સાથે અણનમ ૪૧ રન બનાવ્યા હતા. સુકાની રોહિત શર્મા ૧૫ રન બનાવી આઉટ થયો હતો.

