મોટા ભાઈ અને ભાભી આ ઘર વેચી-સાટીને હંમેશ માટે દીકરા પાસે અમેરિકા રહેવા જવા માગે છે એ જાણીને મને દુઃખ અને આશ્ચર્યની મિશ્ર લાગણી થઈ. છતાંય મન મજબૂત કરીને મેં કહ્યું, ‘ખુશીથી જાવ મોટા ભાઈ, માને તો હું મારે ઘરે લઈ જઈશ. એની ચિંતા ન કરશો. નાની ઘરમાં હશે તો મારા બન્ને છોકરાઓ પણ ખુશ રહેશે ને એના જમાઈને પણ સાસુમા સાથે બહુ ફાવે છે, એટલે માને રાખવાનો તો કોઈ સવાલ નથી. પણ મારી બે શરત ગણો તો શરત અને વિનંતી ગણો તો વિનંતી છે.’
ભાઈ-ભાભીના હાવભાવ પરથી લાગ્યું કે એમને મારી વાત ગમી નથી અને હું એમની પાસે કોણ જાણે શું માગી કાઢીશ એવો ધ્રાસકો પણ એના મોં પર દેખાતો હતો. છતાં ભાઈએ શાંત સ્વરે પૂછ્યું, ‘હં બોલ અનુ, તારી શું શરત છે?’
‘મારી પહેલી શરત એ છે કે, મા જીવે
છે ત્યાં સુધી તમે આ ઘર નહીં વેચો.
બોલો, મંજૂર છે?’ ‘અરે પ...ણ મા તારી
સાથે જ રહેવાની હોય તો પછી ઘર રાખી મૂકવાની જરૂર શું છે?’ ભાઈએ કંઈક આક્રોશ સાથે પૂછ્યું.
‘જરૂર છે ભાઈ, મારા ઘરે હોય તોય એનાં મનને આશ્વાસન તો રહેશે કે, આ ધરતી પર એનું પોતાનું કહેવાય એવું એક ઘર છે...’ બોલતાં બોલતાં મારું મન ભરાઈ આવ્યું.
‘ઠીક છે... ચાલ હવે બીજી શરત?’
‘બીજું એ કે, તમે કાયમ માટે જાવ છો એવી માને ખબર ન પડવી જોઈએ. જો એવું જાણશે તો એ સહન નહીં કરી શકે. તૂટી પડશે.’
‘એ શી રીતે બને? એને ખબર પડ્યા વિના થોડી રહે?’
‘માને શું અને કેવી રીતે કહેવું એ મારા પર છોડી દો. તમે છેલ્લે મોનિકાની ડિલિવરી માટે અમેરિકા ગયાં હતાં ત્યારે મા બહુ ખુશીથી મારે ત્યાં રહી હતી. આ વખતે કહી દઈશું કે, મોનિકા ને બીજી ડિલિવરી આવવાની છે અને એ માટે તમે જાવ છો.’
મારા ઘરે માને ભલે બહુ ગમતું પણ બે-ત્રણ દિવસ થાય એટલે પૂછ્યા કરતી, ‘મોટાનો ફોન ઘણા દિવસથી નથી આવ્યો કેમ? મોનિકાની તબિયત તો સારી હશે ને?’
અઠવાડિયે, પંદર દિવસે, મહિને એમ કરતાં ભાઈના ફોન આવતાં ઓછાં થતાં ગયાં. માની પૃચ્છા પણ ઓછી થતી ગઈ. પહેલાં તો મારાં બાળકોને એ નવાં નવાં ગીતો શીખવતી. વાર્તાઓ કહેતી, એમની સાથે પાનાં રમતી.
પ...ણ ધીમે ધીમે બધામાંથી એનો રસ ઓછો થવા માંડ્યો. એના હાથની સ્વાદિષ્ટ દાળ અને એનું પાપડીમાં મૂઠિયાનું શાક અમને બધાને બહુ ભાવે એટલે એ બહુ ઉત્સાહ અને પ્રેમથી બનાવતી, પણ પછી એ માટે પણ એણે મને કહેવા માંડ્યું,
‘મારા કરતાં તો તારી રસોઈ હવે વધુ સારી બને છે. તું જ બનાવ ને!’
એક પછી એક પ્રવૃત્તિમાંથી રસ ગુમાવતી જતી અને પોતાની જાતને અંદરને અંદર સંકોરતી જતી માને હું નિરુપાય બનીને જોયા કરતી. પણ જ્યારે એણે બધા સાથે વાતચીત કરવાનું સાવ ઓછું કરી નાંખ્યું ત્યારે મને ધ્રાસકો પડ્યો. એને ખબર ના પડે એમ મેં ભાઈને ફોન કર્યો, ‘ભાઈ, મા મનમાં ને મનમાં તમારા માટે ઝૂર્યા કરતી હોય એવું લાગે છે. ખોરાક પણ સાવ ઓછો થઈ ગયો છે. મને થયું, તમને ખબર આપું, જો આવવાની કંઈક ગોઠવણ થઈ શકતી હોય તો...’
ફરજ સમજીને મેં ફોન તો કર્યો, પણ ભાઈ આવશે એવી જરા પણ આશા નહોતી. એને બદલે અઠવાડિયામાં જ ભાઈ આવ્યા અને એ પણ સજોડે! મને અને મારા પતિને ખૂબ નવાઈ લાગી.
મા તો ભાઈને વળગીને એટલું રડી કે કેમેય કરીને છૂટી જ ન પડે. કદાચ આ એનું વરસેકથી ભેગું કરી રાખેલું રુદન હતું. ત્રણ-ચાર દિવસ પછી ભાઈએ કહ્યું,
‘અનુ, ગઈકાલે હું અને તારી ભાભી ઘરની સાફસફાઈ અને ગોઠવણ કરાવી આવ્યાં છીએ. હવે કાલે અમે માને લઈને ઘરે જઈશું.’
પોતાને ઘરે જઈને તો માનું સ્વરૂપ જ ફેરવાઈ ગયું.
એનાં બોખા મોં પર બાળક જેવું નિર્દોષ સ્મિત ફરકવા લાગ્યું. એણે પોતાના ઠાકોરજીની ભાવપૂર્વક પુનઃપ્રતિષ્ઠા કરી અને જ્યારે મળવા જાઉં ત્યારે મને કહેતી.
‘દીકરીના ઘરે કેટલુંક રહેવાય? મને હતું કે, આ ઘરમાં મને છેલ્લો શ્વાસ લેવા મળે તો સારું. જો, ઠાકોરજીએ મારી પ્રાર્થના સાંભળી ને દીકરા-વહુને મોકલી આપ્યાં.’
ખરેખર જ એક રાતે મા સૂતી પછી સવારે ન ઊઠી ને ઠાકોરજીને મળવા ઊપડી ગઈ.
માનાં ક્રિયા-કારજ સંપન્ન થયા પછી એક દિવસ મેં ભાઈને કહ્યું, ‘ભાઈ, હવે આપણે ઘર કાઢવા માટે પેપરમાં જાહેરાત આપી દઈએ. ઘરનો સોદો નહીં થાય ત્યાં સુધી તમારું જવાનું નકામું લંબાયા કરશે.’
‘હવે મારે ઘર પણ નથી કાઢવું અને અમારે પાછા અમેરિકા પણ નથી જવું.’ ઓચિંતી આવી વાત સાંભળીને મને નવાઈ લાગી, ‘કેમ?’ મારાથી પૂછાઈ ગયું.
‘સાત સમંદર પાર ગયા પછી અમને સમજાયું કે પોતાના ઘરની માયા શું ચીજ છે! તારા ઘરે હતી ત્યારે મા જેમ આ ઘર માટે ઝૂર્યા કરતી હતી એવો જ ઝુરાપો અમે ત્યાં જઈને વેઠ્યો છે.’
ભાભીએ વાત આગળ ચલાવી, ‘ત્યાં જઈને થોડો વખત તો બહું સારું લાગ્યું, પણ પછી સમજાયું કે, આ તો સોનાના પિંજરામાં ફસાઈ ગયાં. બહાર નીકળવાનો કોઈ રસ્તો મળે નહીં. મા માટે તમારો ફોન આવ્યો ને અમને બહાનું મળી ગયું.’
‘તારો કયા શબ્દોમાં આભાર માનું? આ ઘર પણ તારા આગ્રહને કારણે જ ટકી ગયું. બાકી ઘર વગર અમે શું કરત?’
અત્યાર સુધી ન સમજાયેલું ઘણું બધું મને આજે ભાઈ-ભાભીની વાતમાંથી સમજાઈ ગયું. મારું મન ભારે થઈ ગયું. એકાએક ઊભા થતાં મેં કહ્યું, ‘ચાલો હું જાઉં છું... ફરી પાછી આવીશ.’
ભાઈએ પૂછ્યું, ‘બસ અનુ, જાય છે?’
મેં પાછા ફરીને એમની આંખો સામે જોયું. અત્યારે એમની આંખો અસ્સલ માની આંખો જેવી જ લાગતી હતી. મા મારે ઘરે હોવા છતાં એની આંખો પોતાના ઘરને અને દીકરાને જોયા કરતી હતી. ભાઈની આંખો મારા પર મંડરાયેલી હોવા છતાં કોને જોતી હશે? શી ખબર...

