હેરોમાં આવેલા કરુણા મેનોર કેર હોમ ખાતે તા.૨૧-૪-૧૮ને શનિવારે ઓપન ડે યોજાશે. મુલાકાતીઓ કેર હોમમાં અપાતી સુવિધાઓનું સવારે ૧૦થી બપોરે ૩ દરમિયાન નિરીક્ષણ કરીને જાતમાહિતી મેળવી શકશે. નેશનલ કેર હોમ ઓપન ડે ૨૦૧૮ના ભાગરૂપે સંસ્થામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ સાથે તેની વિશિષ્ટ સુવિધાઓ રજૂ કરાશે.
કરુણા મેનોર ખાતેની કેટલીક સુવિધાઓમાં રહેવાસી પૂજારી સાથે મંદિર, યજ્ઞ શાળા, લીલાંછમ વૃક્ષો સાથેના બગીચા, સિનેમા, હેર સલુન અને નેઈલ બાર સાથેના થેરાપી સ્પાનો સમાવેશ થાય છે.
કેર હોમ ઓપન ડે વિશેનો વિચાર સ્થાનિક લોકોને તેમની કોમ્યુનિટીના કેર હોમ્સની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવા અને સુમેળભર્યા સંબંધ વિક્સાવવા માટે સાથે મળીને કામ કરવા માટે પ્રેરણા આપવાનો છે. ૨૦૧૫માં કરુણા મેનોર શરૂ થયું ત્યારથી તે આ મહત્ત્વના સંબંધની કાળજી લઈ રહ્યું છે અને સ્થાનિક ગ્રૂપ્સ માટે કરુણા મેનોર હોમ કોમ્યુનિટી હબની ભૂમિકા ભજવી રહ્યું છે.
કેર હોમના હોમ મેનેજર રૂથ કિગાએ જણાવ્યું હતું,‘ અમારી વિશિષ્ટ સુવિધાઓ અને તેથી વધુ મહત્ત્વ તો અમારા કરુણા મેનોરના રહીશોની સ્નેહ સાથેની લેવાતી સંભાળ દર્શાવવા માટે આ એક સુંદર તક છે. કેટલાક લોકોના મનમાં કેર હોમ વિશે હજુ ખોટી માન્યતાઓ છે. તેથી અમે તેવી કોઈપણ માન્યતાને દૂર કરવા આતુર છીએ. લોકો અહીં આવે, કેર હોમનું નિરીક્ષણ કરે સ્ટાફને અને અમારા રહેવાસીઓને મળે.’
આપ કાર્યક્રમની સંપૂર્ણ વિગતો www.carehomeopenday.org.uk વેબસાઈટ પર નિહાળી શકશો અથવા 02081 080 121 પર આનંદ ભટ્ટનો સંપર્ક કરવા વિનંતી.

