લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયએ મુસ્લિમો પર શાસનનો પોતાનો અધિકાર હોવાનો દાવો કરવો જ જોઈએ તેમ એક વેબ ફોરમ આરબ એથેઈસ્ટ નેટવર્ક દ્વારા તેની હેડલાઈનમાં જણાવાયું હતું. કાસાબ્લાન્કાથી કરાંચી સુધીના અહેવાલોમાં જણાવાયું હતું કે બ્રિટિશ રાણી મોહમ્મદ પયગમ્બરના વંશજ છે. આ સંબંધે ક્વીન મોરોક્કો અને જોર્ડનના રાજાના પિતરાઈ થાય.
ગયા માર્ચમાં મોરક્કોના એક અખબારે ક્વીન એલિઝાબેથ દ્વિતીય મોહમ્મદ પયગમ્બર સાહેબના વંશજ હોવાનો દાવો કર્યો હતો. તેના માટે આ અખબારે ક્વીનની છેલ્લી ૪૩ પેઢીઓનો અભ્યાસ કર્યો હતો. મોહમ્મદ સાથેના તેમના સંબંધની અગાઉ ઈજિપ્તના પૂર્વ વડા મુફ્તી અલી ગોમા અને શાહી વંશ માટે બ્રિટિશ ઓથોરિટી બુર્કના પીઅરેજે ચકાસણી કરી હતી.
અગાઉ ૧૯૮૬માં આવો એક દાવો વંશાવલિના આધારે કરાયો હતો. તે દાવાએ ફરી વેગલ પકડ્યો છે.
૧૧મી સદીમાં પયગમ્બર સાહેબની પુત્રી ફાતિમાના વારસદારોએ ધર્મ પરિવર્તન કર્યું હતું એવો દાવો મોરક્કન અખબારમાં કરવામાં આવ્યો હતો. ‘અલ-ઓસબોઉ’ નામના આ અરબી ભાષાના અખબાર મુજબ મોહમ્મદ પયગમ્બર સાહેબની પુત્રી ફાતિમાના ૪૩ પેઢીના વારસદારે ૧૧મી સદીમાં થયેલી ઉથલપાથલ વખતે ધર્મ પરિવર્તન કર્યું હતું.
અખબાર મુજબ સેવિલેના રાજા અબૂ-અલ કાસિમ મોહમ્મદ બિન અબ્બાસ ફાતિમાના વંશજ હતો. તેની ઝાયદા નામની પૌત્રીએ સ્પેનના રાજા અલફોંસો છઠ્ઠા સાથે લગ્ન કર્યા હતા અને તે વખતે તેણે ધર્મ પરિવર્તન કર્યું હતું.
ધર્મ પરિવર્તન પછી ઝાયદાએ ઈઝાબેલ નામ ધારણ કર્યું હતું અને તેની ૪૩મી પેઢીએ ક્વીન એલિઝાબેથ દ્વિતીય આવે છે. ઘણાં ઈતિહાસકારોમાં આ બાબતે મતભેદ છે, પણ કેટલાક ઈતિહાસકારો સ્પેનના રાજવી વંશની વંશાવલીના આધારે આ ઈતિહાસને સમર્થન પણ આપે છે. ક્વીનના પુત્ર પ્રિન્સ ચાર્લ્સને ઈસ્લામ વિશે ભારે કુતુહલ છે. તેઓ ઓક્સફર્ડ સેન્ટર ફોર ઈસ્લામિક સ્ટડીઝના પેટ્રન છે. ત્યાં તેઓ ઉપસ્થિત લોકોને ‘અસ્સલામુ આલેકુમ’ કહીને આવકારે છે.

