વડીલો સહિત સહુ વાચક મિત્રો, ‘સાઠે બુદ્ધિ નાઠી...’ - એ વાત ખોટી. સાવ જ ખોટી. દરેક ભાષામાં કહેવતો, ઉક્તિઓ, સૂત્રોને અમુક અંશે દાદા-દાદીના ડહાપણની ફળશ્રુતિ ગણવામાં આવે છે. અનુભવોનો નિચોડ ગણાવવામાં આવે છે. આ બધું સાચું, પણ બધી જ કહેવત સોળ આની સોના જેવી સાચી એ વાતે ભ’ઈ હું તો સંમત નથી.
ગુજરાતી ભાષા કહેવતો-ઉક્તિઓ-સૂત્રોના મામલે બહુ સમૃદ્ધ છે. આપણે ત્યાં જીવનના દરેક તબક્કાને કે ઘટનાને આવરી લેતી કહેવતો, ઉક્તિઓ જોવા-વાંચવા-સાંભળવા મળે છે. મારા અંગત પુસ્તકાલયમાં આ વિષય સંદર્ભે બે-ચાર પુસ્તકો પણ છે. તેમાં કહેવતો - ઉક્તિઓ છે અને તે કઇ રીતે લોકજીભે ચઢ્યા હોય શકે છે તેની વાતો પણ છે.
પરંતુ લેખના પ્રારંભે ટાંકેલી સાઠે બુદ્ધિ નાઠી કહેવત માટે તો હું એટલું જ કહી શકું કે આમાં કંઇ દમ નથી. પરિવારના કોઇ ડોસા કે ડોસીનો સ્વભાવ, સતત ટીકાટિપ્પણ કરતો હોય, નાની-મોટી વાતે ટપારતા હોય, ગુસ્સો કરતા રહેવાના સ્વભાવથી તંગ આવીને કોઇ પરિવારજને આ કહેવત ઘડી કાઢી હોય તેમ લાગે છે. પણ વાચક મિત્રો, સાઠે બુદ્ધિ નાઠી તેવું કંઇ હોતું નથી હોં... મારો આ દાવો દિમાગી તુક્કો પણ નથી કે હું સાઠી વટાવી ગયો છું એટલે આમ કહી રહ્યો છે તેવું પણ નથી. એક વૈજ્ઞાનિક અભ્યાસમાં આ બાબત પુરવાર થઇ છે.
આ કહેવતો - ઉક્તિઓની વાત ચાલી રહી છે ત્યારે વાતને આગળ વધારતા પહેલાં મને એક બહુ ખટકતી વાત પણ જ કરી દઉં. આપણી ગુજરાતી ભાષામાં (અન્ય ભાષાઓમાં પણ આવું હોય તો મને ખબર નથી...) જ્ઞાતિ, જાતિ, અમુક સમુદાય સંદર્ભે કેટલીક એટલી બધી કઢંગી કહેવતો છે કે આપણને તે બોલનારની માનસિક્તા પર દયા આવે. જેમ કે, ........ની બુદ્ધિ પગની પાનીએ, ચાર મળે ચોટલા તો ભાંગે કોઇના ઓટલા... અરે ભાઇ, દુનિયાની કઇ ભાષામાં એવું લખાયું છે કે પુરુષો એટલે સીધાસાદા અને સત્કર્મના સાધક. ખરેખર તો પુરુષો જ સૌથી વધુ કુથલી કરતા હોય છે એવો અભ્યાસ પણ થયો છે. અભ્યાસ ન હોય તો પણ આનું કારણ સીધું અને સટ છે. બહેનોએ પતિથી માંડીને સંતાનો સહિતના સમગ્ર પરિવારની જવાબદારી નિભાવવાની હોય છે. રસોઇ, કપડાં સહિતના ઘરકામ અને કોઇ સાજુમાંદુ થયું હોય તો તેની વિશેષ સારસંભાળ. આ તો કરવાનું જ અને જો જોબ લીધી હોય તો તેની જવાબદારી લટકામાં...
આમાં ક્યાં તેને કોઇના ઓટલા ભાંગવાનો સમય મળવાનો હતો?
વાચક મિત્રો, તમે ક્યારેય નોંધ લીધી છે કે મોટા ભાગે કહેવતોમાં સ્ત્રીઓની જ નિંદા જોવા મળશે. કહેવતો - ઉક્તિઓમાં પુરુષો વિશે જવલ્લે જ ક્યાંય વાંકુ વાંચવા મળશે. આવું જ કંઇક સમાજના અમુક વર્ગ સંદર્ભે જોવા મળશે. કહેવાતા ઉચ્ચ વર્ગ વિશે ભાગ્યે જ કોઇ વરવી કહેવત - ઉક્તિ જોવા મળશે, પણ કચડાયેલા વર્ગ માટે એક નહીં અનેક કહેવત વાંચવા મળશે. મારું ચાલે તો આવી બધી જ કહેવતો - ઉક્તિઓનો આપણી ભાષામાંથી છેદ ઉડાડી દઉં, પણ આપણું સાંભળે કોણ?
ખેર, મુખ્ય વાત સાથે તંતુ સાંધીએ. અમેરિકાની લબ્ધપ્રતિષ્ઠિત કોલંબિયા યુનિવર્સિટીએ કરેલા એક અભ્યાસમાં સાઠે બુદ્ધિ નાઠી કહેવતને ખોટી ઠરાવતું તારણ નીકળ્યું છે. 'cell stem cell' નામના એક મેડિકલ જર્નલમાં યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા અભ્યાસના તારણો રજૂ થયા છે. જેમાં અત્યંત વિશ્વસનીય અને સત્ય હકીકતના આધારે તૈયાર થયેલા રિપોર્ટના અંશો રજૂ થયા છે. જેનો સાર કંઇક એવો છે કે મગજ મનુષ્યનું હોય કે અન્ય જીવનું, પરંતુ તે અદભૂત શક્તિ ધરાવતું હોય છે. એટલું જ નહીં મોટી ઉંમરની વ્યક્તિના મગજમાં પણ લગભગ ૭ બિલિયન ગ્રે સેલ્સ હોય છે તે ચેતનવંતા હોય છે. બાપલ્યા, આટલો તોતિંગ આંકડો વાંચીને હવે કોઇ એમ ન પૂછતાં કે મગજમાં જે (લગભગ) આટલા બધા સેલ્સ હોય છે તે ગણવા કોણ ગયું’તું? હું તો ગણવા નહોતો જ ગયો એટલી સ્પષ્ટતા કરી દઉં. આ તો વિજ્ઞાનના ખેંરખાંઓએ કહ્યું અને આપણે માન્યું.
અત્યાર સુધી એવી માન્યતા પ્રચલિત રહી છે કે વયના વધવા સાથે મગજ નિષ્ક્રિય બનતું જાય છે કેમ કે ઉંમર વધવાની સાથે નવા ગ્રે સેલ્સ બનવાની પ્રક્રિયા ધીમી પડતી જાય છે અને સમયાંતરે તે પ્રક્રિયા સદંતર અટકી જાય છે. જોકે આ લેટેસ્ટ વૈજ્ઞાનિક અભ્યાસમાં પુરવાર થયું છે કે મગજમાં ગ્રે સેલ્સનું સતત નિર્માણ થતું જ રહે છે. શરત માત્ર એટલી કે મનુષ્ય કે જે તે જીવની તંદુરસ્તી સારી હોવી જોઇએ. જો આ પાયાની શરત પૂર્ણ થતી હોય તો ભયો ભયો... મગજમાં આ કોષોનું નિર્માણ થતું રહે તો પરિણામે વ્યક્તિ લાંબા ગાળા સુધી જ્ઞાન સંપાદન કરી શકે છે અને તેનું મનોમસ્તિષ્ક સજ્જ રહે છે.
સંશોધનના ભાગરૂપે ભરયુવાનીમાં કે વૃદ્ધાવસ્થામાં (અકસ્માત દરમિયાન) મૃત્યુ પામેલા લોકોના મગજનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આપણા દરેકના મગજમાં હિપ્પોકેમ્પસ નામનો એક ભાગ હોય છે, જેનું મુખ્ય કામ સ્મૃતિનો સંગ્રહ કરવાનું અને જરૂર પડે ત્યારે (તમને) જે તે બાબત ફરી યાદ (રિકોલ) કરાવવાનું છે. હિપ્પોકેમ્પસની કામગીરી જોતાં તમે તેને મગજની હાર્ડ ડિસ્ક ગણી શકો. કમ્પ્યુટરમાં જેમ હાર્ડ ડિસ્ક બધી મેમરી સેવ કરે છે તેવું તેનું કામ છે.
આ અભ્યાસ માટે અકસ્માતમાં મૃત્યુ પામેલા ૧૪ વર્ષના તરવરિયા ટીનેજરથી માંડીને ૭૯ વર્ષના વૃદ્ધોના મગજને પસંદ કરાયા હતા. આ લોકોના મગજમાંથી મેળવાયેલા હિપ્પોકેમ્પસનું સ્લાઇસ આકારે કટીંગ કરીને પરીક્ષણ કરાયું તો જાણવા મળ્યું હતું કે મગજમાં હજારોની સંખ્યામાં સતત નવા નવા ન્યૂરોન ઉત્પન્ન થયા હતા, એટલું જ નહીં તેનું સર્જન ચાલુ જ હતું. આનો મતલબ એ થયો કે ઉંમર વધવાની સાથે મગજમાં ગ્રે સેલ બનવાનું સમૂળગુ અટકી જાય છે કે તેની સંખ્યા ઘટી જાય છે તે વાત રતિભાર સાચી નથી.
આપણા સહુ માટે આ તારણ બહુ જ અગત્યનું છે કેમ કે અત્યાર સુધી આપણે સહુ માનતા આવ્યા છીએ કે વયના વધવા સાથે મગજમાં નવા કોષોનું સર્જન અટકી જાય છે કે ઘટવા લાગે છે. હવે વિજ્ઞાને સાબિત કર્યું છે કે યુવાન વ્યક્તિના મગજમાં જે પ્રકારે સતત કોષોનું સર્જન થતું રહે છે તે જ પ્રમાણે વૃદ્ધોના મગજમાં પણ સતત નવા કોષોનું સર્જન થતું રહે છે. વયના વધવા સાથે તેને કોઇ નિસ્બત નથી. બસ, તન-મન તંદુરસ્ત હોવા જોઇએ.
તમે સહુ મારા કરતાં ઉંમરમાં નાના હો કે મોટા હો કે પછી સમવયસ્ક હો, સાઠે બુદ્ધિ નાઠીના ભ્રમમાં રાચતા નહીં. હું તો બસ એટલું જ કહીશ કે આજનો લ્હાવો લીજિયે રે લોલ... ખાઇ-પીને મજ્જો કરો, પણ માપમાં રહીને. ખાણીપીણીમાં પ્રમાણભાન જાળવશો તો આપોઆપ તન-મનની તંદુરસ્તી જળવાશે.
દવા નાસ્તો નથી...
‘ભલા આ તે કંઇ કહેવાની વાત છે?! દવા તે નાસ્તો ન જ હોય ને... સી.બી.’
વાચક મિત્રો, આપનામાંથી ઘણાના મનમાં આ વાક્ય ફૂટી નીકળ્યું હશે, પરંતુ આપ સહુને સાદર જણાવવું રહ્યું કે મથાળામાં ટાંકેલા શબ્દો હું નથી કહેતો. એક સુંદર મજાના લેખમાંથી તે અહીં ટપકાવ્યા છે, કેમ કે તે મારા - તમારા - આપણા સહુ માટે ઉપયોગી છે.
ગુજરાત સમાચારના કાર્યાલયમાં લગભગ ૨૫થી વધુ મેગેઝિન અમે મંગાવીએ છીએ તો કેટલાક મેગેઝિન પ્રકાશકો અમને સાદર કરે છે. મારા માટે પરિવારજનો કેટલીક વાર કહે છે કે આંધળો કાં ગાય કે કાં દળે... (જોયુંને?! એક નેત્રહીન માટે કેવી હીન કક્ષાની કહેવત છે...) આપ સહુ માનવંતા વાચકોએ મને મધમાખીનું કામ (See Bee) કામ સોંપ્યું છે ત્યારે હું પણ મારી ફરજ કેમ ચૂકી શકું? જ્યાંથી મળે ત્યાંથી સદવિચાર કહો કે જ્ઞાન કહો, માહિતી કહો કે જાણકારી કહો... બધું એકત્ર કરવું, મારી ક્ષમતા-સજ્જતા-આવડત મુજબ તેને ચાળવું અને પછી તેમાંથી વાંચન-વ્યંજન બનાવીને આપ સહુ સમક્ષ પીરસવું એ જ તો મારું કામ છે... મારો આ નમ્ર પ્રયાસ આપને કેટલો ઉપયોગી સાબિત થતો હશે એ તો નથી જાણતો, પણ મારા જ્ઞાનમાં તો અભિવૃદ્ધિ થાય છે.
લગભગ દરેક મોટા સંપ્રદાય, ધાર્મિક - સામાજિક સંગઠન પોતપોતાની રીતે નાનુંમોટું સામયિક પ્રકાશિત કરે છે. તેમાં રામકૃષ્ણ આશ્રમ - રાજકોટનું પ્રકાશન ‘રામકૃષ્ણ જ્યોત’ વાંચવાનો હું અચૂક આગ્રહ રાખું છું. કેટલાક સંપ્રદાયોના સામયિકોમાં પરમાત્મા, રામ-કૃષ્ણ કે અન્ય દેવી-દેવતાઓ સંબંધિત ધર્મ-અધ્યાત્મની વાતોના બદલે ગુરુ-ગાનની જ ભરમાર જોવા મળે છે. પોતાની માલિકીનું મેગેઝિન હોય એટલે જે તે સંપ્રદાય કે સંગઠન તેમાં પોતાના વડાના ગુણગાન રજૂ કરે તેમાં કંઇ ખોટું તો નથી, પરંતુ વ્યક્તિપૂજામાં આપણે આખેઆખા ધરબાઇ જઇએ તે કેટલા અંશે સારું તે વિચારણીય મુદ્દો છે.
જોકે ‘રામકૃષ્ણ જ્યોત’ની વાત અલગ છે. સામયિકના એપ્રિલ ૨૦૧૮ના અંકમાં પાન ૩૧ પર એક બહુ જ સરસ લેખ છે. લેખક છે રાજકોટના ઉચ્ચ કક્ષાના તબીબ ડો. કમલ પરીખ. આ ડોક્ટર સાહેબ તેમના વ્યાવસાયિક કૌશલ્ય માટે જેટલા જાણીતા છે તેટલા જ તન-મન સહિત સાર્વત્રિક આરોગ્યના વક્તા અને લેખક તરીકે પણ સુખ્યાત છે. તેમના લેખમાંથી કેટલાક વિચારમોતી અહીં સાભાર ટાંક્યા છેઃ
• એ બાબત નિશ્ચિત છે કે જીવનને નિયમિત બનાવવામાં આવે, સંયમિત બનાવવામાં આવે તો સાજા થઈ શકાય છે, સાજા રહી શકાય છે. યુવા વર્ગ અને કોર્પોરેટ-જગત સાથે સંકળાયેલા લોકો સૌથી વધારે અનિયમિત હોય છે.
• તમે તણાવમુક્ત, પ્રસન્ન રહીને કામ કરશો તો કામની અને જીવનની ગુણવત્તામાં સુધારો થશે.
• દરેક દર્દીએ એક વખત પોતાના ડોક્ટરને સમજવાનો પ્રયત્ન કરવો જ જોઇએ.
• ઘણા દર્દીઓ ડોક્ટરની ઉપરવટ જઇને દવાઓ લઇ લે છે. જરૂર ન હોય ત્યારે વધારે દવા લેવાઇ જાય તો તેનાં ગંભીર પરિણામો આવી શકે છે.
• જ્યાં સુધી માણસની અંદર કુદરતી શક્તિનો ઉદ્ભવ નહીં થાય, ત્યાં સુધી હોસ્પિટલો છલકાતી રહેશે, દર્દી વધતા રહેશે, દવાઓ શોધાતી રહેશે.
• સંપૂર્ણ સ્વાસ્થ્ય-તંદુરસ્તીમાં ૧૦ ટકા હિસ્સો શારીરિક તંદુરસ્તીનો છે, ૧૦ ટકા હિસ્સો સામાજિક, ૨૦ ટકા હિસ્સો માનસિક તંદુરસ્તી અને ૬૦ ટકા હિસ્સો આધ્યાત્મિક તંદુરસ્તીનો છે.
• દર્દીઓના બે વર્ગ થયા છેઃ એક વર્ગ વધારે દવા માગે છે અને બીજો વર્ગ દવા વગર સાજો થવા માગે છે.
• મૃત્યુ આપણા હાથમાં નથી, પણ જિંદગી તો આપણા હાથમાં છે ને! આપણે જ જિંદગીને તંદુરસ્તીથી છલકતી રાખી શકીએ છીએ.
આ બધું લખીને હું કોઇ વ્યક્તિને એવું કહેવા નથી માગતો કે દવા લેવી જ નહીં, કેમ કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ સાથે હું અન્યોન્યને ઉપકારક સંબંધ ધરાવું છું. હું રોજના ચાર વખત ઇન્સ્યુલિન લઉં છું અને અલગ અલગ પાંચથી છ પ્રકારની ગોળીઓ લઉં છું. (મારા કાયમી મિત્રની સારસંભાળ તો સદા રાખવી પડે ને?) મારા જીપીના મતે, દિવસ દરમિયાન ઇન્સ્યુલિન લેવાની ફ્રિકવન્સી ભલે વધારે હોય, પણ તેના ડોઝની માત્રા બહુ જ ઓછી છે. ઓછા ડોઝથી મારું કામ ચાલી જાય છે કેમ કે હું ખાણીપીણી સહિતની જીવનશૈલીમાં પૂરતી કાળજી રાખું છું. ડાયાબિટીસના દર્દીઓ માટે આવશ્યક Do's and Don'tsના નિયમોને ચુસ્તપણે અનુસરું છું. દવા નિયત સમયે અચૂક લઉં છું, પણ એક સાથે બધી દવા ગળી જાઉં એવું પણ નથી કરતો.
પરીખસાહેબ આ જ વાત સમજાવે છે. મેં ઘણા લોકોને જોયા છે કે જેઓ સવાર, બપોર કે સાંજનો ડોઝ લેતી વખતે અલગ અલગ બીમારીની દવાઓ એક સાથે ખોબો ભરીને પેટમાં પધરાવી દે છે. જાણે ચવાણાનો બુકડો મોંમાં ઓરતા હોય... દવા કોઇ પણ હોય, પરંતુ તેના સેવનની આ પદ્ધતિ યોગ્ય નથી. એક ટાઇમટેબલ બનાવો. જો ડોક્ટરે જુદી જુદી ગોળીઓ એક સાથે લેવાની સ્પષ્ટ સુચના ન આપી હોય તો દરેક ગોળી વચ્ચે ૧૫થી ૨૦ મિનિટનું અંતર રાખો, જેથી હોજરીને તેના પ્રોસેસિંગમાં ‘ગૂંચવાડો’ ના થાય. હંમેશા યાદ રાખો - દવા એ નાસ્તો તો નથી જ...
•••
IPL કોના બાપની?
મુંબઇમાં શનિવારે ઇંડિયન પ્રીમિયર લિગ (આઇપીએલ)ની ૧૧મી સિઝનનો રંગારંગ પ્રારંભ થયો. પહેલી જ મેચમાં મુંબઇ ઇંડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો હતો. ૧૭મી ઓવર સુધી મુંબઇ ઇંડિયન્સનો ઘોડો વીનમાં હતો. વિજય નિશ્ચિત મનાતો હતો, પણ આખરી ત્રણ ઓવરમાં અકલ્પનીય રીતે પાસું પલટાઇ ગયું. (આનું નામ જ તો ક્રિકેટ...) ચેન્નઇ સુપર કિંગ્સને ૧૮ બોલમાં ૩૫ રન કરવાના હતા. ધમાકેદાર બેટિંગ થકી લક્ષ્ય હાંસલ કરીને તેણે મુંબઇના હોઠેથી વિજયનો પ્યાલો છીનવી લીધો. એ ૧૨-૧૫ મિનિટ... ક્રિકેટચાહકો માટે યાદગાર બની રહેશે. મેચ જીતવા માટે મેદાનમાં મથી રહેલા ખેલાડીઓ માટે તો ઠીક, દર્શકો માટે પણ એ ઉત્તેજનાભર્યો માહોલ રુંવાડા ઉભા કરી દે તેવો હતો. આ સફળ ટૂર્નામેન્ટના સ્વપ્નદૃષ્ટા છે લલિત મોદી. તેમણે પણ લંડનના નાઇટ્સ બ્રીજ અને સ્લોન સ્કવેર વચ્ચેના કેડોગન ગાર્ડન વિસ્તારના નિવાસસ્થાને બેસીને આ મેચની મજા માણી હોવાનું જાણવા મળ્યું છે. આ મેચ વેળા તેમના દિલોદિમાગમાં કેવું મંથન ચાલતું હતું એ તો જાણવા મળ્યું નથી, પણ તેમને એક વાતનો અવશ્ય રંજ હશે આજે તેમને સાવ કોરાણે મૂકી દેવાયા છે. દૂધમાંથી માખી કાઢવામાં આવે એમ.
આઇપીએલ શરૂ થયાને આજે ૧૦ વર્ષ થઇ ગયા છે. આજની આ સફળતમ ટૂર્નામેન્ટના આયોજનનું બીજ આ જ વિસ્તારની કેડોગન ગાર્ડન્સ હોટેલના રેસ્ટોરાંમાં રોપાયું હતું. જુલાઇ ૨૦૦૭નો એ સમય હતો. લલિત મોદીએ એન્ડ્ર્યુ વાઇલ્ડબ્લડની સાથે બપોરના સમયે ટી-મિટીંગ યોજી હતી. જેમાં ભારતમાં ૨૦-૨૦ ઓવરની ક્રિકેટ લીગ યોજવાનો વિચાર પ્રથમ વાર રમતો મૂકાયો હતો. અને થોડાક મહિનામાં તો વિચાર સાકાર પણ થઇ ગયો. કોઇ પણ સારા વિચારને આયોજનબદ્ધ રીતે અમલમાં મૂકાય તો અવશ્ય તેને સફળતાના મુકામ સુધી પહોંચાડી શકાય છે તેનું ઉત્તમ ઉદહારણ આઇપીએલ છે.
આઇપીએલનો વિચાર સ્ફૂર્યો. ચર્ચા કરી. આયોજન વિચાર્યું. આ સમયે લલિત મોદીના મનમાં આશંકા હતી કે ત્રણ-ચાર કલાકની મેચમાં કોને રસ પડે? સ્ટેડિયમ સુધી કોણ લાંબુ થશે? મેચનું લાઇવ ટેલિકાસ્ટ કોઇ જોશે કે કેમ તે પણ સવાલ હતો. ભારતીય ટીવી દર્શકોમાં મહિલાઓનો મોટો હિસ્સો, અને તેઓ મોટા ભાગે પારિવારિક ધારાવાહિક જોનારા. પુરુષોનો બહોળો વર્ગ કામધંધેથી થાક્યોપાક્યો સાંજે ઘરે પહોંચ્યા બાદ ટીવી પરદે મેચ જૂએ કે કેમ તે વાતે પણ આશંકા હતી.
સવાલ હોય તો જવાબ પણ હોવાનો જ! લલિત મોદીએ બધા સવાલોના જવાબ ‘શોધ્યા’. તેમણે ક્રિકેટની રમતમાં ગ્લેમર ઉમેર્યું. ઉત્તેજના વધારી. દર્શકોને આકર્ષવા ચિયર ગર્લ્સનું પરિબળ ઉમેર્યું. આકર્ષક દેહયષ્ટિ, ચુસ્ત કપડાં અને નખરાળી અદા. ચોગ્ગો-છગ્ગો લાગે તો પણ મારકણી અદામાં ડાન્સ કરે અને વિકેટ પડે તો પણ ઝૂમે. ઓછી ઓવરની મેચે રમતમાં રોમાંચ વધાર્યો તો આ ચિયર ગર્લ્સે તેમાં ઉત્તેજનાનો રંગ પૂરવાનું કામ કર્યું.
આ બધું કરવા માટે ખણખણિયા તો જોઇએને? લલિત મોદી જાણતા હતા કે આમાં કોને રસ પડી શકે અને કોણ નાણાંની કોથળી ખુલ્લી મૂકવા તૈયાર થાય. ફિલ્મ કલાકારો શાહરુખ ખાન, શિલ્પા શેટ્ટી-કુન્દ્રા, પ્રીતિ ઝિન્ટા ઉપરાંત કોર્પોરેટ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા અંબાણી, શ્રીનિવાસન્ પરિવારોનો સંપર્ક સાધ્યો. સમજાવ્યું કે આમાં નાણાં રોકો... ૧૨ હજારના લાખ થશે, પણ ઉલ્ટું તો નહીં જ થાય. કલાકારોથી માંડીને ઉદ્યોગપતિઓને પણ તેમની વાતમાં ભરોસો બેઠો કે ભલે ૧૨ હજારના લાખ ન થાય, પણ દુનિયાભરમાં ક્રિકેટચાહકોની સંખ્યા જોતાં લાખના ૧૨ હજાર થવાની તો કોઇ શક્યતા નથી. તેમણે ગણતરીપૂર્વક જોખમ ઉઠાવ્યું. નાણાં રોકી ટીમ ખરીદી.
પહેલી વખત ટૂર્નામેન્ટ યોજાઇ ત્યારે પાંચ વર્ષના ટીવી પ્રસારણ અધિકાર માટે બે બિલિયન પાઉન્ડ મળ્યા હતા. આજે આ આંકડો અનેકગણો વધી ગયો છે. સહુ કોઇ આજે અઢળક નાણાં રળી રહ્યા છે - ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ, ખેલાડીઓ, આઇપીએલ આયોજકો અને કરોડો રૂપિયાનું રોકાણ કરનાર ટીમના માલિકો પણ. પરિણામે ટૂર્નામેન્ટની સફળતાના ઝંડા દેશવિદેશમાં લહેરાઇ રહ્યા છે.
સફળ આયોજનની નકલ કરવામાં ક્યાં વાર લાગે છે? આજે પાકિસ્તાન, વેસ્ટ ઇંડિઝ, ઓસ્ટ્રેલિયા બાદ હવે ઈંગ્લેન્ડમાં પણ ૨૦-૨૦ સુપર લિગની શરૂઆત ચૂકી છે કે થવાની ઘડીઓ ગણાઇ રહી છે.
શનિવારે મેચ જોતાં જોતાં સહેજપણે જ મનમાં વિચાર આવી ગયો કે એક માણસનું ભેજું એક વિચારને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે. હું લલિત મોદીને વ્યક્તિગત રીતે પણ મળ્યો છું. પ્રભાવશાળી વ્યક્તિત્વ છે. બોલચાલે તેજસ્વી છે. વાચાળતા અને ચપળતાના કારણે પોતાની વાતને અસરકારક રીતે રજૂ કરવામાં માહેર છે. ક્રિકેટ બોર્ડમાં ૭૦ કરોડ રૂપિયાની આર્થિક ગેરરીતિ કરવાના આરોપનો સામનો કરી રહેલા લલિત મોદીને લાગ્યું હતું કે હવે ભારતમાં રહ્યા તો કાયદાની ચુંગાલથી બચવું મુશ્કેલ છે. આથી સ્વૈચ્છિક દેશવટો સ્વીકારીને લંડનમાં આશ્રય લીધો છે. જોકે લલિત મોદી માટે કહી શકાય કે હવેલી લેતાં ગુજરાત ખોવાનો વારો આવ્યો છે.
પાકિસ્તાની શાસકોની દયા પર જીવન વીતાવી રહેલો ડોન દાઉદ ઇબ્રાહિમ પણ ભારત પરત ફરવાની ઝંખના સેવે છે તો લલિત મોદીના મનમાં પણ ભારત પાછા ફરવાની ઇચ્છા ન હોય તો જ નવાઇ. ઇંડિયન પ્રીમિયર લીગની જ્વલંત સફળતા જોતાં લલિત મોદીના મનમાં પણ સવાલ ઉઠતો જ હશેઃ આઇપીએલ કોના બાપની?
વેડફાતી યુવા શક્તિ
લંડનમાં, ખાસ તો કેટલાક વિસ્તારોમાં, છેલ્લા ત્રણેક માસમાં ૧૫થી ૨૫ વર્ષના ૫૦ જેટલા તરવરિયા યુવાનો એક યા બીજા કારણસર મોતના મુખમાં હોમાઇ ગયા છે. ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા આ આશાસ્પદ યુવાનો મૃત્યુ માટે કારણો તો ઘણા અપાય છે, પણ તેનાથી હકીકત બદલાઇ જતી નથી. પોલીસની સંખ્યામાં ઘટાડો, ડ્રગ્સના સેવનમાં વધારો, ઘોંઘાટિયું મ્યુઝિક સાંભળતા સાંભળતા વાહન ચલાવવું, અનિયંત્રિત જીવનશૈલી, આર્થિક પછાત સમાજમાં જ આવું બને છે... જેટલા મોઢા એટલા કારણો છે. આ કારણો સાચા પણ હોય શકે છે, અને ખોટા પણ. પરંતુ આપણે ૫૦ જેટલા યુવાનો ગુમાવી દીધા છે. સમાજ સામે લાલ બત્તી રૂપ આવી ઘટનાઓ અંગે હવે પછી વિગતે ચર્ચા કરશું...
મેગન મર્કેલના ‘મૂળિયા’ સ્કોટલેન્ડમાં!
આગામી મહિનામાં બ્રિટનના રાજપરિવારના સભ્ય બની રહેલાં મેગન મર્કેલ આજકાલ સમાચારોમાં છવાયા છે. તેમની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલી નાની-મોટી ઘટનાઓ અખબારોમાં ચમકતી રહે છે. એક અહેવાલ છે કે તેઓ સ્કોટલેન્ડના રાજપરિવારના વંશજ છે. ૧૭મી પેઢીએ રોબર્ટ બ્રુસ નામના સ્કોટલેન્ડના એક રાજા હતા એ તેમના વડવા થાય.
વડવાઓ સંબંધિત કંઇક આવો જ અહેવાલ નામદાર મહારાણી એલિઝાબેથનો આવ્યો છે. મહારાણી મોહમ્મદ પયગંબરના પરિવારજન છે તેવા સમાચાર છે. આ વંશવેલાના આટાપાટામાં જાતજાતના વળગણ લાગે છે હોં... એક રીતે તો જોઇએ તો આદમ અને ઇવે સંસાર માંડ્યો પછી મા મૂળો અને બાપ ગાજર પ્રમાણે જ સમાજની ઉત્ક્રાંતિ થતી રહી છે.
બ્રિટનઃ સામાજિક સમરસતાનું મશાલચી
આ સપ્તાહે ઇનોક પોવેલના ખૂબ જ વગોવાયેલા વક્તવ્યને ૫૦ વર્ષ પૂર્ણ થયાં. તેમણે ભવિષ્ય ભાખ્યું હતું કે બ્રિટિશ સમાજને તેના બહુવર્ણીય અને બહુસાંસ્કૃતિક પરંપરાના વહેલા કે મોડાં માઠા પરિણામ ભોગવવા પડશે. દેશમાં લોહીની નદીઓ વહેશે વગેરે વગેરે. આજે આ વાતને ૫૦ વર્ષ થઇ ગયા છે. ઇનોકભાઇ પણ ગયા, અને તેમની ભવિષ્યવાણી પણ આજ દિન સુધી તો સાચી પડી નથી. આથી ઉલ્ટું બ્રિટન વધુ શક્તિશાળી, સમૃદ્ધ બનીને ઉભર્યું છે. સામાજિક તાણાવાણા વધુ મજબૂત બન્યા છે. અહીંનો બહુવર્ણીય અને બહુસાંસ્કૃતિ સમાજ સમગ્ર વિશ્વને સમરસતાનું ખૂબ સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે અને - ઇનોકો પોવેલની આગાહીથી ઉલ્ટું - દેશનું ભવિષ્ય અત્યાર કરતાં પણ વધુ ઉજ્જવળ જણાઇ રહ્યું છે. દેશમાં સુખનો સુરજ વધુ ઊંચોને ઊંચો ચઢી રહ્યો છે.
બીજી તરફ, વીતેલા ૫૦ વર્ષમાં અમેરિકાની હાલતમાં પણ ખાસ્સો બદલાવ આવ્યો છે. પાંચ દસકા પૂર્વે એ દેશમાં કાળા-ધોળા વચ્ચેનો ભેદભાવ ઊડીને આંખે વળગતો હતો. બ્લેક સમાજ સાથે ગુલામ જેવો વ્યવહાર થતો હતો. તેમના પર જુલ્મ-સીતમ ગુજારવામાં કોઇ કસર છોડાતી નહોતી. ધોળા લોકોના સીતમના કારણે કાળા લોકોમાં આક્રોશ ગોરંભાતો હતો.
બ્લેક પેન્થર નામના જૂથે અન્યાય-જુલમ સામે હિંસક માર્ગે વિરોધ કરવાનું સૂચવ્યું, પણ માર્ટિન લ્યુથર કિંગે તેનો વિરોધ કર્યો. તેઓ ગાંધીચીંધ્યા માર્ગને અનુસરનારા હતા, અહિંસાના સમર્થક હતા. તેમણે સવિનય કાનૂન ભંગનો માર્ગ અપનાવ્યો. શાંતિભર્યા અને સહઅસ્તિત્વના માર્ગે આંદોલન છેડ્યું. કિંગ માટે ગાંધીજી પ્રેરણાસ્રોત હતા. મહામાનવ માર્ટિન લ્યુથર કિંગની હત્યાને ચોથી એપ્રિલે ૫૦ વર્ષ પૂરા થયા.
રેવરન્ડ માર્ટિન લ્યુથર કિંગે જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન અહિંસક લડત ચલાવી, પણ તેની ફળશ્રુતિ શું? અમેરિકા જેવી વૈશ્વિક મહાસત્તાના પ્રમુખપદે એક અશ્વેત નામે બરાક ઓબામાની વરણી. જે દેશમાં અશ્વેતો પર અસીમ અત્યાચાર ગુજારાયા હતા તે જ દેશની શાસનધૂરા નવ વર્ષ પૂર્વે એક અશ્વેતને સોંપાઇ, અને તેમણે સતત બે મુદત સુધી દેશને સબળ અને સફળ નેતૃત્વ પૂરું પાડ્યું. અશ્વેતો માટે આનાથી મોટી સફળતા કઇ હોઇ શકે?!
માર્ટિન લ્યુથર કિંગનું જીવનકવન દર્શાવે છે કે વૈચારિક ક્રાંતિની એક જ ચિનગારી લોકોના જીવનમાં પેઢીની પેઢીઓ સુધી આમૂલ પરિવર્તન લાવવા સક્ષમ છે. માર્ટિન લ્યુથર કિંગે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેમની વય માત્ર ૩૯ વર્ષ હતી. મતલબ કે વય અને વિચારને ક્યારેય કોઇ નિસ્બત હોતી નથી. (ક્રમશઃ)

